
કેજરીવાલની મુક્તિ ક્યારે ? જામીન મળી ગયા હોવા છતા કેમ હજુ છે જેલમાં ? આ છે કારણ
સુપ્રીમ કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે આમ છતા કેજરીવાલની હજુ જેલમાંથી મુક્તિ નથી થઇ.. તેને લઇને ઘણાને સવાલ છે કે શા માટે જામીન મળવા છતા કેજરીવાલ હજુ જેલમાં છે.
આ કેસમાં વચગાળાના જામીન મંજૂર થયા છે
વાસ્તવમાં, જે કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા છે. તેની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવી રહી હતી. EDએ આ મામલામાં 21 માર્ચ 2024ના રોજ રાત્રે લગભગ 9 વાગ્યે કેજરીવાલની ધરપકડ કરી હતી. EDએ થોડા દિવસ પહેલા આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં ઈડીએ 38 લોકોને આરોપી બનાવ્યા હતા. EDની ચાર્જશીટમાં અરવિંદ કેજરીવાલને આરોપી નંબર 37, જ્યારે આમ આદમી પાર્ટી (AAP)ને આરોપી નંબર 38 બનાવવામાં આવ્યો છે. ચાર્જશીટમાં ઈડીએ અરવિંદ કેજરીવાલને આ કૌભાંડના કિંગપિન ગણાવ્યા છે.
વચગાળાના જામીન પછી પણ જેલમાં રહેવાનું કારણ
વચગાળાના જામીન પછી પણ કેજરીવાલ જેલમાં રહ્યા તેનું કારણ સીબીઆઈ દ્વારા અન્ય કેસમાં તેમની ધરપકડ છે. તમને જણાવી દઈએ કે કેજરીવાલ જ્યારે EDની તપાસ દરમિયાન જેલમાં હતા ત્યારે CBIએ 26 જૂન 2024ના રોજ કથિત દારૂ કૌભાંડમાં તેમની ધરપકડ કરી હતી. સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી આ ધરપકડ અંગે મુખ્યમંત્રીએ અરજી પણ દાખલ કરી છે. જોકે, રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે કેજરીવાલને જામીન આપ્યા ન હતા. આ ધરપકડને પડકારતી દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. આ મામલામાં સુનાવણી 17 જુલાઈએ થવાની છે.
ક્યારે મુક્ત કરવામાં આવશે?
સરળ શબ્દોમાં કહીએ તો, સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેજરીવાલને ED ધરપકડના કેસમાં વચગાળાના જામીન આપ્યા હતા, પરંતુ જ્યાં સુધી તેમને CBI કેસમાં પણ જામીન ન મળે ત્યાં સુધી તેઓ જેલમાં રહેશે. હવે લોકો આ મામલામાં 17 જુલાઈએ થનારી સુનાવણીની રાહ જોઈ રહ્યા છે.