Site icon Revoi.in

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ઈન્ટરનેશન ફ્લાવર શો 2025 ખુલ્લો મુક્યો

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ઈન્ટરનેશન ફ્લાવર શો 2025 નો શુભારંભ કરીને ખુલ્લો મુક્યો છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે ઈન્ટરનેશન ફ્લાવર શો 2025 માં મુલાકાતીઓ માટે નાઇટ ફ્લાવર પાર્ક અને પ્રાઇમ ટાઇમ મુલાકાત સહિતની વિશેષ સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. 

જોકે અમદાવાદમાં દર વર્ષે શિયાળા દરમિયાન ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો દૂર દૂરથી ફ્લાવર શોને નિહાળવા માટે આવે છે. આ વર્ષે પણ અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. ફ્લાવર શોમાં દેશના વિકાસ અને સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન જોવા મળશે. જો કે આ વર્ષે સહેલાણીઓને ફ્લાવર શોની મુલાકાત લેવી મોંઘી પડી શકે છે. આ વર્ષે 1 જાન્યુઆરીથી ફ્લાવર શો શરુ થવાનો છે જેની ટિકિટમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફ્લાવર શોની ટિકિટમાં મોટો વધારો કરાયો છે.

આ વર્ષે 15 કરોડનો ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. સ્કલપચર બનાવવા પાછળ 7.5 કરોડથી વધુનો ખર્ચ થયો છે. વિવિધ 23 પ્રકારના ફૂલોનું નજરાણું મૂકવામાં આવ્યું છે. 2025 ના આ ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. 2024 ની સરખામણીએ 2025 ફ્લાવર શોમાં લગભગ દોઢથી બે ગણો ખર્ચ થયો છે. અમદાવાદના ફ્લાવર શોમાં સોમથી શુક્રવારે 70 રુપિયાની એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જ્યારે શનિવાર અને રવિવારે ફ્લાવર શોની ટિકિટ 100 રુપિયા રાખવામાં આવી છે. જ્યારે જો કોઈ વ્યક્તિને સ્પેશિયલ ફ્લાવર શોની વિઝિટ કરવી હોય તે લોકો માટે 500 રુપિયા ચાર્જ રાખવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે. સ્પેશિયલ વિઝિટ માટેનો સમય સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11માં રાખવામાં આવ્યો છે.