નવી દિલ્હી, 23 ઓક્ટોબર 2026: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સુધારાની માંગને ભારતે વધુ એક વખત વૈશ્વિક મંચ પરથી અત્યંત મજબૂત રીતે ઉઠાવી છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, 80 વર્ષ પહેલાં યોજાયેલા દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામોના આધારે આજની આધુનિક દુનિયાની દિશા નક્કી કરી શકાય નહીં. વર્તમાન સુરક્ષા પરિષદ આજની વૈશ્વિક વાસ્તવિકતાઓનું સાચું પ્રતિનિધિત્વ કરતી નથી, જેના કારણે ખુદ સંયુક્ત રાષ્ટ્રની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા ખાતે ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે જણાવ્યું હતું કે, દ્વિતીય વિશ્વયુદ્ધમાં મળેલી જીતના આધારે જે-તે સમયે મેળવેલા વિશેષાધિકારો આજની બદલાયેલી પરિસ્થિતિઓમાં સુરક્ષા પરિષદની કાયદેસરતાની ખામીને દૂર કરી શકે તેમ નથી. બદલાતા વૈશ્વિક સમીકરણો અને સંજોગો મુજબ સંયુક્ત રાષ્ટ્રના માળખામાં ત્વરિત સુધારા કરવા અનિવાર્ય બન્યા છે.
પી. હરીશે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સુરક્ષા પરિષદની કાયમી સદસ્યતા આજે પણ મુખ્યત્વે એવા દેશો પાસે જ કેન્દ્રિત છે જેમને દ્વિતીય વિશ્વયુદ્ધના વિજેતા માનવામાં આવે છે. તેમણે યુદ્ધ દરમિયાન ભારતના અભૂતપૂર્વ યોગદાન અને ભારતીય સૈનિકોના સર્વોચ્ચ બલિદાનને યાદ અપાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, આશરે 25 લાખ ભારતીયોએ આ યુદ્ધમાં ભાગ લીધો હતો, જેમાં અંદાજે 90 હજાર ભારતીય જવાનોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. આ ઉપરાંત, તત્કાલીન સંસ્થાનવાદી (ઓપનિવેશિક) નીતિઓના કારણે સર્જાયેલા બંગાળના ભીષણ દુષ્કાળનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આ ભયાનક ત્રાજડીમાં 40 લાખથી વધુ લોકોના મોત થયા હતા. વિજેતા દેશોના પ્રભાવ હેઠળ બનેલી આ વ્યવસ્થામાં પીડિતોની ચિંતાઓ અને અનુભવોને ક્યારેય યોગ્ય સ્થાન મળ્યું નથી.
-
સુધારાની પ્રક્રિયા ઝડપી બનાવવા માંગ
ભારતીય પ્રતિનિધિએ સ્પષ્ટ કર્યું કે, વર્ષ 1945માં સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર હેઠળ કેટલાક દેશોને મળેલા વિશેષાધિકારો સુરક્ષા પરિષદના સુધારાની પ્રક્રિયાને અટકાવવાનું સાધન ન બનવા જોઈએ. આંતર-સરકારી વાટાઘાટોને અનિશ્ચિતકાળ સુધી મુલતવી રાખવી યોગ્ય નથી. ભારતે સુધારા પ્રક્રિયાને ઝડપથી આગળ ધપાવવા માટે લેખિત મુસદ્દો, સ્પષ્ટ સમયમર્યાદા અને નક્કર દિશા નક્કી કરવા પર વિશેષ ભાર મૂક્યો છે.
-
પાકિસ્તાન સહિત ‘UFC’ જૂથ પર પ્રક્રિયા અટકાવવાનો આરોપ
ભારતે ઇટાલીના નેતૃત્વ હેઠળના કેટલાક દેશોના જૂથ પર પ્રક્રિયાગત વાંધાઓ ઉઠાવીને વાટાઘાટોમાં રોડાં અટકાવવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાન પણ સામેલ હોય તેવું આ જૂથ **’યુનાઇટિંગ ફોર કન્સિન્સસ’ તરીકે ઓળખાય છે. આ જૂથ ચર્ચા શરૂ કરવા માટે પહેલા વ્યાપક સમંતિની માંગ કરે છે, જેની સામે ભારતે પ્રશ્ન ઉઠાવ્યો છે કે બહુપક્ષીય વાટાઘાટોમાં ચર્ચા શરૂ કરવા માટે લેખિત મુસદ્દો જરૂરી હોય છે, ચર્ચા પૂરી થયા પછી નહીં.
- વૈશ્વિક સંસ્થાઓમાં વ્યાપક ફેરફાર જરૂરી
ભારતે પુનરોચ્ચાર કર્યો છે કે સુરક્ષા પરિષદના સુધારાની ચર્ચા પણ સંયુક્ત રાષ્ટ્રની અન્ય પ્રક્રિયાઓની જેમ લેખિત મુસદ્દાના આધારે જ આગળ વધવી જોઈએ. ભારતે વિકાસશીલ દેશોને સુરક્ષા પરિષદમાં યોગ્ય અને વધુ પ્રતિનિધિત્વ આપવાની પોતાની વર્ષો જૂની માંગણી દોહરાવીને સ્પષ્ટ કર્યું છે કે તે ચોક્કસ સમયમર્યાદામાં નક્કર સુધારા કરવાના પક્ષમાં છે.


