એશિયા કપમાં પાકિસ્તાન સાથે ભારતે રમવું ના જોઈએ, કેદાર જાદવે વ્યક્ત કરી ઈચ્છા
એશિયા કપમાં 14 સપ્ટેમ્બરે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાનારી છે, પરંતુ આ બંને કટ્ટર હરીફો વચ્ચેની મેચ અંગે નિવેદનબાજી ચાલુ છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા છે, તેથી ભારત-પાકિસ્તાન મેચ અંગે વિવિધ અટકળો ચાલી રહી છે. હવે ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન કેદાર જાધવે આ મામલે મોટું નિવેદન આપ્યું છે.
પહેલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર નામનું લશ્કરી ઓપરેશન શરૂ કર્યું હતું. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના સમાચારથી દેશમાં વિવાદ થયો હતો અને ઘણા ક્રિકેટ ચાહકોએ આ નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અને હવે ભાજપના નેતા કેદાર જાધવે મોટો દાવો કર્યો છે અને કહ્યું છે કે ભારતીય ટીમ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેની મેચમાં રમશે નહીં.
જાધવે કહ્યું, ‘મને લાગે છે કે ભારતે રમવું જોઈએ નહીં. જ્યાં સુધી ભારતનો સવાલ છે, ભારત જ્યારે પણ રમ્યું છે, તે હંમેશા જીત્યું છે, પરંતુ આ મેચ (પાકિસ્તાન સાથે) રમવી જોઈએ નહીં. આ મેચ બિલકુલ રમવી જોઈએ નહીં અને હું ખાતરીપૂર્વક કહી શકું છું કે તે રમાશે નહીં.’ ગયા મહિને, યુવરાજ સિંહની આગેવાની હેઠળની ભારતીય ચેમ્પિયન્સ ટીમે વર્લ્ડ ચેમ્પિયનશિપ લીગમાં પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કર્યો હતો. ગ્રુપ સ્ટેજ પછી, ભારતે સેમિફાઇનલમાં પણ પાકિસ્તાન સાથે ન રમવાનો નિર્ણય લીધો, જેના કારણે પાકિસ્તાનની ટીમ ફાઇનલમાં પહોંચી જ્યાં તેનો દક્ષિણ આફ્રિકા સામે પરાજય થયો.


