આણંદ, 19 સપ્ટેમ્બર, 2026 – આણંદ કૃષિ યુનિવર્સિટીની સેક્શન-૮ કંપની એઆઈસી આણંદ ફાઉન્ડેશનની પહેલ ફ્યુચરપ્રેન્યોર ખોજના ભાગરૂપે પાદરા તાલુકાના મુવાલ ગામે ગ્રામીણ ક્ષેત્રોમાંથી આવતી વિદ્યાર્થિનીઓમાં ઉદ્યોગસાહસિક વિચારસરણી વિકસાવવા માટે વિશેષ ઇનોવેશન વર્કશોપનું આયોજન શ્રી રમેશભાઈ અંબાલાલ પટેલ વિદ્યા સંકુલ ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કરવામાં આવ્યું હતું.
એઆઈસી આણંદ ફાઉન્ડેશનના સીઈઓ નિકુંજ સોની દ્વારા વિદ્યાર્થિનીઓને પોતાની આસપાસ રહેલી વ્યવસાયિક તકો ઓળખી પોતાનું સ્ટાર્ટઅપ કેવી રીતે શરૂ કરી શકાય તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આકૃયુના ઇન્ક્યુબેશન સેન્ટરની મદદથી વિકસેલા મહિલા ઉદ્યમીઓના સ્ટાર્ટઅપ્સની સફળતાના વાસ્તવિક ઉદાહરણો દ્વારા વિદ્યાર્થિઓને ‘વિચારથી વ્યવસાય’ના માર્ગે આગળ વધી ઉદ્યોગસાહસિક બનવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.

મેનેજર ડૉ. જીગ્નેશ મેકવાન દ્વારા ગુજરાત સરકારશ્રીની એસએસઆઈપી (SSIP ૨.૦) યોજના તથા ઇન્ક્યુબેશન સેન્ટર ખાતે ઉપલબ્ધ સંસાધનો, નિષ્ણાત માર્ગદર્શન, મેન્ટરશિપ વગેરેનો લાભ લઈ પોતાનું સાહસ કેવી રીતે ઊભું કરી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ થકી ૨૦૦થી વધુ વિદ્યાર્થિનીઓ તથા ફેકલ્ટી સભ્યોને કૃષિ ક્ષેત્રે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકતા અંગે નવા અભિગમની જાણકારી મળી હતી તેમજ આત્મનિર્ભર બનવાની પ્રેરણા મળી હતી.


