Site icon Revoi.in

છત્તીસગઢના બીજાપુરમાં આઈઈડી બ્લાસ્ટ, એક જવાન શહીદ

Social Share

નવી દિલ્હીઃ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષાદળોએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢના બીજાપુરમાં આઈઈડી બ્લાસ્ટ થયો હતો. આ બનાવમાં એક જવાન વીરગતિને પામ્યો હતો. જ્યારે અન્ય 3 જવાનો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરક્ષાદળોએ નક્સલવાદીઓને ઝડપી લેવા માટે કવાયત તેજ બનાવી છે.

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં એક મોટો IED બ્લાસ્ટ થયો છે. આ દુર્ઘટનામાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના એક જવાન શહીદ થયા છે અને ત્રણ જવાન ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) નક્સલવાદીઓએ પ્લાન્ટ કરી હતી, જેના કારણે આ વિસ્ફોટ થયો. બ્લાસ્ટ વિશે માહિતી આપતા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ વિસ્ફોટ આજે સવારે ઇન્દ્રાવતી નેશનલ પાર્ક પાસે થયો હતો. અધિકારીએ જણાવ્યું કે DRG અને રાજ્ય પોલીસની ટીમે રવિવારે નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન નક્સલવાદીઓએ રસ્તામાં IED પ્લાન્ટ કર્યું હતું. જ્યારે સુરક્ષા દળોની ટીમ સ્થળ પર પહોંચી, ત્યારે એક જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં DRG જવાન દિનેશ નાગ શહીદ થયા છે, તેમજ અન્ય ત્રણ જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

શહીદ જવાન દિનેશ નાગનો પાર્થિવ દેહ બીજાપુર જિલ્લા હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. જ્યારે ઘાયલ જવાનો ભરત ધીર, પાયકૂ હેમલા અને મુંદરુ કવાસીને પણ જિલ્લા મુખ્યાલય લાવવામાં આવ્યા છે. આ ત્રણેય ઘાયલોને સેનાના હેલિકોપ્ટર દ્વારા રાયપુર મોકલવામાં આવશે. શહીદ જવાન દિનેશ નાગ બીજાપુરના જ રહેવાસી હતા અને તેઓ વર્ષ 2017માં સીધા DRGમાં ભરતી થયા હતા. દિનેશ એક બાળકના પિતા હતા અને હાલ તેમની પત્ની ગર્ભવતી છે. ઉલ્લેખનીય છે કે, જવાનોની ટીમ તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી.

Exit mobile version