રાંચી, 20 ઓગસ્ટ 2026: ઝારખંડ હાઈકોર્ટે રાજ્ય સરકારને એક મોટો ઝટકો આપતા ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) દ્વારા અગાઉ લેવાયેલી ભરતી પરીક્ષાઓ રદ કરવાના નિર્ણય પર સ્ટે લગાવી દીધી છે. સરકારના આ નિર્ણયથી હાલ નોકરી કરી રહેલા સેંકડો ઉમેદવારોની નોકરી પર સંકટ ઊભું થયું હતું, જેને લઈને હાઈકોર્ટે રાહત આપી છે. કોર્ટે રાજ્ય સરકારને આ મામલે આગામી 15 દિવસની અંદર કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવાનો આદેશ પણ આપ્યો છે.
અગાઉ જેપીએસસી અને જેએસએસસી (JSSC) ની પરીક્ષાઓમાં ગેરરીતિના આક્ષેપો સાથે રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમ ખાતે લાંબું વિદ્યાર્થી આંદોલન ચાલ્યું હતું. આ આંદોલનના દબાણ હેઠળ રાજ્ય સરકારે વિવાદિત પરીક્ષાઓ રદ કરવાની અને કેટલાક મામલાઓની સીઆઈડી તપાસ કરાવવાની જાહેરાત કરી હતી. સાથે જ પરીક્ષાઓમાં સુધારા માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી હતી. સરકારના આ પગલાથી અંદાજે 2,300 થી વધુ ઉમેદવારોની નોકરીઓ જોખમમાં મુકાઈ હતી.
સરકારના આ એકપક્ષીય નિર્ણય વિરુદ્ધ પ્રભાવિત ઉમેદવારોએ ઝારખંડ હાઈકોર્ટમાં અલગ-અલગ અરજીઓ દાખલ કરી હતી. જસ્ટિસ દીપક રોશનની કોર્ટમાં આ મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં અરજદારો તરફથી પક્ષ રજૂ કરાયા બાદ હાઈકોર્ટે ભરતી પરીક્ષાઓ રદ કરવાના આદેશ પર સ્ટે મૂક્યો છે. આ કાનૂની રાહતથી નોકરી ગુમાવવાની ચિંતામાં જીવતા અધિકારીઓ અને ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો છે.
જેપીએસસી અને જેએસએસસી પરીક્ષામાં થયેલી ગડબડીની સામે રાંચીમાં વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું હતું. જેના પગલે સરકારે વિદ્યાર્થીઓ સામે નમતુ જોખીને 22 પરીક્ષાઓ રદ કરવાનો અને 23ની સીઆઈડી તપાસનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત આઈએએસ અધિકારી અમિતાભ કૌશલની અધ્યક્ષતામાં પરીક્ષા સુધાર કમિટીની રચના કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જેના પગલે 26 દિવસ ચાલેલુ આંદોલન સમેટાયું હતું. જો કે, સરકારે પરીક્ષા રદ કરવાના નિર્ણયને પગલે 2300થી વધારે ઉમેદવારોની નોકરી ઉપર અસર પડી છે. આઈએએસ અમિતાભ કૌશલની આગેવાની હેઠળની કમીટીએ 2 મહિનામાં પોતાનો રિપોર્ટ સમિટ કરવાનો છે.


