ઘરકામ અને ધૂળ-માટીના સંપર્કથી ત્વચા નિસ્તેજ અને ડલ બની શકે છે. તહેવારોમાં જો તમારી પાસે ફેશિયલ અથવા બ્યુટી ટ્રીટમેન્ટ માટે સમય ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, યોગ્ય મેકઅપ ટેકનિકથી તમે તહેવારમાં ચમકતા દેખાઈ શકો છો. ત્વચા પર મેકઅપ લાંબા સમય સુધી ટકી રહે તે માટે સૌપ્રથમ ત્વચાની યોગ્ય કાળજી લેવી જરૂરી છે. ચહેરા પર હળવા ફેસવોશ અથવા ક્લીન્ઝિંગ જેલથી સફાઈ કરો જેથી ધૂળ અને તેલ દૂર થાય. અઠવાડિયામાં બે થી ત્રણ વાર એક્સફોલિએટ કરી ત્વચાના મૃત કોષો દૂર કરો. ત્યારબાદ ટોનર લગાવી ત્વચાના pH સ્તરને સંતુલિત કરો અને છિદ્રોને કડક બનાવો.
ત્વચાના પ્રકાર અનુસાર યોગ્ય મોઇશ્ચરાઇઝર લગાવો જેથી ચહેરા પરની ત્વચા હાઈડ્રેટેડ રહે. આંખોની નીચેની ત્વચા સંવેદનશીલ હોય છે, તેથી ત્યાં લાઈટ આઈ ક્રીમ લગાવો. હોઠ કોમળ રહે તે માટે લિપ બામ લગાવવું પણ જરૂરી છે. મેકઅપને લાંબા સમય સુધી ટકી રાખવા માટે પ્રાઈમર એક અગત્યનો સ્ટેપ છે તે ફાઉન્ડેશનને સારી રીતે સેટ કરવામાં મદદ કરે છે અને ચહેરાને સ્મૂથ લુક આપે છે.
ત્વચા મુજબ યોગ્ય ફાઉન્ડેશન પસંદ કરો જેથી કુદરતી અને દોષરહિત લુક મળે. હેવી મેકઅપ કરતા લાઈટ અને નેચરલ ટોન વધુ આકર્ષક લાગે છે. જો તમે તહેવારમાં લાંબા સમય સુધી બહાર રહેવાના હો તો વોટરપ્રૂફ મેકઅપ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો જેથી મેકઅપ બગડે નહીં. આ તમામ સ્ટેપ્સનું નિયમિત પાલન કરવાથી ચહેરા પર કુદરતી ચમક આવશે અને મેકઅપ લાંબા સમય સુધી ટકી રહેશે. નિષ્ણાતોના મતે સુંદર દેખાવ માટે મેકઅપ જેટલું જ મહત્વ ત્વચાની કાળજીનું પણ છે. સ્વચ્છ, હાઈડ્રેટેડ અને સ્વસ્થ ત્વચા પર કરાયેલ મેકઅપ હંમેશા વધુ સુંદર લાગે છે.