1. Home
  2. revoinews
  3. નિકોલ વિધાનસભા વિસ્તારમાં રૂ.૯૭ કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ
નિકોલ વિધાનસભા વિસ્તારમાં રૂ.૯૭ કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ

નિકોલ વિધાનસભા વિસ્તારમાં રૂ.૯૭ કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ

0
Social Share
  • નિકોલના ધારાસભ્ય તરીકે સેવા કરવાની જવાબદારી મળ્યાથી અત્યાર સુધી મતક્ષેત્રમાં અંદાજે ₹૧,૦૦૦ કરોડથી વધુના વિકાસના કામો થયા હોવાનું જણાવતા જગદીશભાઈ વિશ્વકર્મા

અમદાવાદ, 5 માર્ચ, 2026 – ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના વરદ હસ્તે આજે ગુરુવારે અમદાવાદના વિરાટનગર સ્થિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં સમાવિષ્ટ નિકોલ વિધાનસભા વિસ્તારમાં રૂ.97 કરોડના વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તેમના સંબોધનમાં જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, માત્ર ૧૫ મહિનાના ટૂંકા ગાળામાં રૂ.૧૦.૯૧ કરોડથી વધુના ખર્ચે ૩૦ બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ અત્રે તૈયાર કરી દેવાઈ છે, જ્યાં ૧૧ સુપર સ્પેશિયાલિટી ડોક્ટરો, ૪૩ પ્રકારના નિઃશુલ્ક રિપોર્ટ, સોનોગ્રાફી અને એક્સ-રે જેવી સેવાઓ ઉપલબ્ધ છે. તેઓએ કહ્યું કે, જનતાએ તેમને ધારાસભ્ય તરીકે સેવાની તક આપી છે, ત્યારથી અત્યાર સુધીમાં નિકોલ વિસ્તારમાં અંદાજે ₹૧,૦૦૦ કરોડથી વધુના વિકાસનાં કામો થયા છે.

Jagdishbhai Vishwakarma
Jagdishbhai Vishwakarma

પાછલા બે વર્ષમાં વિસ્તારમાં થયેલા મહત્ત્વનાં કાર્યો અંગે તેમણે કહ્યું કે, વિશ્વકર્મા બ્રિજ, લક્ષ્મણ બ્રિજ, શબરી વાટિકા, લવ-કુશ તળાવ અને શ્રી રામ પાર્ટી પ્લોટ જેવા પ્રકલ્પો જનતાની સુખાકારી માટે કાર્યરત બન્યા છે. વધુમાં, વિરાટનગરમાં ટૂંક સમયમાં જ એક અત્યાધુનિક ‘ઈ-લાઈબ્રેરી’નું નિર્માણ કાર્ય પણ શરૂ કરવામાં આવનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમદાવાદના પૂર્વ વિસ્તારની જનતાને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળે તે માટે આ વર્ષના બજેટમાં અંદાજે ₹૭૦૦ કરોડના ખર્ચે અત્યાધુનિક હોસ્પિટલનું આયોજન કરાયું છે, જે માટે કોર્પોરેશને ₹૫૦ કરોડની ફાળવણી પણ કરી દીધી છે. છે. પૂર્વ વિસ્તારમાં અંદાજે રૂ. 1,200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

જનતાનું હિત અને સુખાકારી

જગદીશભાઈએ વધુમાં કહ્યું કે, પ્રજાએ ચૂંટણીઓમાં ભાજપાને ભરપૂર મત આપી જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તેનું ઋણ ભાજપાએ ગુજરાતના સાડા છ કરોડ નાગરિકો માટે વિકાસના અનેક કાર્યો થકી ચૂકવવાનો પ્રયાસ કર્યો છે. સરકારની ૪૫૦ થી વધુ યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગને મળી રહ્યો છે. તેઓએ જનતાના હિત અને સુખાકારી માટે તેમજ જનતાના પ્રશ્નોના સમાધાન માટે સતત પ્રયત્નશીલ રહેવા બદલ ચૂંટાયેલી પાંખ અને કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ જનતા વિકાસની કામગીરીને મત આપશે.

આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ હસમુખભાઈ પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાના ભાજપાના પદાધિકારીઓ, નગરસેવકો, સબંધિત અધિકારીગણ તથા નાગરિક ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code