1. Home
  2. ગુજરાતી
  3. ભારત પાસે સ્કેલ, ટેકનોલોજી અને ટેલેન્ટનું અનોખું સંયોજન: નાણાં મંત્રી
ભારત પાસે સ્કેલ, ટેકનોલોજી અને ટેલેન્ટનું અનોખું સંયોજન: નાણાં મંત્રી

ભારત પાસે સ્કેલ, ટેકનોલોજી અને ટેલેન્ટનું અનોખું સંયોજન: નાણાં મંત્રી

0
Social Share

ગાંધીનગર, 23 મે 2026: ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીને વૈશ્વિક સ્તરે અગ્રેસર અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક નાણાકીય તેમજ વ્યાપારિક હબ તરીકે વધુ મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ ગઈ છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણના અધ્યક્ષપદે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગિફ્ટ સિટીની પ્રગતિ અને તેની વિકસતી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓની ઇકોસિસ્ટમ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ હાઈ-પ્રોફાઈલ બેઠકમાં પ્રધાનમંત્રીના અગ્ર સચિવ પી.કે. મિશ્રા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગિફ્ટ સિટીના ચેરમેન ઉદય કોટક, આઈએફએસસીએના ચેરમેન કે. રાજારામન તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ મંત્રાલયોના વરિષ્ઠ સચિવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ખર્ચ વિભાગના સચિવ વી. વુઆલનામ, આર્થિક બાબતોના વિભાગના સચિવ શ્રીમતી અનુરાધા ઠાકુર અને મહેસૂલ વિભાગના સચિવ અરવિંદ શ્રીવાસ્તવનો પણ સમાવેશ થાય છે.

બેઠક દરમિયાન રજૂ કરાયેલા અહેવાલો મુજબ, ગિફ્ટ સિટી આજે નાણાકીય સેવાઓ, ટેકનોલોજી અને સંલગ્ન ક્ષેત્રોમાં કાર્યરત 1,150 થી વધુ વૈશ્વિક સંસ્થાઓનું યજમાન બન્યું છે. ગિફ્ટ સિટીમાં બેંકિંગ અસ્કયામતો (એસેટ્સ) 110 બિલિયન યુએસ ડોલરને વટાવી ગઈ છે, જ્યારે ફંડ મેનેજમેન્ટ પ્રવૃત્તિઓ હેઠળ મૂડી પ્રતિબદ્ધતાઓ 32 બિલિયન યુએસ ડોલરને પાર કરી ગઈ છે. હાલમાં આ વૈશ્વિક ઇકોસિસ્ટમમાં 37 બેંકિંગ યુનિટ્સ, 217 ફંડ મેનેજમેન્ટ સંસ્થાઓ, 36 વીમા કંપનીઓ, 35 એરક્રાફ્ટ લેસર્સ અને 36 શિપ લીઝિંગ સંસ્થાઓની સાથે આંતરરાષ્ટ્રીય એક્સચેન્જો, ફિનટેક ફર્મ્સ અને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ કાર્યરત હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

ભવિષ્યના પગલાંઓ પર ગંભીર મંથન

સમીક્ષા બેઠક બાદ પોતાના સંબોધનમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, ભારત આજે ગિફ્ટ સિટી દ્વારા સ્કેલ, ટેકનોલોજી, ટેલેન્ટ અને વિકાસની અસીમ તકોનું એક અનોખું સંયોજન વિશ્વને પ્રદાન કરે છે. ગિફ્ટ સિટી ભારતના આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખાના એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે ઉભરી આવ્યું છે, જે દેશના વધતા આર્થિક આત્મવિશ્વાસ અને વૈશ્વિક આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. તેમણે ‘વિકસિત ભારત @2047’ ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમામ હિતધારકો વચ્ચે સતત સંકલન અને જમીન સ્તરે તાત્કાલિક પગલાં લેવા પર ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં બેંકિંગ, મૂડી બજારો, ફંડ મેનેજમેન્ટ, એરક્રાફ્ટ અને શિપ લીઝિંગ, ફિનટેક, બુલિયન એક્સચેન્જ અને આંતરરાષ્ટ્રીય શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં ગિફ્ટ સિટી દ્વારા પ્રાપ્ત કરાયેલી પ્રગતિ અંગે ખાસ પ્રસ્તુતિઓ (પ્રેઝન્ટેશન્સ) રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ (વેપાર કરવાની સરળતા), ટેક્સેશન ફ્રેમવર્ક (કરવેરા માળખું), માળખાકીય વિકાસ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) અને રહેણાંક વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા માટેના જરૂરી ભવિષ્યના પગલાંઓ પર ગંભીર મંથન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીના અગ્ર સચિવ પી.કે. મિશ્રાએ પણ પોતાના સંબોધનમાં ગિફ્ટ સિટીની અત્યાર સુધીની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, વિશ્વભરમાંથી કુશળ વ્યાવસાયિકો (પ્રોફેશનલ્સ) ને આકર્ષીને અને વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરીને ગિફ્ટ IFSC માટેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવું એ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

આ પણ વાંચોઃ ઓડિશાના ચાંદીપુરમાંથી અગ્નિ-1 બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ: ભારતની સૈન્ય તાકાતમાં વધારો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code