સુરત, 28 જુન 2026 : People of Nasirnagar were given shelter in the community hall, શહેરના કતારગામ દરવાજા પાસે આવેલા નાસીરનગરમાં 100 જેટલા મકાનોના ડિમોલિશનના મુદ્દે ભારે વિવાદ ઊભો થયો છે. મ્યુનિ,કોર્પોરેશને પોતે ડિમોલિશન ન કર્યાની જાહેરાત કરી હતી. ત્યારે ડિમોલિશન દરમિયાન કોના કહેવાથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બીજીબાજુ આ મુદ્દો હાઈકોર્ટમાં પહોંચતા ઠપકો સાંભળવો ન પડે તે માટે સુરત મ્યુનિ.કોર્પોરેશનના દ્વારા ડિમોલિશનના 28 દિવસ બાદ ઘરવિહોણા બનેલા 100થી વધુ અસરગ્રસ્ત પરિવારોને રહેવા માટે ભરીમાતા કોમ્યુનિટી હોલમાં આશરો આપવામાં આવ્યો છે.
સુરત શહેરના નાસીરનગરમાં આવેલા 100થી વધુ પરિવારોના મકાનો પર કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વિના બુલડોઝર ફેરવવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મનપાના વલણ પર સવાલ ઉઠાવી આકરી ઝાટકણી કાઢી હતી અને આગામી સોમવારે તમામ સંબંધિત દસ્તાવેજો સાથે કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટની ટકોર બાદ મનપાએ અસરગ્રસ્ત પરિવારોના તાત્કાલિક વસવાટ માટે ભરીમાતા કોમ્યુનિટી હોલમાં વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી છે. મનપાનું કહેવું છે કે અહીં રહેતા પરિવારોને લાઈટ, પાણી અને શૌચાલય સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જોકે, કોમ્યુનિટી હોલમાં રહેવા પહોંચેલા અસરગ્રસ્ત પરિવારો દ્વારા અનેક અસુવિધાઓનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઘરવિહોણા થયેલા અસરગ્રસ્તોના જણાવ્યા અનુસાર ટોયલેટ અને બાથરૂમમાં પાણીના નળની સુવિધા ઉપલબ્ધ નથી. પીવાના પાણીની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે દૈનિક જીવન જીવવું મુશ્કેલ બન્યું હોવાનું તેઓ કહી રહ્યા છે. અસરગ્રસ્ત પરિવારોનો આક્ષેપ છે કે હાલ તેઓ વિવિધ સામાજિક સંસ્થાઓ અને એનજીઓની મદદથી ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે. અનેક પરિવારો હજુ પણ અનિશ્ચિતતા વચ્ચે જીવન પસાર કરી રહ્યા છે. નાસીરનગરના રહેવાસીઓની એક જ મુખ્ય માગ છે કે તેમને માત્ર અસ્થાયી આશ્રય નહીં, પરંતુ તેમના તોડી પાડવામાં આવેલા ઘરના બદલામાં કાયમી રહેણાંક આપવામાં આવે. અસરગ્રસ્તોનું કહેવું છે કે કોમ્યુનિટી હોલ થોડા સમય માટેની વ્યવસ્થા હોઈ શકે, પરંતુ તેમના પરિવાર માટે સ્થાયી ઘર જ યોગ્ય ઉકેલ છે. હવે સમગ્ર મામલે સૌની નજર આગામી હાઈકોર્ટની સુનાવણી પર ટકેલી છે. કોર્ટમાં મનપા શું જવાબ રજૂ કરે છે અને અસરગ્રસ્ત પરિવારોને કાયમી રાહત મળે છે કે નહીં તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

