હિમંત બિસ્વાનો દાવો: સોનિયા ગાંધીએ મને CM બનવા કહ્યું હતું, પણ રાહુલના એક ફોને ખેલ બગાડ્યો
ગુવાહાટી, 17 ફેબ્રુઆરી 2026: આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ વર્ષો જૂના રાજકીય રહસ્ય પરથી પડદો ઉંચકતા એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. સરમાએ જણાવ્યું છે કે, વર્ષ 2014માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને પોતે જ આસામના મુખ્યમંત્રી બનવા માટે આમંત્રણ આપ્યું હતું અને શપથ ગ્રહણની તારીખ નક્કી કરવા પણ કહ્યું હતું, પરંતુ રાહુલ ગાંધીના હસ્તક્ષેપને કારણે છેલ્લી ઘડીએ આખો તખ્તો પલટાઈ ગયો હતો.
સીએમ સરમાના જણાવ્યા અનુસાર, 2011ની વિધાનસભા ચૂંટણી બાદ આસામ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ હતો. તત્કાલીન મુખ્યમંત્રી તરુણ ગોગોઈ સામે બળવો પોકારીને પાર્ટીના 58 ધારાસભ્યો હિમંત બિસ્વા સરમાના પક્ષમાં હતા.સરમાએ દાવો કર્યો કે, જે તે સમયે સોનિયા ગાંધીએ તેમને શપથ લેવા માટે તૈયાર રહેવા કહ્યું હતું. તેમજ કામાખ્યા મંદિરના અંબુબાચી મેળા બાદ જૂન 2014માં શપથ લેવાનું મન બનાવી લીધું હતું.
સીએમ સરમાએ કહ્યું, “તે સમયે રાહુલ ગાંધી અમેરિકામાં હતા. તેમણે ત્યાંથી કોંગ્રેસના નેતાઓને ફોન કરવાનું શરૂ કર્યું અને અચાનક જ આખું વાતાવરણ બદલાઈ ગયું હતું. સોનિયા ગાંધીએ જે ખાતરી આપી હતી તે રાહુલના વિરોધને કારણે હવામાં ઓગળી ગઈ હતી.”
આ રાજકીય દગાબાજીથી વ્યથિત થઈને હિમંત બિસ્વા સરમાએ 2015માં કોંગ્રેસને રામ-રામ કહી દીધા અને ભાજપમાં જોડાયા હતા. તેમણે ભાજપને આસામમાં સત્તા અપાવવામાં પાયાની ભૂમિકા ભજવી અને આખરે 2021માં તેઓ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.
હવે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા સરમાએ કહ્યું કે, “તે સમયે મને ઘણું દુઃખ થયું હતું, પણ હવે લાગે છે કે જે થયું તે સારું થયું. જો હું કોંગ્રેસમાં રહ્યો હોત તો મને આસામ અને સનાતન ધર્મની સેવા કરવાની આ તક ક્યારેય ન મળી હોત.” મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે જો તેઓ ક્યારેય પોતાની આત્મકથા કે પુસ્તક લખશે, તો આ સમગ્ર ઘટનાક્રમ અને કોંગ્રેસની આંતરિક કાર્યપ્રણાલી વિશે ચોંકાવનારા ખુલાસાઓ વિગતવાર કરશે.
આ પણ વાંચોઃ ભારતમાં AI ક્રાંતિ: અશ્વિની વૈષ્ણવે કરી AI ના UPI ની જાહેરાત


