Homeગુજરાતીદેશ-વિદેશજમ્મુ-કાશ્મીરમાં 25 આતંકીઓની શોધોખોળ, જંગલોમાં સુરક્ષાબળોનું સર્ચ ઓપરેશન

જમ્મુ-કાશ્મીરમાં 25 આતંકીઓની શોધોખોળ, જંગલોમાં સુરક્ષાબળોનું સર્ચ ઓપરેશન

નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર 2026: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે સુરક્ષાબળોએ મોટું આક્રમક અભિયાન શરૂ કર્યું છે. ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે જમ્મુ સંભાગના અલગ-અલગ વિસ્તારોમાં સક્રિય આશરે 25 જેટલા આતંકવાદીઓને શોધી કાઢવા માટે મોટા પાયે ‘સર્ચ ઓપરેશન’ હાથ ધરવામાં આવ્યું છે. આ આતંકીઓમાં 4 સ્થાનિક અને 21 પાકિસ્તાની આતંકવાદીઓ સામેલ હોવાની માહિતી મળી છે. સુરક્ષા એજન્સીઓ હાલ રાજૌરી, પુંચથી લઈને કઠુઆ સુધીના ઘનઘોર જંગલો અને પહાડી વિસ્તારોમાં ઘેરાબંધી કરીને આતંકીઓની લોકેશન ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે.

મળેલી માહિતી મુજબ, 4 સ્થાનિક આતંકીઓમાંથી 3 હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા જૂના આતંકીઓ છે, જેમાંથી કિશ્તવાડમાં જહાંગીર સરૂરી અને તેનું ગ્રુપ સક્રિય છે. જ્યારે ‘નિક્કુ’ નામનો એક સ્થાનિક આતંકી કઠુઆ અને ઉધમપુર વચ્ચેના વિસ્તારમાં સક્રિય છે. નિક્કુ પાકિસ્તાનમાં તાલીમ લઈને બે વર્ષ પહેલા ભારત પરત ફર્યો હતો અને 17 સપ્ટેમ્બરે ‘ઓપરેશન સોહન’ દરમિયાન ઘેરાબંધી તોડીને ભાગી છૂટ્યો હતો. બીજી તરફ, ૨૧ પાકિસ્તાની આતંકીઓમાંથી રાજૌરી અને પુંચ (પીર પંજાલ રેંજ) ના વિસ્તારોમાં 6 થી 8 આતંકીઓ, રિયાસીમાં 2 આતંકીઓ તથા ડોડા અને કિશ્તવાડમાં 2 થી 3 આતંકીઓનું નવું ગ્રુપ સક્રિય છે. આ સિવાય ઉધમપુર અને કઠુઆના જંગલોમાં 3 અલગ-અલગ આતંકી ગ્રુપ સતત પોતાના લોકેશન બદલીને છુપાઈ રહ્યા છે.

  • 2026 માં અત્યાર સુધી 15 આતંકીઓ ઠાર

વર્ષ 2026માં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષાબળોને સતત મોટી સફળતા મળી રહી છે. 1 જાન્યુઆરીથી 22 સપ્ટેમ્બર 2026 સુધીમાં અલગ-અલગ મૂઠભેડ અને ઘૂસણખોરી વિરોધી અભિયાનોમાં ઓછામાં ઓછા 15 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. વર્ષની શરૂઆતમાં 23 જાન્યુઆરીએ કઠુઆના બિલાવરમાં જેશ-એ-મોહમ્મદનો પાકિસ્તાની આતંકી ઉસ્માન ઉર્ફે અબુ માવિયા માર્યો ગયો હતો. ત્યારબાદ 4 ફેબ્રુઆરીએ ઉધમપુર અને કિશ્તવાડના જંગલોમાં 3 આતંકીઓ અને 22 ફેબ્રુઆરીએ કિશ્તવાડમાં ‘ઓપરેશન ત્રાસી-I’ હેઠળ જેશ કમાન્ડર સૈફુલ્લાહ સહિત 3 આતંકીઓ ઠાર થયા હતા.

માર્ચ, એપ્રિલ અને મે મહિના દરમિયાન રાજૌરીના નૌશેરા, ઉરી અને પુંચના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં LoC પાર કરવાનો પ્રયાસ કરતા પાકિસ્તાની આતંકીઓને ઠાર કરીને ઘૂસણખોરીના પ્રયાસો નિષ્ફળ બનાવાયા હતા. જુલાઈ મહિનામાં શોપિયાંમાં લશ્કર-એ-તૌયબાનો કમાન્ડર ઝાકીર ગનઈ માર્યો ગયો હતો.

ચાલુ સપ્ટેમ્બર મહિનામાં પણ સુરક્ષાબળોએ મોટો પ્રહાર કર્યો છે. 5 સપ્ટેમ્બરે યુસમર્ગમાં લશ્કરનો આતંકી યાસિર માર્યો ગયો, જ્યારે 16-17 સપ્ટેમ્બરે ઉધમપુરમાં હાથ ધરાયેલા ‘ઓપરેશન સોહન’ માં જેશના 2 આતંકીઓ સદ્દામ અને મુસ્તફાને ભારે હથિયારો (AK રાઇફલ, M4 કાર્બાઇન અને ગ્રેનેડ) સાથે ઠાર કરવામાં આવ્યા હતા. હાલમાં સુરક્ષા એજન્સીઓનું મુખ્ય લક્ષ્ય LoC પરથી થતી નવી ઘૂસણખોરી રોકવાની સાથે જંગલો અને પહાડી વિસ્તારોમાં છુપાયેલા આ 25 આતંકીઓને શોધીને તેમનો સંપૂર્ણ ખાતમો કરવાનું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular