1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી જળ-જમીન,પર્યાવરણ દુષિત બન્યાઃ રાજ્યપાલ
રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી જળ-જમીન,પર્યાવરણ દુષિત બન્યાઃ રાજ્યપાલ

રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી જળ-જમીન,પર્યાવરણ દુષિત બન્યાઃ રાજ્યપાલ

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પૂણે ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ વિષયક રાજ્યકક્ષાની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતા જણાવ્યુ હતું કે, ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી અત્યંત આવશ્યક છે. તેમણે પ્રાકૃતિક કૃષિના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સૌને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલએ જણાવ્યુ હતું કે, આઝાદી બાદ ખાદ્યાન્નની જરૂરિયાતને પહોંચી વળવા  હરિત ક્રાંતિ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ સમયની માંગ હતી. પરંતુ આજે પ્રાકૃતિક કૃષિના દુષ્પરિણામો સામે આવી રહ્યા છે, ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા પાછળ રાસાયણિક કૃષિ 24 ટકા જવાબદાર હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધુંધ ઉપયોગથી જળ-જમીન અને પર્યાવરણ દુષિત થયા છે, દુષિત આહારના કારણે લોકો અસાધ્ય રોગના ભોગ બની રહ્યા છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટવાને કારણે જમીન બંજર બનતી જાય છે, ઉત્પાદન સતત ઘટતું જાય છે. જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી છે.

રાજ્યપાલએ ખેડૂતો અને ખેતીની સમૃદ્ધિ માટે તેમજ સ્વાસ્થ્યપ્રદ આહાર માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની માંગ હોવાનું જણાવી. ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની સુરક્ષા થાય છે, દેશી ગાયનું જતન-સંવર્ધન થાય છે, લોકોને સ્વાસ્થ્યપ્રદ આહાર મળે છે. એટલું જ નહીં આ પદ્ધતિમાં કૃષિ ખર્ચ નહીવત્ આવે છે અને ઉત્પાદન ઘટતું નથી તેવી સરવાળે ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે.

રાજ્યપાલએ ગુરૂકુળ કુરુક્ષેત્રમાં 200 એકર ભૂમિમાં કરવામાં આવતી પ્રાકૃતિક કૃષિનું ઉદાહરણ આપી પ્રાકૃતિક કૃષિનાં બીજામૃત, જીવામૃત-ઘન જીવામૃત, આચ્છાદન, વાપ્સા અને મિશ્ર પાકના સિદ્ધાંતોની ઉપસ્થિત ખેડૂતોને વિગતવાર માહિતી આપી. ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા સંકલ્પબદ્ધ કર્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલાં મહારાષ્ટ્ર રાજ્યના નાયબ મુખ્યમંત્રી  દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યુ હતું કે, ડૉ. પંજાબરાવ દેશમુખ જૈવિક ખેતી મિશનના બીજા તબક્કામાં આગામી વર્ષ 2025 સુધીમાં રાજ્યની 2.5 લાખ હેક્ટર જમીનને પ્રાકૃતિક કૃષિ હેઠળ આવરી લેવા સઘન આયોજન હાથ ધરાશે. તેમણે ખેતીની સમૃદ્ધિ અને લોકોના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખેડૂતોને આગ્રહ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલાં મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી  ચંદ્રકાંત પાટીલે ખેડૂતોની આવક વધારવા, જમીનને ઉપજાઉ બનાવવા તેમજ લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે પ્રાકૃતિક કૃષિને આવશ્યક ગણાવી હતી. જ્યારે કૃષિ મંત્રી, અબ્દુલ સત્તારે જણાવ્યુ હતું કે, જમીનનું સ્વાસ્થ્ય બગડશે તો ખાદ્ય સુરક્ષા જોખમાશે. તેમણે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનાં સર્ટિફિકેશન માટે વ્યવસ્થા કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. આ જ રીતે બાગાયત મંત્રી શ્રી સંદિપન ભૂમરે એ બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિના મહત્વને પ્રસ્તુત કર્યું હતું.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code