
ગુજરાતઃ ધો-10ના રીપીટર વિદ્યાર્થીઓનું બુધવારે જાહેર થશે પરિણામ
- બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર કરાશે
- માર્કશીટ સ્કૂલમાંથી આપવામાં આવશે
- તાજેતરમાં જ ધો-12નું પરિણામ કરાયું જાહેર
અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે ધો-10 અને ધો-12ના રેગ્યુલર વિદ્યાર્થીઓ મોકુફ રાખવામાં આવી હતી. તેમજ તેમને માસપ્રમોશન આપવામાં આવ્યું હતું. દરમિયાન કોરોનાના કેસમાં ઘટાડો થતા ધો-10 અને ધો-12ના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવામાં આવી હતી. આવતીકાલે શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10ના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ 10 ના રીપીટર વિધાર્થીઓનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. આવતીકાલે તારીખ 25 ઓગસ્ટના રોજ વિધાર્થીઓ સવારે 8 વાગ્યે પરિણામ મેળવી શકશે. બોર્ડની વેબસાઈટ result.gseb.org પર પરિણામ જાહેર થશે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની માર્કશીટ શાળામાં મોકલી આપવામાં આવશે અને તેની જાહેરાત પાછળથી કરવામાં આવશે. જયારે ગુણ ચકાસણી માટેની સુચના પણ પાછળથી કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 15.32 ટકા પરિણામ જાહેર થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધો-10 અને 12 રેગ્યુલર વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપવામાં આવ્યું હતું. જેથી રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગણી ઉઠી હતી. તેમજ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જો કે, કોર્ટમાંથી વિદ્યાર્થીઓને રાહત નહીં મળતા શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા યોજવામાં આવી હતી.