1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકેની ત્રીજી ટર્મમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશેઃ અમિત શાહ
નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકેની ત્રીજી ટર્મમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશેઃ અમિત શાહ

નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકેની ત્રીજી ટર્મમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશેઃ અમિત શાહ

0
Social Share

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની જોડીએ ગુજરાતના વિકાસને અવિરત રાખ્યો છે. ગુજરાતથી જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૧થી લોકાભિમુખ અને સર્વાંગી વિકાસની પરંપરા શરૂ કરી હતી. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાએ તેજ ગતિએ આગળ ધપાવી છે. નરેન્દ્રભાઈની વિકાસની કાર્યપ્રણાલી પર વિશ્વાસ મૂકીને જ ૨૦૧૪માં દેશની જનતાએ તેમને દેશનું સુકાન સોંપ્યું હતું.

અમિતભાઈએ કહ્યું કે, વડાપ્રધાનએ છેલ્લાં ૧૦ વર્ષમાં પ્રબળ સંકલ્પ, આયોજનશક્તિ અને અમલવારી થકી દેશને તમામ ક્ષેત્રોમાં નવી ઊંચાઈ પર લઈ જવાનું કામ કર્યું છે. તેમણે ૨૨ જાન્યુઆરીએ અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિપ્રતિષ્ઠા કરી જેનાથી કરોડો શ્રદ્ધાળુઓની લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.

નરેન્દ્રભાઇના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં અગાઉ ૧૧મા ક્રમે રહેલી દેશની અર્થવ્યવસ્થા આજે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે, એમ જણાવી તેમણે ઉમેર્યું કે,  નરેન્દ્રભાઇની વડાપ્રધાન તરીકેની ત્રીજી ટર્મમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે અને ૨૦૪૭માં ભારત વિકસિત રાષ્ટ્રનો દરજજો હાંસલ કરશે, એમાં શંકાને કોઈ કારણ નથી.

અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં નરેન્દ્રભાઈએ ગુજરાતમાં ૧.૨૫ લાખ આવાસોનું લોકાર્પણ કર્યું. જરૂરિયાતમંદ પરિવારોને ઘરનું ઘર મળવાથી તેમના ચહેરા પર હરખનાં આંસુ અને સ્મિત જોવા મળે છે.

અમદાવાદ મહાનગરપાલિકાની પ્રશંસાં કરતા તેમણે ઉમેર્યું કે, ગાંધીનગર લોકસભા વિસ્તારને દરેક સુવિધાઓથી સંપન્ન કરવા મહાનગરપાલિકા પ્રયાસરત રહી છે. આજે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રેલવે, ડ્રેનેજ, તળાવ, કોમ્યુનિટી હોલ, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી અને આવાસ જેવા અનેક પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે.

જનસુખાકારીનાં આ કાર્યો બદલ અમદાવાદના બંને સાંસદો વતી અને ગાંધીનગર લોકસભા વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે તેમણે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો.

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જયંતી નિમિત્તે તેમનું સ્મરણ કરતા અમિતભાઈ શાહે ઉમેર્યું કે, વેદોના જ્ઞાન પરથી ધૂળ ખંખેરી પુનઃસ્થાપિત કરવા તથા વ્યસનમુક્તિ, રાષ્ટ્રભક્તિ, માતૃભાષા પ્રત્યે જાગૃતિનું ભગીરથ કાર્ય મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સમારોહ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ થલતેજ ખાતે નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્ર, વાડજ રામાપીરના ટેકરા ખાતે EWS આવાસ, વાડજ ખાતે નવનિર્મિત શાળા નં-૧ નું લોકાર્પણ કર્યું હતું.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદ મહાનગરપાલિકાના કુલ ₹ ૧૯૫૦ કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રીય મંત્રીના હસ્તે ₹ ૯૨૫૦ આવાસનો ડ્રો, ₹ ૮૯૧ કરોડના ખર્ચે ૪૩ પ્રજાલક્ષી કાર્યોનું ઈ- લોકાર્પણ, ₹ ૧૦૫૯ કરોડના ખર્ચે ૨૬ પ્રજાલક્ષી કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code