મખાના એક એવો પૌષ્ટિક આહાર છે, જેને દૈનિક ડાયેટમાં સામેલ કરવાથી કેલ્શિયમ સહિતના અનેક જરૂરી પોષક તત્વો સરળતાથી મળી રહે છે. કેલ્શિયમ હાડકાં અને દાંતને મજબૂત રાખવાની સાથે શરીરના અન્ય કાર્યો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મખાનામાં કેલ્શિયમ ઉપરાંત પ્રોટીન, ફાઇબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા ગુણો પુષ્કળ માત્રામાં હોય છે. તેને હળવા શેકીને નાસ્તા તરીકે અથવા વિવિધ ટેસ્ટી રેસિપી બનાવીને ડાયેટમાં સામેલ કરી શકાય છે. અહીં મખાનામાંથી બનતી ચાર સરળ અને હેલ્ધી રેસિપી વિશે જણાવ્યું છે:
મખાના ચાટ
એક પેનમાં મખાનાને હળવા ક્રિસ્પી (કુરકુરા) થાય ત્યાં સુધી શેકી લો. ઠંડા થયા પછી તેને એક બાઉલમાં લો અને તેમાં ઝીણા સમારેલા ટામેટા, ડુંગળી, કાકડી અને કોથમીર ઉમેરો. હવે સ્વાદ અનુસાર લીંબુનો રસ, જીરું અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરો. આ ચાટથી શરીરને કેલ્શિયમ, પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં મળે છે.
મખાના-દૂધની ખીર
એક પેનમાં થોડા મખાના શેકીને તેને હળવા દરદરા પીસી લો. હવે એક વાસણમાં દૂધ ગરમ કરો અને તેમાં મખાના નાખીને ધીમી આંચ પર પકાવો. ખીર ઘટ્ટ થાય ત્યારે તેમાં થોડી ઈલાયચી પાવડર અને જરૂર મુજબ ગોળ ઉમેરો. ઉપરથી બદામના ટુકડા ઉમેરીને સર્વ કરો. આ ખીર હાડકાં અને દાંતની મજબૂતાઈ માટે ઉત્તમ છે.
મખાના વેજીટેબલ ટિક્કી
શેકેલા મખાનાને પીસીને પાવડર બનાવી લો. તેમાં બાફેલા બટાકા, ઝીણી સમારેલી ગાજર, વટાણા, કોથમીર અને મસાલા મિક્સ કરો. આ મિશ્રણમાંથી નાની ટિક્કી બનાવીને તવા પર ઓછા તેલમાં બંને બાજુથી શેકી લો. આ ટિક્કી ફાઇબર અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે, જેને સાંજના નાસ્તામાં માણી શકાય છે.
મખાના દહીં બાઉલ
શેકેલા મખાનાને હળવા ક્રશ કરી લો. એક બાઉલમાં ઘટ્ટ દહીં લો અને તેમાં મખાના, સમારેલા ફળો (જેમ કે સફરજન કે દાડમ) અને થોડા નટ્સ ઉમેરો. સ્વાદ માટે તેમાં થોડું ભુનેલું જીરું ઉમેરી શકાય. દહીંથી કેલ્શિયમ મળે છે, જ્યારે ફળો અને મખાના ડાયેટમાં પોષક તત્વો વધારે છે.
મખાનાની રેસિપી બનાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો…
મખાના ખરીદતી વખતે ચકાસી લો કે તેમાં ભેજ, દુર્ગંધ કે ફૂગ ન હોય.
મખાનાને બળવાથી બચાવવા માટે તેને હંમેશાં ધીમીથી મધ્યમ આંચ પર જ શેકો.
તેને વધુ પડતા તેલ કે ઘીમાં તળવાને બદલે ઓછા તેલ કે ડ્રાય રોસ્ટ કરવા વધુ સ્વાસ્થ્યવર્ધક છે.
ગળપણ માટે ખાંડનો ઉપયોગ ટાળીને ગોળનો ઉપયોગ કરી શકાય છે.
મખાનાને એરટાઈટ ડબ્બામાં બંધ કરીને ભેજથી સુરક્ષિત રાખો.


