દિલ્હી-NCR, યુપી અને બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ
નવી દિલ્હી, 13 જૂન 2026: ભારતીય હવામાન વિભાગ અનુસાર આજે દેશના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના આશરે 16 થી 17 રાજ્યોમાં તીવ્ર વાવાઝોડું, કરા અને ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે અગમચેતીના ભાગરૂપે લોકોના મોબાઈલ પર પણ એલર્ટ સંદેશા મોકલ્યા છે, જેમાં આગામી બે થી ત્રણ કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડું આવવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ દરમિયાન પવનની ગતિ 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને બિહારના વધુ કેટલાક વિસ્તારોમાં આગળ વધી ગયું છે. આગામી 2-3 દિવસમાં તે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢના ઘણા વિસ્તારોમાં પહોંચવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં વીજળીના કડાકા-ભડાકા, કરા પડવાની અને 60 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. જ્યારે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલય સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 10 દિવસથી હવામાનમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. બુધવાર અને ગુરૂવારે રાજ્યના 52 જિલ્લામાં વરસાદ અને વાવાઝોડાને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે શુક્રવારે પણ વધુ બે લોકોના મોત થયા છે. મુરાદાબાદમાં કાચા મકાનની છત પડતાં એક વૃદ્ધાનું અને મેરઠમાં વીજળી પડતાં 17 વર્ષના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. બીજી તરફ, છત્તીસગઢના કાંકેર જિલ્લામાં આકાશી વીજળી ત્રાટકતાં ઉપસરપંચ સહિત ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.
-
રાહત બાદ ફરી વળશે ગરમીનો પ્રકોપ
ઉત્તર પ્રદેશ હવામાન વિભાગે શનિવારે ઘણા જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે, પરંતુ આ રાહત લાંબી નહીં ટકે. સોમવારથી ઉત્તર પ્રદેશના અંદાજે 50 જિલ્લાઓમાં ફરી ભીષણ ગરમી અને બે ડઝનથી વધુ જિલ્લાઓમાં હીટવેવ (લૂ) ચાલવાની ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. વરિષ્ઠ હવામાન વૈજ્ઞાનિક અતુલ કુમાર સિંહે જણાવ્યું હતું કે, “પાકિસ્તાન ક્ષેત્રમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbances) અને પૂર્વ ઉત્તર પ્રદેશની આસપાસ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે હવામાનમાં આ અચાનક ફેરફાર થયો છે. આગામી 22 જૂનથી પ્રી-મોન્સૂન એક્ટિવિટીઝ તેજ થશે અને 25 જૂન પછી ચોમાસું સમગ્ર રાજ્યમાં પહોંચશે. જો કે, આ વર્ષે ચોમાસું તેના નિયત સમય કરતાં 4-5 દિવસ મોડું આવી શકે છે.”


