1. Home
  2. ગુજરાતી
  3. અસમ વિધાનસભામાં હિમંત સરકારે રજૂ કર્યું UCC બિલ: વિપક્ષનો ભારે હોબાળો
અસમ વિધાનસભામાં હિમંત સરકારે રજૂ કર્યું UCC બિલ: વિપક્ષનો ભારે હોબાળો

અસમ વિધાનસભામાં હિમંત સરકારે રજૂ કર્યું UCC બિલ: વિપક્ષનો ભારે હોબાળો

0
Social Share

ગુવાહાટી, 25 મે 2026: અસમ કેબિનેટની મંજૂરીના બરાબર બે અઠવાડિયા પછી, રાજ્ય સરકારે સોમવારે વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (યુસીસી) બિલ રજૂ કરી દીધું છે. અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા વતી સંસદીય કાર્ય મંત્રી અતુલ બોરાએ વિધાનસભા ગૃહમાં ‘ધ યુનિફોર્મ સિવિલ કોડ, અસમ, બિલ, 2026’ રજૂ કર્યું હતું. આ અત્યંત મહત્વપૂર્ણ બિલ પર 27 મેના રોજ ચર્ચા થવાની અને તેને પસાર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જોકે, વિપક્ષી ધારાસભ્યોએ બિલ રજૂ થવા પર ભારે વિરોધ નોંધાવ્યો છે. વિપક્ષની માંગ છે કે આ બિલ રજૂ કરતા પહેલા તમામ હિતધારકો સાથે વ્યાપક ચર્ચા થવી જોઈતી હતી. અગાઉ 13 મેના રોજ મુખ્યમંત્રી સરમાના બીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ હતી. ત્યારે સરકારે જાહેરાત કરી હતી કે 21 થી 26 મે સુધી ચાલનારા વર્તમાન વિધાનસભા સત્ર દરમિયાન આ કાયદો લાવવામાં આવશે.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ બિલના ડ્રાફ્ટને અસમની વિશિષ્ટ વસ્તીવિષયક વિવિધતા અને સામાજિક માળખાને અનુકૂળ રીતે તૈયાર કરવામાં આવ્યો છે. આ નવો કાયદો મુખ્યત્વે નાગરિક સમાજ સાથે જોડાયેલા પાંચ મોટા મુદ્દાઓનું નિયમન કરશે. રાજ્યમાં બહુપત્નીત્વની પ્રથા પર સંપૂર્ણ કાનૂની પ્રતિબંધ લાદવામાં આવશે. લગ્ન માટે ન્યૂનતમ કાયદેસરની ઉંમરનું એક સમાન ધોરણ લાગુ કરવામાં આવશે. તમામ લગ્ન અને છૂટાછેડાને સરકારી રેકોર્ડમાં નોંધાવવા ફરજિયાત બનશે. પૈતૃક સંપત્તિ અને ઉત્તરાધિકારના મામલામાં મહિલાઓને પુરુષો સમાન જ અધિકારો મળશે. તેમજ લગ્ન વિના સાથે રહેતા યુગલો (લિવ-ઈન રિલેશનશિપ) માટે કડક નિયમો લાગુ થશે અને તેમની નોંધણી ફરજિયાત રહેશે.

અસમ દેશમાં યુસીસી બિલ પસાર કરનાર ત્રીજું રાજ્ય

જો આ બિલ પસાર થઈ જશે, તો ઉત્તરાખંડ અને ગુજરાત બાદ અસમ દેશમાં યુસીસી બિલ પસાર કરનાર ત્રીજું રાજ્ય બની જશે. ઉત્તરાખંડ વર્ષ 2024માં યુસીસી લાગુ કરી બંધારણના નીતિ નિર્દેશક તત્વો હેઠળ આવો કાયદો બનાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કાયદાના એક વર્ષ પૂર્ણ થવા પર જણાવ્યું હતું કે, પાંચ લાખથી વધુ કેસમાં ગોપનીયતા ભંગનો એક પણ મામલો સામે આવ્યો નથી અને માત્ર એક વર્ષમાં જ ઓનલાઈન માધ્યમથી 474447 લગ્નો નોંધાયા છે.

ગુજરાત વિધાનસભાએ પણ મહિલાઓને કાનૂની સુરક્ષા અને સમાનતા આપવાના હેતુથી આ વર્ષે માર્ચમાં યુસીસી બિલ પસાર કર્યું છે. આ બિલો દેશભરમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાના ભારતીય જનતા પાર્ટીના લક્ષ્યાંકને અનુરૂપ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલમાં મુર્શિદાબાદની રેલીમાં જણાવ્યું હતું કે તુષ્ટિકરણની રાજનીતિને કાયમ માટે ખતમ કરવા પશ્ચિમ બંગાળમાં પણ યુસીસી લાગુ કરવામાં આવશે.

સત્રની શરૂઆતથી જ આ બિલને લઈને વિધાનસભાની અંદર અને બહાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સત્તાધારી પક્ષનું કહેવું છે કે સરકારે પોતાના પ્રથમ સત્રમાં જ યુસીસી લાવીને જનતાને આપેલું સૌથી મોટું ચૂંટણી વચન પૂરું કર્યું છે. નોંધનીય છે કે તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 126 સભ્યોની વિધાનસભામાં 82 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી છે (એનડીએ ની કુલ 102 બેઠકો). બીજી તરફ કોંગ્રેસ, ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ અને રાઈજોર દળ જેવા વિપક્ષી પક્ષોએ આ કાયદાને લાવવાના સમય અને તેની સામાજિક અસરોને લઈને ગૃહમાં તીખી પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચોઃ ઈંધણના ભાવ ફરીથી વધ્યાં, પેટ્રોલના ભાવમાં રૂ. 2.60 અને ડીઝલમાં 2.80નો વધારો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code