ભારત એક દાયકામાં ઉત્પાદનમાં છ ગણા વધારા સાથે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનનું વૈશ્વિક હબ બની ગયું છે, જેણે 25 લાખથી વધુ રોજગારીનું સર્જન કર્યું છે. PLI અને SPECS જેવી મજબૂત સરકારી નીતિઓના સમર્થનથી, ભારત 2030-31 સુધીમાં $500 બિલિયનનું ઘરેલુ ઇલેક્ટ્રોનિક્સ ઇકોસિસ્ટમ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ પ્રયાસો ભારતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં એક મહત્ત્વપૂર્ણ ખેલાડી તરીકે સ્થાપિત કરી રહ્યા છે, જે ઓટોમોટિવ અને મેડિકલ ઇલેક્ટ્રોનિક્સ સહિત તમામ આધુનિક ઉદ્યોગોને શક્તિ પ્રદાન કરે છે.
અર્થતંત્રોને શક્તિ આપતા અને ટેક્નોલોજીના પરિદૃશ્યને ફરીથી વ્યાખ્યાયિત કરતા ઇલેક્ટ્રોનિક્સ હવે નવીનતા અને વિકાસનું એન્જિન બની ગયું છે. સમગ્ર વિશ્વમાં, આ ક્ષેત્ર સમાજોના રહેવાની, કામ કરવાની અને પરસ્પર સંપર્ક કરવાની રીતને આકાર આપી રહ્યું છે, અને સંચાર, ઓટોમેશન અને કનેક્ટિવિટીની દિશામાં પ્રગતિને વેગ આપી રહ્યું છે.
ભારત ઝડપથી એક મુખ્ય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે, જેણે છેલ્લા એક દાયકામાં ઉત્પાદનમાં લગભગ છ ગણો વધારો નોંધાવ્યો છે. આ ક્ષેત્રે માત્ર તેના ઔદ્યોગિક આધારનો જ વિસ્તાર કર્યો નથી, પરંતુ છેલ્લા 10 વર્ષોમાં 25 લાખ નોકરીઓનું પણ સર્જન કર્યું છે, જે રોજગાર અને આર્થિક વિકાસના મુખ્ય ચાલક તરીકેની તેની ભૂમિકાને રેખાંકિત કરે છે. મહત્ત્વપૂર્ણ સરકારી પહેલો અને મજબૂત નીતિગત સમર્થને સ્થાનિક ઉત્પાદનને વધુ પ્રોત્સાહન આપ્યું છે, નિકાસનો વિસ્તાર કર્યો છે અને નોંધપાત્ર વૈશ્વિક રોકાણ આકર્ષિત કર્યું છે.
વર્ષ 2030-31 સુધીમાં 500 બિલિયન ડૉલરનું ઘરેલુ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઇકોસિસ્ટમ નિર્મિત કરવાના મહત્વાકાંક્ષી વિઝન સાથે, ભારત સ્થાનિક સ્તરે વ્યાપક તકોનું સર્જન કરવાની સાથે સાથે વિશ્વ માટે નવીનતા કરતા ટેકનોલોજીના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે અગ્રણી તરીકે ઉભરી આવવા તૈયાર છે.
ઇલેક્ટ્રોનિક્સના ઉત્પાદન અને નિકાસનું પરિદૃશ્ય
‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ જેવી પહેલો, મજબૂત નીતિગત સમર્થન, તકનીકી પ્રગતિ અને કુશળ કાર્યબળને કારણે ભારત ઝડપથી ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બની ગયું છે અને તેણે ઉત્પાદન અને નિકાસ બંનેને અભૂતપૂર્વ સ્તરો પર પહોંચાડ્યા છે. પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના અને વેપાર કરવામાં સરળતા માં સુધારા જેવા સહાયક પગલાંઓએ ઉત્પાદન અને નિકાસને નોંધપાત્ર રીતે પ્રોત્સાહન આપ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ઝડપી વૃદ્ધિએ દેશભરમાં રોજગારની પર્યાપ્ત તકોનું સર્જન કર્યું છે, જ્યારે ભારતનું ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર સ્પર્ધાત્મકતા વધારવા અને વિદેશી રોકાણ આકર્ષિત કરતા વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ઊંડાણપૂર્વક સંકલિત થયું છે.
મોબાઇલ ઉત્પાદન અને નિકાસ
ભારતની મોબાઇલ ફોન ક્રાંતિ જીવન અને આજીવિકાને નવા આકાર આપી રહી છે. 85 ટકાથી વધુ ભારતીય પરિવારો પાસે ઓછામાં ઓછો એક સ્માર્ટફોન છે, જેના કારણે, આ ઉપકરણ આજે બેન્કિંગ, શિક્ષણ, મનોરંજન અને સરકારી સેવાઓ સુધી પહોંચ સ્થાપિત કરવાના એક સાધન તરીકે કાર્ય કરે છે. મોબાઇલ કનેક્ટિવિટી નાણાકીય સમાવેશ અને ડિજિટલ સશક્તિકરણનું એક શક્તિશાળી વાહક બની ગઇ છે, જેનાથી ભારત વિશ્વના સૌથી વધુ પરસ્પર જોડાયેલા સમાજોમાંનું એક બન્યું છે.
આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ તરીકે ઇલેક્ટ્રોનિક્સ
ઇલેક્ટ્રોનિક્સ આધુનિક અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. ઘરોથી લઈને હોસ્પિટલો સુધી, અને કારખાનાઓથી લઈને વાહનો સુધી, તે કાર્યક્ષમતા, આરામ અને નવીનતાને શક્ય બનાવે છે. આજે દરેક મુખ્ય ક્ષેત્ર પ્રદર્શનમાં સુધારો કરવા, સુરક્ષા વધારવા અને બહેતર સેવાઓ પ્રદાન કરવા માટે ઇલેક્ટ્રોનિક્સ પર નિર્ભર છે. જેમ જેમ ટેક્નોલોજી વિકસિત થઈ રહી છે, તેમ તેમ ઉદ્યોગોમાં પ્રગતિને આગળ વધારવામાં ઇલેક્ટ્રોનિક્સનું મહત્ત્વ વધતું જાય છે. કેટલાક એવા ક્ષેત્રો જ્યાં ઇલેક્ટ્રોનિક્સ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તે નીચે મુજબ છે:
ઉપભોક્તા ઇલેક્ટ્રોનિક્સ: ઉપભોક્તા ઇલેક્ટ્રોનિક્સ દૈનિક જીવનનો અભિન્ન અંગ બની ગયા છે. હવે દરેક ઘર ટેલિવિઝન, રેફ્રિજરેટર, એર કન્ડિશનર અને વોશિંગ મશીન જેવા ઉપકરણો પર નિર્ભર છે. આ ઉત્પાદનો ઘરોમાં સુવિધા, મનોરંજન અને કાર્યક્ષમતા લાવે છે. ઉપભોક્તા ઉપકરણોની વધતી પરવડે તેવી ક્ષમતા અને વિવિધતા, લાખો લોકોના જીવનધોરણને બહેતર બનાવવામાં ઇલેક્ટ્રોનિક્સની વધતી ભૂમિકાને દર્શાવે છે.
ઇલેક્ટ્રોનિક ઘટકો: ઇલેક્ટ્રોનિક ઘટકો સમગ્ર ઇલેક્ટ્રોનિક્સ ઇકોસિસ્ટમનો પાયો છે. તે સાદા ઘરગથ્થુ ઉપકરણોથી લઈને જટિલ ઔદ્યોગિક પ્રણાલીઓ સુધીના દરેક ઉપકરણને શક્તિ પ્રદાન કરે છે. આ આવશ્યક પુરજાઓ વિના કોઈ પણ ઉત્પાદક ઉપભોક્તા ઇલેક્ટ્રોનિક્સ, સંરક્ષણ પ્રણાલીઓ અથવા તબીબી ઉપકરણો બનાવી શકશે નહીં. આ પેટા-ક્ષેત્રની મજબૂતી ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની એકંદર મજબૂતાઈ અને સ્પર્ધાત્મકતા નક્કી કરે છે.
ઓટોમોટિવ ઇલેક્ટ્રોનિક્સ: પ્રદર્શન, સલામતી અને કનેક્ટિવિટી માટે આધુનિક વાહનોની ઇલેક્ટ્રોનિક્સ પર નિર્ભરતા ઝડપથી વધી રહી છે. જેમ જેમ વિશ્વ ઇલેક્ટ્રિક અને સ્માર્ટ મોબિલિટી તરફ વળી રહ્યું છે, તેમ તેમ ઓટોમોટિવ ઇલેક્ટ્રોનિક્સની માંગ ઝડપથી વધી રહી છે. શહેરીકરણ અને સ્વચ્છ પરિવહનની વધતી જરૂરિયાત આ પરિવર્તનને વધુ વેગ આપી રહી છે. સેન્સરથી લઈને ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સુધી, ઇલેક્ટ્રોનિક્સ વાહનોના સંચાલન અને વપરાશકર્તાઓ સાથેના તેમના સંપર્કની રીતને બદલી રહ્યા છે.
તબીબી ઇલેક્ટ્રોનિક્સ: જીવનશૈલી સંબંધિત રોગોમાં વધારો અને આરોગ્ય સેવાઓની વધતી માંગે તબીબી ઇલેક્ટ્રોનિક્સના બજારનો વિસ્તાર કર્યો છે. ઓક્સિમીટર, ગ્લુકોમીટર અને ડિજિટલ મોનિટર જેવા ઉપકરણો હવે ઘરો અને હોસ્પિટલો બંનેમાં સામાન્ય બની ગયા છે. તબીબી ટેક્નોલોજીમાં નવીનતા નિદાન, સારવાર અને દર્દીની સંભાળમાં સુધારો લાવી રહી છે. ઇલેક્ટ્રોનિક્સે આરોગ્ય સેવાને બદલાતી દુનિયાની જરૂરિયાતો અનુસાર વધુ સુલભ, સચોટ અને સંવેદનશીલ બનાવી દીધી છે.
ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનની દિશામાં મુખ્ય સરકારી પહેલ
ભારતનો ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ મજબૂત નીતિગત સમર્થન અને લક્ષિત સરકારી પહેલોના આધારે વિકસિત થયો છે. આ કાર્યક્રમોનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઉત્પાદન ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો, રોકાણ આકર્ષિત કરવાનો અને મોટા પાયે રોજગારનું સર્જન કરતા વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં ભારતની ભૂમિકા મજબૂત કરવાનો છે.
પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના: 1.97 લાખ કરોડ રૂપિયાના ખર્ચવાળી પીએલઆઈ યોજના ઇલેક્ટ્રોનિક્સ અને IT હાર્ડવેર સહિત 14 મુખ્ય ક્ષેત્રોને આવરી લે છે. તે કંપનીઓને ઉત્પાદન વધારવા, નવી તકનીકો અપનાવવા અને નિકાસનો વિસ્તાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ, નાણાકીય વર્ષ 2020-21 થી ભારતે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનના ક્ષેત્રમાં 4 બિલિયન ડૉલરથી વધુનું FDI આકર્ષિત કર્યું છે. આ FDIના લગભગ 70%નું યોગદાન PLI યોજનાના લાભાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે.
ઇલેક્ટ્રોનિક ઘટકો અને સેમિકન્ડક્ટરોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની યોજના (એસપીઈસીએસ):
એસપીઈસીએસ યોજના મુખ્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓના ઉત્પાદન માટે મૂડી ખર્ચ પર ૨૫ ટકા નાણાકીય પ્રોત્સાહન પ્રદાન કરે છે. આ યોજના મહત્ત્વપૂર્ણ સપ્લાય ચેઇનની ખામીઓને દૂર કરવા, સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા અને ભારત દ્વારા અલગ-અલગ ઘટકોને જોડવા અથવા એસેમ્બલ કરવા પર આધારિત ઉત્પાદનમાંથી ઉચ્ચ-મૂલ્યવાળા ઘટક ઉત્પાદન તરફ વળવામાં સહાયક છે.
ઇલેક્ટ્રોનિક્સ ઘટક ઉત્પાદન યોજના (ECMS):
મંત્રીમંડળ દ્વારા 1 મે 2025 ના રોજ 22,919 કરોડ રૂપિયાના નાણાકીય ખર્ચ સાથે મંજૂર કરાયેલ ECMS ને 249 અરજીઓ પ્રાપ્ત થઈ છે, જે ઉદ્યોગ જગતની ઊંડી રુચિ દર્શાવે છે. 1,15,351કરોડ રૂપિયાની અંદાજિત રોકાણ પ્રતિબદ્ધતા 59,350 કરોડ રૂપિયાના મૂળ લક્ષ્યાંક કરતાં લગભગ બમણી છે. આ યોજનાથી આગામી છ વર્ષમાં 10,34,700 કરોડ રૂપિયા મૂલ્યનું ઉત્પાદન થવાની અપેક્ષા છે, જે 4,56,000 કરોડ રૂપિયાના પ્રારંભિક લક્ષ્યાંક કરતાં 2.2 ગણું છે. તેનાથી 1,42,000 પ્રત્યક્ષ રોજગારનું સર્જન થવાનો અંદાજ છે, જે 91,600ના લક્ષ્યાંક કરતાં ઘણો વધારે છે, સાથે જ અનેક ગણી સંખ્યામાં પરોક્ષ રોજગાર પણ સર્જાશે. આ રોજગાર અને આર્થિક વિકાસને મોટા પાયે ગતિ આપવાની આ યોજનાની ક્ષમતાને દર્શાવે છે. આ યોજનાને મળેલો જબરદસ્ત પ્રતિસાદ વૈશ્વિક મંચ પર ભારતના વધતા કદ અને MSME સહિત ઘરેલુ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં વધતા વિશ્વાસને દર્શાવે છે. 1 મે 2025 થી શરૂ થતી ત્રણ મહિનાની પ્રારંભિક અરજી અવધિને 30 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી હતી. ECMS થી વર્ષ 2030-31 સુધી 500 બિલિયન ડૉલરના ઘરેલુ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઇકોસિસ્ટમના પ્રધાનમંત્રીના વિઝનની દિશામાં ભારતની યાત્રામાં ગતિ આવવાની અપેક્ષા છે.
રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક્સ નીતિ (NPE) 2019:
રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક્સ નીતિનો ઉદ્દેશ્ય ભારતને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ (ESDM) માટે એક વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે. તેનું લક્ષ્ય વર્ષ 2025 સુધીમાં ESDM માંથી 400 બિલિયન ડૉલરનું મહેસૂલ પ્રાપ્ત કરવાનું છે. આ નીતિ નવીનતાને પ્રોત્સાહન આપે છે, ડિઝાઇન-આધારિત ઉત્પાદનને પ્રોત્સાહિત કરે છે, અને ઉદ્યોગનો લાંબા ગાળાનો વિકાસ સુનિશ્ચિત કરવા માટે સંશોધન અને વિકાસ (R&D)ને પ્રોત્સાહન આપે છે. ભારતની ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ ઉત્પાદનની યાત્રા તેની મહત્વાકાંક્ષા, નવીનતા અને વૈશ્વિક સ્પર્ધામાં ઝડપથી વધતી ક્ષમતાનું પ્રતીક છે. PLI, ECMS અને SPECS જેવી પહેલોએ દેશમાં ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું છે, સપ્લાય ચેઇનને મજબૂત કરી છે અને નિકાસને પ્રોત્સાહિત કરી છે. રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક્સ નીતિ અને ‘મેક ઇન ઇન્ડિયા’ જેવી પહેલો સાથે મળીને આ પ્રયાસોએ રોકાણને આકર્ષિત કર્યું છે, રોજગારની નવી તકો ઊભી કરી છે અને ભારતની તકનીકી આત્મનિર્ભરતાને આગળ વધારી છે. સતત નવીનતા અને નીતિ સમર્થન સાથે, ભારત વર્ષ 2030-31 સુધી 500 બિલિયન ડૉલરના ઘરેલુ ઇલેક્ટ્રોનિક્સ ઇકોસિસ્ટમને પ્રાપ્ત કરવા અને વૈશ્વિક મંચ પર ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ ટેક્નોલોજીમાં અગ્રણી ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.