ઈરાને હિટલિસ્ટ જાહેર કરી, ઈઝરાયેલના PM નેતન્યાહુનું નામ સૌથી ઉપર
તહેરાન, 13 ફેબ્રુઆરી 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. અત્યાર સુધી માત્ર ઈઝરાયેલ જ પોતાના દુશ્મનોની યાદી જાહેર કરતું હતું, પરંતુ હવે પહેલીવાર ઈરાને ખુલ્લેઆમ ઈઝરાયેલ વિરુદ્ધ ‘હિટલિસ્ટ’ જાહેર કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. ઈરાની સરકારી મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું નામ સૌથી ઉપર છે.
ઈરાને જાહેર કરેલી આ યાદીમાં માત્ર રાજકીય નેતાઓ જ નહીં, પરંતુ ઈઝરાયેલની સુરક્ષા એજન્સીઓના વડાઓનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ ઉપરાંત, ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના ચીફ ડેવિડ બર્નિયા, સંરક્ષણ મંત્રી કાત્ઝ, ઈઝરાયલ ડિફેન્સ ફોર્સના ચીફ ઈયલ ઝમીર, એરફોર્સ ચીફ તોમર બાર, મિનિટ્રી ઈન્ટેલિજન્સ ચીફ શ્લોમી બાઈન્ડર અને ઓપરેશન ચીફ ઈત્ઝીક કોહેનનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નેતન્યાહુ અમેરિકાના પ્રવાસે છે, ત્યારે જ ઈરાનની આ હિટલિસ્ટ સામે આવી છે. બુધવારે નેતન્યાહુએ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ ટ્રમ્પે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “અમે અત્યારે ઈરાન સાથે કરાર અને વાતચીત અંગે વિચારી રહ્યા છીએ, ત્યારબાદ જોઈશું કે શું થાય છે.” અમેરિકા અને ઈઝરાયેલની આ નિકટતાથી ઈરાન ઉશ્કેરાયું હોય તેવું જણાય છે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેની દુશ્મની જૂન 2025માં ચરમસીમાએ પહોંચી હતી. તે સમયે ઈઝરાયેલ દ્વારા ઈરાનના પરમાણુ ઠેકાણાઓને નષ્ટ કરવા માટે ‘ઓપરેશન રાઈઝિંગ લાયન’ ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ઈરાનના એક ડઝન પરમાણુ વૈજ્ઞાનિકો અને સેનાના અનેક દિગ્ગજ અધિકારીઓની હત્યા કરવામાં આવી હતી. ઈઝરાયેલના તે હુમલામાં IRGC ચીફ હુસૈન સલામી, સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ બાઘેરી અને એરફોર્સ ચીફ અમીર અલી હાજીઝાદેહ જેવા શક્તિશાળી નેતાઓએ જીવ ગુમાવ્યો હતો. હવે ઈરાને તેની જ શૈલીમાં વળતો જવાબ આપવા માટે આ હિટલિસ્ટ તૈયાર કરી છે.
આ પણ વાંચોઃ સિંધુ જળ સંધિ મામલે પાકિસ્તાને ફરી ચિઠ્ઠી લખીને ભારતને કરી ખાસ વિનંતી


