Site icon Revoi.in

માર્ગ અકસ્માતની ઘટનામાં પીડિતને રૂ. 1.5 લાખ સુધી મળશે કેશલેસ સારવાર

Social Share

નવી દિલ્હીઃ હવે કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને મોટી રાહત આપવા જઈ રહી છે. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને કેશલેસ સારવાર મળી શકશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કેશલેસ સારવાર યોજનાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત અકસ્માતમાં પીડિતોની સાત દિવસની સારવાર માટે 1.5 લાખ રૂપિયાનો ખર્ચ સરકાર ભોગવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અકસ્માતના 24 કલાકમાં પોલીસને જાણ કરવામાં આવે તો સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. આ સાથે તેમણે હિટ એન્ડ રન કેસમાં પીડિત પરિવારોને 2 લાખ રૂપિયા સુધીના વળતરની પણ જાહેરાત કરી હતી.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ભારત મંડપમ ખાતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે પરિવહન સંબંધિત નીતિઓ અને સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમે કેશલેસ સારવારની યોજના શરૂ કરી છે. આ હેઠળ, જો અકસ્માતના 24 કલાકમાં પોલીસને જાણ કરવામાં આવે છે, તો અમે દાખલ દર્દીના સાત દિવસનો સારવાર ખર્ચ અને સારવાર માટે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા કવર કરીશું. આ સાથે, અમે હિટ એન્ડ રન કેસમાં મૃતકોને 2 લાખ રૂપિયા આપીશું.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, માર્ગ સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. 2024માં અંદાજે 1.80 લાખ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા. તેમાંથી 30 હજાર મોત હેલ્મેટ ન પહેરવાના કારણે થયા છે. આ ઉપરાંત શાળા, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ પાસે પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો પર વ્યવસ્થાના અભાવે અકસ્માતમાં 10 હજાર બાળકોના મોત થયા છે. તેમણે કહ્યું કે શાળાઓની ઓટો રિક્ષા અને મીની બસ માટે નિયમો બનાવવામાં આવ્યા છે. અમે તેને ઘટાડવાનો પ્રયાસ કરીશું. માર્ગ અકસ્માતોમાં ઝડપી સારવાર આપવા માટે, કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે છ રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કેશલેસ સારવાર યોજના લાગુ કરી હતી.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આસામ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ અને પુડુચેરીમાં આ યોજના પાઇલટ પ્રોજેક્ટ તરીકે સફળ રહી છે. અત્યાર સુધીમાં આના દ્વારા 2100 લોકોના જીવ બચાવાયા છે. હવે સમગ્ર દેશમાં તેનો અમલ કરવામાં આવી રહ્યો છે.

(PHOTO-FILE)