નવી દિલ્હી, 3 ઓગસ્ટ 2026: વિશ્વભરમાં ચિંતાજનક રીતે વધી રહેલા સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી પાછળ હવે કેવળ છૂટાછવાયા ઓનલાઈન ઠગ નહીં, પરંતુ માનવ તસ્કરી કરનાર મોટા આંતરરાષ્ટ્રીય અપરાધી સંગઠનો સક્રિય હોવાનું બહાર આવ્યું છે. ‘એશિયા-પૅસિફિક ગ્રુપ ઓન મની લોન્ડરિંગ’ (APG) દ્વારા મે 2026માં જાહેર કરવામાં આવેલા એક અત્યંત મહત્વપૂર્ણ અને સનસનાટીભરી રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, દક્ષિણ-પૂર્વ એશિયાના કેટલાક વિસ્તારોમાં મોટા પાયે ‘સાયબર સ્કેમ હબ’ ચલાવવામાં આવી રહ્યા છે, જ્યાં નોકરીની લાલચ આપીને ફસાવવામાં આવેલા નિર્દોષ લોકો પાસે બળજબરીથી ઓનલાઈન ઠગી કરાવવામાં આવે છે. આ ગુનેગારોનું ગેરકાયદેસર સામ્રાજ્ય અબજો ડોલર સુધી પહોંચી ગયું છે અને વિશ્વભરના 100થી વધુ દેશોના નાગરિકો આના શિકાર બની રહ્યા છે.
ક્યાં આવેલા છે આ સ્કેમ સેન્ટરો?
રિપોર્ટના અહેવાલ મુજબ, આ પ્રકારના સાયબર સ્કેમ હબ મુખ્યત્વે મ્યાનમાર, કંબોડિયા, લાઓસ, થાઈલેન્ડ અને ફિલિપાઈન્સની સરહદી તેમજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) ગણાતા વિસ્તારોમાં સંચાલિત થઈ રહ્યા છે. આ દુર્ગમ અને કાયદાકીય પક્ડથી દૂરના વિસ્તારોમાં નબળા કાયદાકીય અમલ, ઓછી પોલીસ નિરીક્ષણ અને હળવા નિયમોનો ફાયદો ઉઠાવીને અપરાધીઓ સુરક્ષિત સંકુલો ઊભા કરી લે છે. જ્યારે કોઈ ચોક્કસાઈપૂર્વકનું દબાણ વધે છે, ત્યારે આ લોકો પોતાની જગ્યા બદલી નાખે છે અથવા નવા નામો સાથે ફરીથી ધંધો શરૂ કરી દે છે.
નોકરીના બહાને બોલાવીને ગુલામ બનાવવામાં આવે છે
આ સ્કેમ સેન્ટરોમાં કામ કરનારા મોટાભાગના યુવાનો પોતાની મર્જીથી ત્યાં નથી જતા. તેમને વિદેશમાં આકર્ષક નોકરી, ઊંચા પગાર ધોરણ અને ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન બતાવીને બોલાવવામાં આવે છે, પરંતુ ત્યાં પહોંચતાની સાથે જ તેમના પાસપોર્ટ અને ઓળખના દસ્તાવેજો આંચકી લેવામાં આવે છે અને તેમને દિવસ-રાત ઓનલાઈન ફ્રોડ આચરવાની ફરજ પાડવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આ ગેરકાયદેસર કામનો વિરોધ કરે છે, તેને શારીરિક મારઝૂડ, માનસિક ત્રાસ અને કેદખાના જેવી અમાનવીય યાતનાઓ આપવામાં આવે છે. અનેક કિસ્સાઓમાં પરિવારજનો પાસેથી લાખો રૂપિયાની ખંડણી વસૂલ્યા પછી જ તેમને છોડવામાં આવે છે.
ઠગાઈ માટે આધુનિક તકનીક અને એઆઈનો ઉપયોગ
ગુનેગાર ગેંગ ખાસ કરીને એવા યુવાનોને ટાર્ગેટ કરે છે જેમને કોમ્પ્યુટર, સોશિયલ મીડિયા અને ક્રિપ્ટોકરન્સીનું પ્રાથમિક જ્ઞાન હોય, જોકે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વ્યાપક ઉપયોગ બાદ હવે ભરતી કરવાની પદ્ધતિઓ પણ બદલાઈ રહી છે, અને ઓછી તાલીમ પામેલા લોકો પાસે પણ સ્કેમ કરાવાઈ રહ્યા છે. આ ઠગ લોકો નકલી રોકાણ યોજનાઓ, ક્રિપ્ટોકરન્સીમાં અધધ નફાની લાલચ, રોમાન્સ સ્કેમ અને સરકારી અધિકારી બનીને લોકોને લાખો રૂપિયાથી વંચિત કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી પોલીસ કાર્યવાહીમાં ઓસ્ટ્રેલિયાના ‘ઓપરેશન ફાયરસ્ટોર્મ’ અને થાઈલેન્ડ તથા ફિલિપાઈન્સમાં થયેલા દરોડાઓમાં હજારો પીડિતોને મુક્ત કરાવાયા છે અને કરોડોની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.

