પેલેસ્ટાઇનને સાર્વભૌમ દેશ અને UN સભ્યપદ આપવા ભારતની માંગણી, અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ શરૂ કરાશે
બ્રસેલ્સ, 14 જુલાઈ 2026: બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં આયોજિત ‘પેલેસ્ટાઇન ડોનર ગ્રૂપ’ની બીજી મંત્રીસ્તરીય બેઠકમાં ભારતે પેલેસ્ટાઇન પ્રત્યેના પોતાના લાંબા ગાળાના અને મજબૂત સમર્થનને ફરી એકવાર ઉચ્ચાર્યું છે. આ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતે ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વિવાદના કાયમી ઉકેલ માટે ‘ટુ-સ્ટેટ સોલ્યુશન’અને સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઇનને પૂર્ણ સભ્યપદ આપવાની પોતાની નીતિ સ્પષ્ટ કરી છે. યુરોપિયન કમિશન અને પેલેસ્ટિનિયન ઓથોરિટી દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ બેઠકમાં ભારત વતી વિદેશ મંત્રાલયના સચિવશ્રીપ્રિયા રંગનાથને પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં યુરોપિયન યુનિયનના સભ્ય દેશો, પેલેસ્ટાઇન, આંતરરાષ્ટ્રીય ભાગીદારો અને અગ્રણી નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
વિદેશ મંત્રાલયના સચિવ શ્રીપ્રિયા રંગનાથને જણાવ્યું હતું કે, ભારત લાંબા સમયથી પેલેસ્ટાઇનની જનતાનો એક અત્યંત વિશ્વસનીય અને ભરોસાપાત્ર ભાગીદાર દેશ રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પેલેસ્ટાઇનને ભારત દ્વારા આપવામાં આવતી તમામ વિકાસલક્ષી સહાય મુખ્યત્વે સ્થાનિક જનતાની માંગ આધારિત હોય છે, જે ખાસ કરીને આરોગ્ય સેવાઓ, શિક્ષણ, ક્ષમતા નિર્માણ (કેપેસિટી બિલ્ડિંગ) અને વ્યવસાયિક તાલીમ પર કેન્દ્રિત છે. ભારતીય સચિવે માહિતી આપી હતી કે ભારત હાલમાં પેલેસ્ટાઇનમાં મહિલા સશક્તિકરણ અને સંસ્થાગત ક્ષમતા નિર્માણ સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર સક્રિયતાથી કામ કરી રહ્યું છે. આ ઉપરાંત, ભારતે પેલેસ્ટાઇનમાં પુનર્વસન, આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓને વધુ મજબૂત કરવા માટે નવી કલ્યાણકારી પરિયોજનાઓની પણ સત્તાવાર જાહેરાત કરી છે.
-
UNRWA ના માનવતાવાદી કાર્યોને ભારતનો અવિરત સહયોગ
પોતાના બ્રસેલ્સ પ્રવાસ દરમિયાન શ્રીપ્રિયા રંગનાથને સંયુક્ત રાષ્ટ્ર રાહત અને કાર્ય એજન્સીના સલાહકાર આયોગના આગામી અધ્યક્ષ દ્વારા આયોજિત એક વિશેષ બેઠકમાં પણ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે પેલેસ્ટાઇનમાં એજન્સી દ્વારા ચલાવવામાં આવી રહેલા માનવતાવાદી અને રાહત કાર્યો માટે ભારતના નિરંતર અને અવિરત સમર્થનની ખાતરી આપી હતી. વિદેશ મંત્રાલયે આ અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે, ભારત પેલેસ્ટાઇનની જનતાની માનવતાવાદી જરૂરિયાતોને પૂરી કરવા માટે એક પ્રતિબદ્ધ ભાગીદાર તરીકે અડગ રહેશે અને ભવિષ્યમાં પણ આવો જ નક્કર સહયોગ ચાલુ રાખશે.


