
IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સના આ ખેલાડીએ રચ્યો ઈતિહાસ, સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર બન્યો
નવી દિલ્હીઃ મુંબઈ ઈન્ડિયન્સનો અનુભવી સ્પિનર પીયૂષ ચાવલા ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર બની ગયો છે. તેણે વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે આ સિદ્ધિ મેળવી હતી. ચાવલાએ પાવરપ્લે પછી પ્રથમ બોલ પર ખતરનાક રિંકુ સિંઘને આઉટ કર્યો અને તેને ડ્વેન બ્રાવોથી આગળ લઈ જઈને 184 વિકેટ સાથે બીજા નંબરનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો. રાજસ્થાન રોયલ્સના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ આ લીગના ઈતિહાસમાં 200 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. પૂર્વ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર ડ્વેન બ્રાવો 123 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર 178 વિકેટ સાથે ચોથા સ્થાન પર છે.
કોલકાતાના બોલર સુનીલ નારાયણ પાંચમા સ્થાને
મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગ કરતા KKRએ વેંકટેશ અય્યર અને મનીષ પાંડે વચ્ચેની 83 રનની ભાગીદારીને કારણે તમામ વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ 18.5 ઓવરમાં 145 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને KKRએ 24 રને મેચ જીતી લીધી હતી. KKR તરફથી મિચેલ સ્ટાર્કે 3.5 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. મુંબઈ માટે સૂર્યકુમાર યાદવે શાનદાર અડધી સદી સાથે 56 રન બનાવ્યા હતા. તો, કોલકાતા નાઈટ રાઈડર્સનો બોલર સુનીલ નારાયણ પણ આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે પાંચમા સ્થાને આવી ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં સુનીલ નારાયણે 2 વિકેટ લીધી હતી. આ સાથે તેણે IPLમાં 176 વિકેટ ઝડપી છે. તેમણે અમિત મિશ્રાને પાછળ છોડી દીધા છે. IPLમાં અમિત મિશ્રાના નામે 174 વિકેટ છે.
IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
યુઝવેન્દ્ર ચહલ – 200 વિકેટ
પીયૂષ ચાવલા – 184 વિકેટ
ડ્વેન બ્રાવો – 183 વિકેટ
ભુવનેશ્વર કુમાર – 178 વિકેટ
સુનીલ નારાયણ – 176 વિકેટ