
PM મોદીનો જાદુ યથાવતઃ હાલ લોકસભાની ચૂંટણી યોજાય તો BJPનો 2019ની સરખામણીએ ભવ્ય વિજય થશે
નવી દિલ્હીઃ દેશમાં તાજેતરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર દ્રૌપદીજી મૂર્મૂએ બમ્પર જીત મેળવી હતી. હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની ચૂંટણી યોજાશે. જેમાં એકલા ભાજપ પાસે પૂરતા વોટ છે. આ દરમિયાન, એક સર્વે દ્વારા દેશની સામાન્ય જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે, જો આજે ચૂંટણી થાય તો એનડીએ 2019 કરતા પણ વધુ શાનદાર જીત મેળવી શકે છે.
એક સર્વેમાં જાણવા મળ્યું કે, જો લોકસભાની ચૂંટણી હવે યોજવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ લોકસભાની કુલ 543 બેઠકોમાંથી 362 બેઠકો પર જંગી જીત મેળવી શકે છે. સર્વે મુજબ કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન ચાલુ રહેશે. જેમાં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)ના ખાતામાં માત્ર 97 બેઠકો જીતે છે. જો આજે સામાન્ય ચૂંટણીઓ યોજાય તો નાના પ્રાદેશિક પક્ષો અને અપક્ષો સહિત અન્ય 84 બેઠકો જીતવાનો અંદાજ છે. વોટ ટકાવારીની વાત કરીએ તો સર્વે મુજબ એનડીએને 41 ટકા, યુપીએને 28 ટકા અને અન્યને 31 ટકા વોટ મળી શકે છે.
સૌથી વધુ વસ્તી ધરાવતા ઉત્તરપ્રદેશમાં એનડીએ 80 માંથી 76 લોકસભા બેઠકો જીતતી જોવા મળે છે. બિહારમાં એનડીએ કુલ 40માંથી 35 સીટો જીતી શકે છે અને પાંચ સીટો યુપીએના ખાતામાં જતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં એનડીએ લોકસભાની કુલ 48 બેઠકોમાંથી 37 બેઠકો જીતી શકે છે, જ્યારે બિન-ભાજપ વિપક્ષ 11 બેઠકો પર જઈ શકે છે.
તમિલનાડુમાં શાસક ડીએમકેની આગેવાની હેઠળની યુપીએનો કુલ 39 બેઠકોમાંથી 38 બેઠકો જીતવાનો અંદાજ છે. અહીં એનડીએના ખાતામાં માત્ર એક સીટ જવાની આશા છે. એલડીએફ શાસિત કેરળમાં, બિન-ભાજપ વિપક્ષ રાજ્યની તમામ 20 લોકસભા બેઠકો જીતે તેવી શક્યતા છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ 42માંથી 26 બેઠકો જીતી શકે છે. અહીં એનડીએને 14 અને યુપીએને બે બેઠકો મળવાની આશા છે.