Site icon Revoi.in

હાઈવે પર પાર્ક કરેલા વાહનોમાં ચોરી કરતી આંતરરાજ્ય કંજર ગેંગ પકડાઈ

Social Share

સુરેન્દ્રનગર, 11 ઓગસ્ટ 2026 : Interstate Kanjar gang arrested for stealing from vehicles parked  નેશનલ હાઈવે પર આવેલી હોટલો પર પાર્ક કરેલા વાહનોમાં ચોરી કરતી કૂખ્યાત આંતરરાજ્ય કંજર ગેન્ગના ત્રણ શખસોને પોલીસે દબોચી લીધા છે. આરોપીઓ હાઇવે પર આવેલી હોટલોના પાર્કિંગમાં પાર્ક કરેલી કારના કાચ તોડી રોકડની ચોરી તેમજ હોટલ પર રોકાયેલી ટ્રાવેલ્સ અને લક્ઝરી બસોમાંથી મુસાફરોની બેગ ચોરી કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે લીંબડી-જાખણ ગામના પાટિયા પાસેથી ત્રણેય શખસોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે પકડાયેલા શખસોની પૂછપરછ કરતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરની હોટલો પર પાર્ક કરેલા વાહનોમાંથી કેવી રીતે ચોરી કરતા હતા તેની મોડસ ઓપરેન્ડી કહી હતી. આરોપીઓ હાઇવે પર આવેલી હોટલોના પાર્કિંગમાં રેકી કરતા હતા. ત્યારબાદ કોઈ વ્યક્તિ હાજર ન હોય તેવી કારના કાચ તોડીને અંદરથી રોકડ અને કિંમતી વસ્તુઓની ચોરી કરતા હતા. આ ઉપરાંત ટ્રક, ટ્રાવેલ્સ અને લક્ઝરી બસો હોટલ પર રિફ્રેશમેન્ટ માટે ઊભી રહે ત્યારે મુસાફરો નીચે ઉતરે તે સમયનો લાભ લઈ બસમાંથી બેગ અને અન્ય સામાન ચોરી લેતા હતા. આરોપીઓ ચોરી કર્યા બાદ પોલીસની પકડથી બચવા માટે પોતાની કારની નંબર પ્લેટ બદલી નાખતા હતા. મધ્યપ્રદેશના ધારથી ગુજરાતમાં પ્રવેશતી વખતે તેઓ મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી દેતા હતા, જેથી ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસ તેની સુધી પહોંચી ન શકે,

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ સુરેન્દ્રનગર ઉપરાંત અમદાવાદ, વડોદરા, કરજણ અને ચીખલીના હાઇવે પર ચોરીના અનેક ગુનાઓ કર્યા હોવાની કબૂલાત કરી છે. જેમાં લીંબડી-બગોદરા હાઇવેની હોટલના પાર્કિંગમાંથી કારનો કાચ તોડી રૂ.2 લાખની ચોરી, શિવશોભા હોટલ ખાતે સરકારી બસમાંથી રૂ.2 લાખની ચોરી અને અમદાવાદ-રાજકોટ હાઇવે પર ગેલોપ્સ હોટલના પાર્કિંગમાં આઈ-20 કારનો કાચ તોડી રૂ.3 લાખની ચોરી કરી હતી.

આરોપીઓએ લીંબડીની HFM હોટલ, અમદાવાદ-વડોદરા હાઇવેની હોટલ અને બગોદરા ટોલનાકાથી અમદાવાદ વચ્ચેની હોટલમાં લક્ઝરી બસમાંથી રોકડની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.  દર્શન હોટલના પાર્કિંગમાં ઉભેલી લક્ઝરી બસમાંથી પણ રૂ.10થી 12 હજારની ચોરી કરી હતી. ઉપરાંત કરજણ અને ચીખલી હાઇવે પર ટ્રકમાંથી રોકડ તથા મોબાઇલ ફોનની ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ પાસેથી વઢવાણ અને લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો છે. ત્રણેય આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ માટે લીંબડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.  પોલીસે આરોપીઓ પાસેથી રૂ.5 લાખની કિંમતની વેન્યુ કાર, ચાર મોબાઇલ ફોનની કિંમત રૂ.60,500, રૂ.29,500 રોકડ, બે નંબર પ્લેટ, કટર, ડિસમીસ, આઠ આઈડી કાર્ડ અને છ સિમકાર્ડ સહિત કુલ રૂ.5.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓની ઓળખ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મનાવર અને ધરમપુરી વિસ્તારના અરબાજખાન મુલતાની, અલ્લારખા શાહ અને સદામ ગફુરખાન તરીકે થઈ છે.

Exit mobile version