ત્રીજી સેમિકનેક્ટ કોન્ફરન્સની યજમાની ગુજરાત કરશે, એક માર્ચે ગાંધીનગરમાં ભવ્ય આયોજન
- સેમિકનેક્ટ કોન્ફરન્સની ત્રીજી આવૃત્તિમાં વૈશ્વિક CEOs અને નીતિ નિર્માતાઓ ભાગ લેશે
- માઇક્રોન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ, સીજી સેમી, કેઇન્સ અને તેમના વૈશ્વિક ભાગીદારો ગુજરાતના સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસમાં જોડાશે
ગાંધીનગર, 25 ફેબ્રુઆરી, 2026: third SemiConnect conference ગુજરાત સરકાર આગામી 1 માર્ચ, 2026ના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026ની ત્રીજી આવૃત્તિની યજમાની કરશે. ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) દ્વારા આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી (IT), રેલવે તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સાયન્સ અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે.
કોન્ફરન્સનું થીમ
કોન્ફરન્સનું થીમ ‘ગુજરાત: ઇન્ડિયાઝ ગેટવે ટુ સિલિકોન’ (ગુજરાત: સિલિકોન માટે ભારતનું પ્રવેશદ્વાર) છે, જે ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના પ્રમુખ કેન્દ્ર તરીકે સ્થાપિત થવાની રાજ્યની મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે. ગુજરાત તેના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક કોરિડોર અને રોકાણકારોને અનુકૂળ નીતિઓ સાથે ભારતના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ અને રિસર્ચ ક્ષમતાઓને વેગ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.
વૈશ્વિક સેમિકન્ડક્ટર સીઇઓ, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ અગ્રણીઓને આ કોન્ફરન્સ એક મંચ પર લાવશે, જેઓ વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં ભારતની સ્થિતિને મજબૂત બનાવતી વ્યૂહરચનાઓ પર ચર્ચા કરશે.
બે દિવસની આ કોન્ફરન્સમાં મુખ્ય વક્તવ્ય, થીમેટિક પેનલ્સ અને આંતરરાષ્ટ્રીય રાઉન્ડટેબલ્સનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે નેક્સ્ટ જનરેશન સેમિકન્ડક્ટર રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગ, ધોલેરા અને સાણંદ જેવા હબ માટે લોજિસ્ટિક્સ અને નિકાસની સજ્જતા, ભવિષ્યના કૌશલ્યો માટે કાર્યબળનો વિકાસ જેવાં સત્ર યોજાશે.
આ પણ વાંચોઃ આઠમાં ધોરણના NCERTના પુસ્તકમાં ન્યાયતંત્ર વિશેનું પ્રકરણ સુપ્રીમ કોર્ટને ન ગમ્યું, કેસ ચલાવશે
સત્રોમાં થનારી ચર્ચાઓમાં ભારતના ઇલેક્ટ્રોનિક્સ પાયાને મજબૂત બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં પ્રિન્ટેડ સર્કિટ બોર્ડથી લઈને રેઝિલિયન્ટ કોમ્પોનેન્ટ ઇકોસિસ્ટમનો સમાવેશ થાય છે. સમાંતર યોજાનારા સત્રોમાં માઇક્રોન સપ્લાયર્સ રાઉન્ડટેબલ, જાપાન અને તાઇવાન સાથે કન્ટ્રી-સ્પેસિફિક રાઉન્ડટેબલ અને ‘ફ્રોમ સિલિકોન ટુ સ્ટુડન્ટ્સ: બિલ્ડીંગ ઇન્ડિયાઝ સેમિકન્ડક્ટર ફ્યુચર’ (સિલિકોનથી વિદ્યાર્થીઓ સુધી: ભારતના સેમિકન્ડક્ટર ભવિષ્યનું નિર્માણ) શીર્ષક હેઠળ શિક્ષણ અને આઉટરીચ પર સેમિનારનો સમાવેશ થાય છે.
બીજા દિવસે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) ખાતે ગાઇડેડ ટુરનું આયોજન કરવામાં આવ્યું છે, જે GSEM, DICDL અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા આયોજિત થશે. આ ગાઇડેડ ટુર પ્રતિનિધિઓને ગુજરાતના મહત્વાકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને પ્રત્યક્ષ જોવાની તક પ્રદાન કરશે.
આ કોન્ફરન્સમાં પ્રતિષ્ઠિત વક્તાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં TEPLના સીઇઓ અને એમડી ડૉ. રણધીર ઠાકુર; માઈક્રોન ટેક્નોલૉજીના સીઇઓ સંજય મેહરોત્રા; CG સેમીના ચેરમેન જી. સી. ચતુર્વેદી; કેન્સ ટેક્નોલૉજીના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન રમેશ કુન્હીકન્નન; SEMIના સીઇઓ અજિત મનોચા; અને જ્યોર્જિયા ટેકના એમેરિટસ પ્રોફેસર ડૉ. રાવ તુમ્માલાનો સમાવેશ થાય છે. તેમની ઉપસ્થિતિ ગુજરાતના સેમિકન્ડક્ટર વિઝનમાં વિશ્વના વધી રહેલા વિશ્વાસને દર્શાવે છે.
આ પહેલને માઇક્રોન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને કેન્સ સેમિકોન જેવી જાણીતી સેમિકન્ડક્ટર કંપનીઓ તેમજ JETRO (જાપાન), KOTRA (કોરિયા), ઇન્વેસ્ટ ઇન્ડિયા, ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન, SEMI, IESA, ELCINA, ICEA અને MEDEPC જેવા નોલેજ પાર્ટનર્સનું સમર્થન મળ્યું છે. તેમની ભાગીદારી વડાપ્રધાનના માર્ગદર્શન અને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં વધી રહેલા આંતરરાષ્ટ્રીય સહયોગ અને રાષ્ટ્રીય પ્રગતિને દર્શાવે છે.
ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026 એક સીમાચિહ્નરૂપ કાર્યક્રમ બનશે, જે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતના વિકાસનો પાયો નાખશે. આ કોન્ફરન્સ ટેક્નોલૉજીમાં આત્મનિર્ભરતા માટેના વડાપ્રધાનના વિઝન અને ગુજરાતને નવીનતા અને રોકાણનું કેન્દ્ર બનાવવાની મુખ્યમંત્રીની પ્રતિબદ્ધતા સાથે સંલગ્ન છે. આ દર્શાવે છે કે ભારત વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં નેતૃત્વ કરવા માટે તૈયાર છે. આ કોન્ફરન્સની થીમ (‘ગુજરાત: ઇન્ડિયાઝ ગેટવે ટુ સિલિકોન’) સૂચવે છે તેમ, ગુજરાત વૈશ્વિક ચિપ ઉત્પાદકો તેમજ સ્થાનિક ઉદ્યોગો, ઉદ્યોગસાહસિકો અને વિદ્યાર્થીઓનું આ પરિવર્તનકારી તબક્કામાં યોગદાન આપવા માટે સ્વાગત કરે છે.


