1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રમત-ગમત સ્પર્ધાઓથી ગુજરાતને અનેક નવા ખેલાડીઓ મળશે: ગૃહ રાજ્ય મંત્રી
રમત-ગમત સ્પર્ધાઓથી ગુજરાતને અનેક નવા ખેલાડીઓ મળશે: ગૃહ રાજ્ય મંત્રી

રમત-ગમત સ્પર્ધાઓથી ગુજરાતને અનેક નવા ખેલાડીઓ મળશે: ગૃહ રાજ્ય મંત્રી

0
Social Share

અમદાવાદઃ ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ “ડી.જી.પી. કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ-2023”નો શુભારંભ કરાવ્યો હતો. તેમજ ગૃહ રાજ્ય મંત્રીએ ગુજરાત પોલીસ અકાદમી ખાતે નવનિર્મિત વૂડન બેડમિન્ટન કોર્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ખેલાડીઓનો ઉત્સાહવર્ધન કરતા ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, દિવસ-રાત વિવિધ પરિસ્થિતિઓ વચ્ચે પણ પોતાની ફરજ બજાવતા પોલીસ કર્મીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને ગુજરાત પોલીસે તેમને રમત-ગમત સાથે જોડવાનું શુભ કાર્ય કર્યું છે. સમયાંતરે ગુજરાત પોલીસ દ્વારા આવી વિવિધ સ્પર્ધાઓના આયોજન થકી પોલીસ કર્મીઓમાં હકારાત્મક વિચારોનું સર્જન થાય છે, સ્ટ્રેસ અને નકારાત્મક વિચારો દૂર થાય છે, વધુ સારી રીતે પોતાની ફરજ નિભાવી શકે છે તેમજ તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો આવે છે.

મંત્રી હર્ષ સંઘવીએ ખેલાડીઓને શુભકામનો પાઠવતા ઉમેર્યું હતું કે, ગુજરાતના પોલીસ કર્મીઓની હરહંમેશથી રમત-ગમતમાં રૂચી વધારે રહી છે. જેથી આવી વિવિધ સ્પર્ધાઓના પરિણામે પોલીસ કર્મીઓમાં રહેલી ક્ષમતાનો વિકાસ થાય છે. આગામી સમયમાં ગુજરાત પોલીસ તરફથી રાજ્યને વિવિધ રમતોમાં અનેક નવા ખેલાડીઓ મળશે, જે ગુજરાત સહિત દેશનું પણ નામ રોશન કરશે, તેવી મંત્રીએ આશા વ્યક્ત કરી હતી.

મંત્રીએ કહ્યું હતું કે, પોલીસ કર્મીઓમાં રહેલી ક્ષમતાનો યોગ્ય વિકાસ થાય અને જરૂરી માર્ગદર્શન અને સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા SRP સેન્ટરો ખાતે એક્સલેન્ટ સેન્ટરો વિકસાવવાનું પણ આયોજન થઇ રહ્યું છે. પોલીસ કર્મીઓ ભવિષ્યમાં ગુજરાત પોલીસ જ નહિ, પરંતુ ગુજરાત અને ભારતનું પ્રતિનિધિત્વ કરશે. બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લઇ રહેલા ખેલાડીઓ ઉત્સાહ, આનંદ અને ખેલદિલીની ભાવના સાથે રમશે, તેવો મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ગુજરાતના પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે ખેલાડીઓનો જુસ્સો વધારતા કહ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત પોલીસ સાથે અનેક રમતવીરો જોડાયા છે, જે રાષ્ટ્રીય કક્ષા સુધી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. આવી સ્પર્ધાઓના પરિણામે આ પ્રતિભાશાળી ખેલાડીઓની ક્ષમતા બહાર આવશે, અને ભવિષ્યમાં ગુજરાતનું નામ રોશન કરશે. ગત વર્ષે ચંડીગઢ ખાતે ઓલ ઇન્ડિયા બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાઈ હતી, જ્યાં ગુજરાત પોલીસનું પ્રદર્શન ખુબ જ સારું રહ્યું હતું. હવે હૈદરાબાદ ખાતે ઓલ ઇન્ડિયા બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન થશે, જ્યાં ગુજરાત પોલીસના જવાનો સરાહનીય પ્રદર્શન કરશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની વિવિધ પોલીસ રેન્જની 18 ટીમોના આશરે 169 જેટલા ખેલાડીઓ ડીજીપી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લેશે. જેમાં 122 પુરુષ અને 47 મહિલા ખેલાડીઓ ભાગ લેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code