પાણી પીધા પછી પણ જો ગળું સૂકાયેલું લાગતું હોય અને વારંવાર તરસ લાગતી હોય, તો તેને સામાન્ય બાબત સમજીને નજરઅંદાજ કરવી ભારે પડી શકે છે. તબીબોના મતે, આ લક્ષણ ભલે કોઈ સીધી બીમારી ન હોય, પરંતુ તે શરીરની અંદર ચાલી રહેલી કોઈ ગંભીર ગરબડ તરફ ઈશારો ચોક્કસ કરે છે. શરીરમાં પાણીની અછત (ડિહાઇડ્રેશન) ઉપરાંત આ પાછળના અન્ય મુખ્ય કારણો નીચે મુજબ હોઈ શકે છે:
- ડાયાબિટીસનો પ્રારંભિક સંકેત
તજજ્ઞોના જણાવ્યા અનુસાર, અસામાન્ય રીતે વારંવાર તરસ લાગવી એ ડાયાબિટીસનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. જ્યારે બ્લડ શુગર લેવલ વધી જાય છે, ત્યારે શરીર પેશાબ દ્વારા વધારાનું ગ્લુકોઝ બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. આ પ્રક્રિયામાં શરીરમાંથી પાણી પણ ઝડપથી બહાર નીકળી જાય છે, જેના કારણે વારંવાર તરસ લાગ્યા કરે છે.
- કિડનીની તકલીફ
કિડની આપણા શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવવાનું મહત્વપૂર્ણ કામ કરે છે. જો કિડની યોગ્ય રીતે કામ ન કરતી હોય, તો આ સંતુલન બગડી જાય છે, જે વારંવાર તરસ લાગવાની સમસ્યાનું કારણ બને છે.
- ડાયાબિટીસ ઇન્સિપિડસ
આ એક એવી સ્થિતિ છે જેમાં શરીરમાં એક ખાસ હોર્મોનની ઉણપ સર્જાય છે. તેના કારણે વ્યક્તિને ખૂબ જ વધારે તરસ લાગવાની સાથે-સાથે વારંવાર પેશાબ પણ આવે છે.
- મોં સૂકાવું (ડ્રાય માઉથ)
ક્યારેક મોંમાં પૂરતા પ્રમાણમાં લાળ ન બનવાના કારણે પણ તરસ લાગ્યા કરતી હોય છે. આ સ્થિતિમાં ગળું, જીભ અને હોઠ સૂકાઈ શકે છે. કેટલીક દવાઓની આડઅસરના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે.
- ડોક્ટરનો સંપર્ક ક્યારે કરવો?
જો આ લક્ષણ સતત જળવાઈ રહે, ખાસ કરીને એવા લોકોમાં જેમને અગાઉથી જ ડાયાબિટીસ, કિડની કે હોર્મોનને લગતી કોઈ બિમારી હોય, તો તુરંત તબીબી સલાહ લેવી જોઈએ. બાળકો અને વડીલોના કિસ્સામાં આ લક્ષણ ગંભીર સાબિત થઈ શકે છે, તેથી સમયસર નિદાન અને યોગ્ય સારવાર અનિવાર્ય છે.


