1. Home
  2. ગુજરાતી
  3. મણિપુરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, હથિયારોના જથ્થા સાથે 9 ઉગ્રવાદીઓ ઝડપાયાં
મણિપુરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, હથિયારોના જથ્થા સાથે 9 ઉગ્રવાદીઓ ઝડપાયાં

મણિપુરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, હથિયારોના જથ્થા સાથે 9 ઉગ્રવાદીઓ ઝડપાયાં

0
Social Share

નવી દિલ્હી, 3 ઓગસ્ટ 2026: મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રાખવા તેમજ અસામાજિક તત્વો અને સક્રિય વિરોધી જૂથો સામે ચાલી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત સુરક્ષા દળો અને મણિપુર પોલીસને અભૂતપૂર્વ સફળતા મળી છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ચલાવાયેલા સઘન તલાશી અભિયાન દરમિયાન ભારે માત્રામાં અત્યાધુનિક હથિયારો, દારૂગોળો, સંચાર સાધનો અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

  • થૌબલ અને તેંગનૌપાલ જિલ્લામાં દરોડા

પોલીસ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, થૌબલ પોલીસ સ્ટેશન હેઠળના અરોંગ નદી નજીક આવેલા એકોક પાટ વિસ્તારમાં વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન જમીનમાં કે છુપી જગ્યાએ સંતાડેલા હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલી સામગ્રીમાં બે ઈનસાસ રાઈફલ, એક એમપી-5 સબ-મશીન ગન, એક એસએલઆર રાઈફલ, બે .૩૦૩ રાઈફલ્સ, આઠ મેગેઝીન, એક સ્મોક બોમ્બ અને વિવિધ કેલિબરના 389 જીવતા કારતૂસોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, તા.1 ઓગસ્ટના રોજ સુરક્ષા દળોએ તેંગનૌપાલ જિલ્લાના મોરેહ પોલીસ સ્ટેશન ક્ષેત્ર અંતર્ગત ભારત-મ્યાનમાર સરહદ નજીક બોર્ડર પિલર 72 અને 73 વચ્ચેના જંગલી વિસ્તારમાં વ્યાપક તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન એક 9 એમએમ પિસ્તોલ, એક ડબલ-બેરલ ગન, છ રેડિયો કમ્યુનિકેશન સેટ, બે હેન્ડ ગ્રેનેડ અને છ આઈઈડી (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) મળી આવ્યા હતા. સુરક્ષા દળોએ ત્વરિત કાર્યવાહી કરીને તમામ છ IED ને નિર્ધારિત પ્રોટોકોલ મુજબ ઘટનાસ્થળે જ સુરક્ષિત રીતે નષ્ટ કરી દીધા હતા, જેથી કોઈ મોટી દુર્ઘટના ટળી શકી.

  • અલગ-અલગ વિસ્તારોમાંથી 9 ઉગ્રવાદીઓની ધરપકડ

હથિયારોની જપ્તી ઉપરાંત, સુરક્ષા દળોએ બાતમીના આધારે છેલ્લા 24 કલાક દરમિયાન ચલાવાયેલા વિશેષ ઓપરેશન્સમાં પ્રતિબંધિત વિદ્રોહી જૂથો સાથે સંકળાયેલા 9 કુખ્યાત ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે. મણિપુર પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે ચલાવાયેલા આ અભિયાનમાં થૌબલ, તામેંગલોંગ, કાકચિંગ, ચંદેલ, ઇમ્ફાલ વેસ્ટ અને ઇમ્ફાલ ઈસ્ટ જિલ્લાઓમાંથી આ ઉગ્રવાદીઓને દબોચી લેવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓ પાસેથી શસ્ત્રો અને અન્ય વાંધાજનક દસ્તાવેજો મળ્યા છે, અને રાજ્યમાં શાંતિ જાળવવા માટે વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code