- માવઠાને લીધે તલ-બાજરી-જુવાર અને અજમાના પાકને નુકસાન
- જિલ્લામાં અસહ્ય ગરમી બાદ માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ
- ખેડૂતોને ગત વર્ષે થયેલી અતિવૃષ્ટીના નુકસાનની સહાય પણ હજુ મળી નથી
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ભારે વરસાદને લીધે ખેતીના પાકને સારૂએવું નુકસાન થયું છે. જિલ્લામાં ભર ઉનાળે માવઠુ થતાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને શહેરી વિસ્તાર સહિત તમામ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં અમુક તાલુકાઓમાં બરફના કરા અને ગાજવીજ સાથે વરસાદ ખાબકતા તારાજીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. બીજી તરફ માવઠાના કારણે તલ, બાજરી, જુવાર અને અજમો સહીતના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેમાં સૌથી વધુ નુકસાન તલના પાકમાં થતાં ખેડૂતોને મોંઢા સુધી આવેલ કોળીયો ફરી એકવાર છીનવાઇ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિર્સ્ટબન્સના કારણે કમોસમી વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. તેના લીધે તાપમાનમાં ઘટાડો થતાં લોકોને ગરમીથી રાહત મળી છે. જિલ્લાના દસાડા, ચોટીલા, મુળી, લખતર, ચુડા, ધ્રાંગધ્રા, વઢવાણ, થાન, સાયલા, અને લીંબડી તાલુકામાં વરસાદ નોંધાયો હતો. બીજે દિવસે પણ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં ગાજવીજ સાથે પડેલા વરસાદને પગલે અમુક રસ્તાઓ પર પાણી ભરાઈ રહેતા વાહનચાલકો સહિત લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. માવઠાને કારણે ખેતીપાકને ભારે નુકસાન થયું છે. ગત ચોમાસામાં અતિવૃષ્ટીના કારણે થયેલા પારાવાર નુકસાનમાંથી ખેડૂતો માંડ બેઠા થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે જગતના તાતથી જાણે કુદરત રૂઠી હોય તેમ ફરી એક વાર કમોસમી વરસાદે જિલ્લામાં તારાજી સર્જી છે. ચોટીલા અને સાયલા તાલુકાઓમાં તો કરા સાથે વરસાદ થતાં ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલ ઉનાળુ પાકનો સોથ વળી ગયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે અંદાજે 32700 હેક્ટર કરતા વધુ જમીનમાં તલ, જુવાર, બાજરી, અજમો અને ઘાસ ચારા સહીતના ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ તલનું વાવેતર 20 હજાર હેક્ટર કરતા વધુ જમીનમાં કરવામાં આવ્યું હતું. માવઠાના કારણે તલનો પાક જમીનદોસ્ત થઇ જતાં તલના પાકમાં અંદાજે 60 ટકાથી વધુ નુકસાન થતાં ખેડૂતોને હાલત કફોડી બની છે. ખેડૂતોને ગત વર્ષે થયેલા અતિવૃષ્ટીના નુકસાનની હજુ પણ સહાય નથી મળી ત્યાં ફરી એકવાર કુદરતે કારમી થપાટ મારતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને નુકશાન અંગે સહાય ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતોને ખેતી છોડી અન્ય ધંધો રોજગાર તરફ વળવાનો વારો આવશે.