1. Home
  2. ગુજરાતી
  3. બહુમાળી બિલ્ડિંગોમાં હવે વર્ષમાં બેવાર ફાયર ઈન્સ્પેક્શન કરાવવું પડશે

બહુમાળી બિલ્ડિંગોમાં હવે વર્ષમાં બેવાર ફાયર ઈન્સ્પેક્શન કરાવવું પડશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોવિડ હોસ્પિટલોથી માંડીને ઈમારતોમાં નજીકનાં ભુતકાળમાં આગ લાગવાના શ્રેણીબદ્ધ બનાવો તથા ફાયર એનઓસીનાં વિવાદ વચ્ચે હવે રાજયભરમાં બહુમાળી ઈમારતોને વર્ષમાં બે વખત ફાયર ઈન્સ્પેકશન કરાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. અન્યથા બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવશે. આગજનીનાં બનાવો વચ્ચે સુરક્ષા વ્યવસ્થા મુદ્દે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સખ્ત ઝાટકણીને પગલે હવે ગુજરાત સરકારે ફાયર સેફટી નિયમોમાં ધરખમ બદલાવ કરીને આકરા બનાવવાનો નિર્ણય લીધો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજયભરમાં બહુમાળી ઈમારતોને વર્ષમાં બે વખત ફાયર ઈન્સ્પેકશન કરાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. અન્યથા બિલ્ડિગ સીલ કરી દેવામાં આવશે. બિલ્ડીંગનાં ફાયર પ્રોટોકોલ ચકાસવા માટે ફાયર સેફટી અધિકારીઓને સતા આપવામાં આવશે. તેમના દ્વારા જ બિલ્ડીંગનાં ફાયર સેફટી પ્લાન તૈયાર કરવામાં આવશે. પ્રથમ તબકકે આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં 250 ફાયર સેફટી અધિકારીઓને સત્તા આપવામાં આવશે.

સરકારમાં રજીસ્ટર્ડ આ ફાયર સેફટી અધિકારીઓને ફાયર ઈન્સ્પેકશન માટે બિલ્ડીંગનાં માલિકોએ અથવા એસોસિએશને નિયત ચાર્જ ચુકવવો પડશે. આ સિવાય ઉદ્યોગો તથા કારખાનાઓનું પણ તેઓ ઈન્સ્પેકશન કરશે. ખાસ કરીને કેમિકલ્સ તથા ફટાકડા બનાવતા કારખાનામાં ખાસ ઈન્સ્પેકશન કરવાનું થશે. ફાયર કાયદા તથા ફાયર એનઓસી ભંગના વધતા કિસ્સા વચ્ચે રાજય સરકાર દ્વારા ધ ગુજરાત ફાયર સેફટી પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ રેગ્યુલેશન 2021 અંતર્ગત વિસ્તૃત માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. આ નિયમનો અંતર્ગત નવી ઈમારતો-બિલ્ડીંગો માટે ફાયર સેફટી અધિકારીના રિપોર્ટનાં આધારે સંબંધિત કોર્પોરેશન પ્રાથમિક ફાયર એનઓસી આપશે. ત્યારબાદ રિન્યુઅલ પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન રહેશે તેમાં ફાયરબ્રિગેડની થોડી ઘણી ભૂમિકા રહે છે.

ફાયર સેફટી અધિકારીના રિપોર્ટનાં આધારે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન અધિકારી દ્વારા રિન્યુઅલ આપવાનું રહેશે. ફાયર સેફટી-એનઓસી પ્રક્રિયામાં મુખ્ય ભુમિકા ફાયર સેફટી ઓફિસરોની જ રહેશે. તેઓ ઈમારતોનું ચેકીંગ કરશે ઉપરાંત ફાયર સેફટી પ્લાન પણ તેઓએ ઘડવાનો રહેશે. તમામ ઈમારતો માટે ફાયર સેફટી ટીમ રચવાની રહેશે તેમાં ફાયર સેફટી ડાયરેકટર, ડેપ્યુટી ડાયરેકટર, ફાયર વોર્ડન, બિલ્ડીંગ ખાલી કરાવવાનાં તાલીમબદ્ધ સુપરવાઈઝર વગેરેને રાખવા પડશે.

શહેરી વિકાસ મંત્રાલયના સુત્રોએ કહ્યું હતું કે ફાયર સેફટી અધિકારીઓને ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરાશે.લો-રાઈઝ માટે બેઝીક અધિકારીઓ ફાયર સેફટી ઈન્સ્પેકશન કરી શકશે. 10 માળ સુધીનાં બીલ્ડીંગો માટે એડવાન્સ ફાયર સેફટી અધિકારી રાખવા પડશે. જયારે ગગનચુંબી ઈમારતો માટે સ્પેશ્યાલાઈઝડ અધિકારી ફરજીયાત રહેશે. ફાયર સેફટી નિયમો અંતર્ગત ઈમારતોમાં રહેતા લોકોને આગ જેવી દુર્ઘટનાઓનો સામનો કરવા માટે બિલ્ડીંગમાં રહેતા લોકોને પ્રાથમિક તાલીમ પણ અપાશે. આગ લાગે તો બહાર કેમ નિકળવુ તથા ફાયર સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે શિખવાડાશે અને તેની પણ રિન્યુઅલ પ્રક્રિયામાં નોંધ કરવાની રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code