
ગુજરાતના આ જિલ્લામાં સેલ્ફિ લેવી પડશે ભારે, સેલ્ફિ ઉપર પ્રતિબંધ મુકાયો
અમદાવાદઃ ગુજરાતમાં સ્માર્ટફોનનો ઉપયોગ વધવાની સાથે લોકોમાં સેલ્ફીનો ક્રેઝ વધ્યો છે. એટલું જ નહીં લોકો જીવલેણ સ્થળો ઉપર પણ સેલ્ફિ લેવાનું ચુકતા નથી. જેથી કેટલીક વખત દૂર્ઘટના પણ સર્જાય છે. જો કે, પ્રવાસીઓ માટે જાણીતા ડાંગ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સેલ્ફિ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. એટલું જ નહીં પ્રતિબંધનો ભંગ કરનારની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર નેશ્ર્ગિક વાતાવરણ, નદી-નાળા ઝરણા વનરાઇ, ડુંગરા પશુ-પક્ષી અને આદિવાસી વસ્તી ધરાવતા ડાંગમાં અનેક સ્થલો ઉપર એવા દૃશ્યો જોવા મળે છે કે જ્યાં અચૂક પણે સેલ્ફી લેવાનું મન થાય, એટલું જ નહીં કેટલીક વખત સેલ્ફી લેવાની કોશીષમાં અકસ્માત પણ સર્જાયો હતો. આવા બનાવો અટકાવવા માટે ડાંગ જિલ્લા વહીવટી તંત્રે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જિલ્લામાં સેલ્ફી ઉપર પ્રતિબંધ જાહેર કર્યો છે.
અધિક જીલ્લા ન્યાયધીશ ટી.કે ડામોરે જાહેરનામુ પ્રસિદ્ધ કરીને સમગ્ર જિલ્લામાં સેલ્ફી પર પ્રતિબંધ મૂક્યો છે સાથે સાથે નદી નાળા તળાવ અને જળ સ્ત્રોત માં આવવા અને કપડા ધોવા સહિતની પ્રવૃતિને પણ પ્રતિબંધિત જાહેર કરી છે. અકસ્માતો અને જીવનું જોખમ ઘટાડવા કુદરતી ઝરણાં, ધોધ, વનરાય, આદિવાસી જનજીવન ધરાવતા ડાંગમાં સેલ્ફી પ્રતિબંધનો નિયમ તોડનારને જેલના સળિયા ગણવા પડશે. ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ સેલ્ફી પર પ્રતિબંધ મૂકવાનો જે નવો રસ્તો કંડાર્યો છે તે આવનાર દિવસોમાં સમગ્ર રાજ્યમાં લાગુ પડે તવું ઘણા લોકો ઇચ્છી રહ્યા છે.