Site icon Revoi.in

ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ગુજરાતે રોડ મેપ અને ગુજરાત વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કર્યો

Social Share

ગાંધીનગરઃ કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી રાજીવરંજન સિંહની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી એસ.પી. સિંઘ બઘેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે દેશના વિવિધ રાજ્યોના પશુપાલન મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી પરામર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજી પટેલ, પશુપાલન વિભાગના સચિવ સંદીપકુમાર અને પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. ભારતને વર્ષ 2047સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવામાં દેશના પશુપાલન અને ડેરી ક્ષેત્રનું યોગદાન સુનિશ્ચિત કરવા માટે દેશના પશુપાલન ક્ષેત્ર માટે વ્યાપક કાયદાકીય, નીતિગત, સંસ્થાકીય અને પ્રક્રિયાત્મક સુધારણાની વ્યૂહરચનાઓ તેમજ ભારત સરકારની હાલની યોજનાઓમાં ફેરફાર કરવા અંગે કેન્દ્રીય પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા રાજ્યના પશુપાલન મંત્રીઓ સાથે આ ઉચ્ચ સ્તરીય પરામર્શ બેઠકનું અયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના વિઝન અનુસાર વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ગુજરાતે રોડ મેપ અને ગુજરાત વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે. જેમાં દૂધ ઉત્પાદન, પ્રતિ પશુ ઉત્પાદન અને ડેરી ઉત્પાદનોના નિકાસ વધારવા જેવા વિકાસલક્ષી ઉદ્દેશો સામેલ હોવાનો અને કેન્દ્ર સરકાર દ્વારા પરામર્શ બેઠકના રજૂ થયેલા સંભવિત સુધારાઓથી ગુજરાત સરકારને પોતાના લક્ષ્યોને સિદ્ધ કરવામાં મજબૂત આધાર મળશે.

દેશી ઓલાદના પશુધનનું સંવર્ધન અને સંરક્ષણ, એન્ટી માઇક્રોબીયલ રેસીસ્ટન્સના પડકારોના સમાધાન તેમજ “વન હેલ્થ” અભિગમ હેઠળ માનવ-પશુ-પર્યાવરણ આરોગ્યના સંતુલન માટે ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICVR) ની સ્થાપના અતિ આવશ્યક હોવાનો મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત સરકાર દ્વારા સેન્ટ્રલ લાઈવસ્ટોક ફીડ એક્ટ લાવી, સમાન કાનૂન અમલ કરવામાં આવે તો ખેડૂતોના ખર્ચમાં ઘટાડો, પશુપાલન ઉત્પાદનોની ગુણવત્તામાં વૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય નિકાસમાં વધારો થશે. નેશનલ લાઈવસ્ટોક મિશનમાં કોમર્શિયલ પોલ્ટ્રી વેરાયટીઝનો સમાવેશ કરવા ઉપરાંત સેક્સડ સીમન તથા IVF ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગ માટે રાજ્ય સરકાર અને પશુપાલકો માટે સહાય યોજના જાહેર કરવા માટે પણ પશુપાલન મંત્રીએ સૂચન કર્યું હતું.

આવકવેરો, વિજળી કનેક્શન અને ટેરિફ, સંસ્થાગત નાણાકીય ધિરાણ જેવા વિષયોમાં પશુપાલન ક્ષેત્રને કૃષિ સમાન દરજ્જો આપવાની બાબત એક ક્રાંતિકારી પગલું પૂરવાર થશે. આ પહેલથી ગ્રામ્ય અર્થતંત્ર વધુ મજબૂત બનશે, તેવો આશાવાદ પશુપાલન મંત્રીએ વ્યક્ત કર્યો હતો.પશુપાલકોની આવક વધારવા માટે પશુપાલન ક્ષેત્રને ઉદ્યોગરૂપે વિકસાવવા તેમજ ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારના સુધારાત્મક પગલાં મહત્વપૂર્ણ સાબિત થશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.