1. Home
  2. ગુજરાતી
  3. UPI સાથે જોડાવાથી શ્રીલંકા અને મોરેશિયસ બંનેને લાભ થશે અને ડિજિટલ પરિવર્તનને વેગ મળશે
UPI સાથે જોડાવાથી શ્રીલંકા અને મોરેશિયસ બંનેને લાભ થશે અને ડિજિટલ પરિવર્તનને વેગ મળશે

UPI સાથે જોડાવાથી શ્રીલંકા અને મોરેશિયસ બંનેને લાભ થશે અને ડિજિટલ પરિવર્તનને વેગ મળશે

0

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જગન્નાથ સાથે સંયુક્તપણે શ્રીલંકા અને મોરેશિયસમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) સેવાઓનો શુભારંભ કરાવ્યો હતો તથા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મોરેશિયસમાં રુપે કાર્ડ સેવાઓનો પણ શુભારંભ કરાવ્યો હતો. મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જગન્નાથે માહિતી આપી હતી કે, કો-બ્રાન્ડેડ રૂપે કાર્ડને મોરેશિયસમાં ડોમેસ્ટિક કાર્ડ તરીકે નિયુક્ત કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજની શરૂઆતથી બંને દેશોનાં નાગરિકોને ઘણી સુવિધા મળશે. શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ પ્રધાનમંત્રીને અયોધ્યા ધામમાં શ્રી રામ મંદિરનાં અભિષેક માટે અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે સદીઓ જૂના આર્થિક સંબંધો પર પણ ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિએ બંને દેશો વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવા અને કનેક્ટિવિટીની ગતિ જાળવવાની આશા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે ભારત, શ્રીલંકા અને મોરેશિયસ એમ ત્રણ મિત્ર દેશો માટે વિશેષ દિવસ છે, જ્યારે તેમનાં ઐતિહાસિક જોડાણો આધુનિક ડિજિટલ જોડાણનું સ્વરૂપ ધારણ કરે છે. તેમણે કહ્યું કે તે લોકોના વિકાસ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ફિનટેક કનેક્ટિવિટી સરહદ પારના વ્યવહારો અને જોડાણોને વધારે મજબૂત કરશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ભારતનું યુપીઆઈ અથવા યુનાઇટેડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ આજે નવી ભૂમિકામાં છે – ભારત સાથે ભાગીદારોને જોડવા.”

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ડિજિટલ જાહેર માળખાએ ભારતમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે, જ્યાં ગામડાંનાં અંતરિયાળ વિસ્તારોમાં નાનામાં નાના વિક્રેતાઓ યુપીઆઈ મારફતે વ્યવહાર કરી રહ્યાં છે અને ડિજિટલ ચુકવણી કરી રહ્યાં છે. યુપીઆઈ વ્યવહારોની સુવિધા અને ઝડપ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, ગયા વર્ષે યુપીઆઈ મારફતે રૂ. 2 લાખ કરોડ કે શ્રીલંકાનાં રૂ. 8 ટ્રિલિયન અથવા રૂ. 1 ટ્રિલિયન મોરેશિયસનાં મૂલ્યનાં 100 અબજથી વધારે વ્યવહારો થયાં હતાં. પ્રધાનમંત્રીએ જીઇએમ ટ્રિનિટી ઓફ બેંક એકાઉન્ટ્સ, આધાર અને મોબાઇલ ફોન મારફતે છેલ્લી માઇલ ડિલિવરી કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં લાભાર્થીઓનાં બેંક ખાતાઓમાં રૂ. 34 લાખ કરોડ કે 400 અબજ અમેરિકન ડોલર હસ્તાંતરિત કરવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, કોવિન પ્લેટફોર્મ સાથે ભારતે વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ હાથ ધર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ટેકનોલોજીનો ઉપયોગ પારદર્શકતાને પ્રોત્સાહન આપે છે, ભ્રષ્ટાચારમાં ઘટાડો કરે છે અને સમાજમાં સર્વસમાવેશકતામાં વધારો કરે છે.”

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ભારતની નીતિ ‘નેબરહુડ ફર્સ્ટ’ છે. આપણું દરિયાઈ વિઝન સાગર એટલે કે આ ક્ષેત્રમાં તમામ માટે સુરક્ષા અને વૃદ્ધિ છે. ભારત તેના વિકાસને તેના પડોશીઓથી અલગ જોતું નથી. ” શ્રીલંકાના રાષ્ટ્રપતિની છેલ્લી મુલાકાત દરમિયાન અપનાવવામાં આવેલા વિઝન ડોક્યુમેન્ટનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ નાણાકીય જોડાણને મજબૂત કરવા બાબતને તેના મુખ્ય ઘટક તરીકે દર્શાવી હતી. પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથ સાથે પણ જી-20 સમિટ દરમિયાન તેઓ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હોવાથી આ ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, યુપીઆઈ સાથે જોડાણથી શ્રીલંકા અને મોરેશિયસને લાભ થશે તથા ડિજિટલ પરિવર્તનને વેગ મળશે, સ્થાનિક અર્થતંત્રોમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે અને પ્રવાસનને પ્રોત્સાહન મળશે. “મને વિશ્વાસ છે કે ભારતીય પ્રવાસીઓ યુપીઆઈ સાથેના સ્થળોને પ્રાધાન્ય આપશે. શ્રીલંકા અને મોરેશિયસમાં રહેતા ભારતીય મૂળના લોકો અને ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ તેનો વિશેષ લાભ મળશે.”

પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, એશિયામાં ખાડીમાં નેપાળ, ભૂટાન, સિંગાપુર અને યૂએઈ બાદ હવે આફ્રિકામાં મોરેશિયસથી રૂપે કાર્ડ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આનાથી મોરેશિયસથી ભારત આવતા લોકોને પણ સુવિધા મળશે. હાર્ડ કરન્સી ખરીદવાની જરૂરિયાત પણ ઓછી થશે. યુપીઆઈ અને રુપે કાર્ડ સિસ્ટમ આપણી પોતાની કરન્સીમાં રિયલ-ટાઇમ, ખર્ચ-અસરકારક અને અનુકૂળ ચુકવણીને સક્ષમ બનાવશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આગામી સમયમાં આપણે સરહદ પારથી રેમિટન્સ એટલે કે પર્સન ટૂ પર્સન (પી2પી) પેમેન્ટ સુવિધા તરફ આગેકૂચ કરી શકીએ તેમ છીએ.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજની શરૂઆત વૈશ્વિક દક્ષિણ સહકારની સફળતાનું પ્રતીક છે. “અમારા સંબંધો માત્ર વ્યવહારો વિશે નથી, તે એક ઐતિહાસિક સંબંધ છે”, પીએમ મોદીએ ત્રણેય દેશો વચ્ચેના લોકો-થી-લોકોના સંબંધોની શક્તિને પ્રકાશિત કરવા પર ભાર મૂક્યો હતો. છેલ્લાં 10 વર્ષમાં ભારત પોતાનાં પડોશી દેશોનાં મિત્રોને ટેકો આપી રહ્યું છે એ તરફ ધ્યાન દોરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કુદરતી આપત્તિઓ હોય, સ્વાસ્થ્ય સાથે સંબંધિત મુદ્દાઓ હોય, આર્થિક હોય કે આંતરરાષ્ટ્રીય સ્તરે સાથ સહકાર હોય, ભારત કટોકટીના દરેક સમયે તેના મિત્રોની પડખે ઊભું રહે છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ભારત પ્રથમ પ્રતિસાદ આપનાર દેશ રહ્યો છે અને આગળ પણ રહેશે.” પીએમ મોદીએ ભારતના જી-20 રાષ્ટ્રપતિ પદ દરમિયાન પણ વૈશ્વિક દક્ષિણની ચિંતાઓ તરફ વિશેષ ધ્યાન દોર્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારતનાં ડિજિટલ સરકારી માળખાગત સુવિધાનો લાભ વૈશ્વિક દક્ષિણનાં દેશો સુધી પહોંચાડવા સોશિયલ ઇમ્પેક્ટ ફંડ સ્થાપિત કરવાનો છે. આ સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને પ્રધાનમંત્રી પ્રવિન્દ જગન્નાથનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો, જેમણે આજના શુભારંભમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે આ પ્રક્ષેપણને સફળ બનાવવા બદલ ત્રણેય દેશોની કેન્દ્રીય બેંકો અને એજન્સીઓનો પણ આભાર માન્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code