‘ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક-2026’ વિધાનસભા ગૃહમાં વિના વિરોધે પસાર
- ગુજરાત સરકારના વર્ષ-૨૦૧૫ના મૂળ કાયદામાં કોઈ ફેરફાર કરાયો નથી
- આતંકવાદી કૃત્યોને લગતી જોગવાઈઓ દૂર કરવાથી BNS આધારિત તપાસમાં પુનરાવર્તન અટકશે
ગાંધીનગર, 25 માર્ચ, 2026 – GUJCTOC રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદૃઢ બનાવવા અને કેન્દ્ર સરકારના નવા ફોજદારી કાયદા સાથે તાલમેળ માટે ‘ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક-2026’ વિધાનસભા ગૃહમાં આજે વિના વિરોધે પસાર કરવામાં આવ્યું હતું.
આ અંગે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદાની પૃષ્ઠભૂમિ અને તેમાં સુધારાની જરૂરિયાત દર્શાવતાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ-2015માં મૂળ અધિનિયમ (GUJCTOC) લાવવામાં આવ્યો હતો. જેમાં આતંકવાદ અને સંગઠિત ગુના બંને સામે જોગવાઈઓ હતી.
આ પણ વાંચોઃ UCC બિલ પસાર થવું એ ગુજરાત અને ગુજરાતની માતૃશક્તિ માટે ઐતિહાસિક દિવસઃ જગદીશભાઈ વિશ્વકર્મા
જોકે, હવે ભારતીય ન્યાય સંહિતા(BNS-2023)માં આતંકવાદ વિરોધી કડક જોગવાઈઓ સમાવિષ્ટ થઈ હોવાથી, તપાસ બેવડાય નહીં (duplication of investigation) તે હેતુથી રાજ્ય સરકારે ગુજરાતના કાયદામાંથી ‘આતંકવાદી કૃત્યો’ સંબંધિત જોગવાઈઓ દૂર કરવાની અને તેને ફક્ત ‘સંગઠિત ગુના’ પર કેન્દ્રિત કરવાનો સુધારો કરવામાં આવ્યો છે. આમ, ગુજરાત સરકારના વર્ષ-2015ના મૂળ કાયદામાં કોઈ ફેરફાર કરાયો નથી.
મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં દેશમાં આંતકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ નક્કી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 1860ના જૂના ભારતીય ફોજદારી અધિનિયમ (IPC)ને રદ કરીને તેના સ્થાને ‘ભારતીય ન્યાય સંહિતા, 2023’ (BNS) અમલમાં મૂકવામાં આવી છે. આ નવા કેન્દ્રીય કાયદામાં ‘આતંકવાદી કૃત્યો’ (ધારા 113) ને રાષ્ટ્રીય દંડ સંહિતાના સીધા ભાગ તરીકે સમાવી લેવામાં આવ્યા છે, જે અગાઉ IPCમાં અલગથી ઉપલબ્ધ નહોતા.
આ સુધારા વિધેયક દ્વારા જૂના કાયદાકીય સંદર્ભો (જેમ કે Code of Criminal Procedure) ના સ્થાને નવી ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023’ નો અમલ સુનિશ્ચિત કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.


