Site icon Revoi.in

દીવમાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો પ્રારંભ

Social Share

રાજકોટઃ પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની દીવના ઘોઘલા બીચ પર શરૂઆત થઈ હતી. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ભવ્ય સમારોહમાં રમતોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉત્સવમાં વિવિધ પરંપરાગત નૃત્યો દ્વારા ભારતની વિવિધતા દર્શાવવામાં આવી હતી. આ પ્રસંગે ડોકટર મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, ભારત 2047 સુધીમાં રમતગમતમાં મહાસત્તા બનવા માટે પ્રતિબદ્ધ છે. આ રમતોમાં 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 1 હજાર 350થી વધુ ખેલાડીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. ખેલાડીઓ ફૂટબોલ, વોલીબોલ, કબડ્ડી, સ્વિમિંગ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સને દેશના રમતગમત ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ ક્ષણ ગણાવી છે. પોતાના સંદેશમાં, તેમણે રમતોના આયોજકોને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.

દેશભરમાં પાયાના સ્તરે રમતગમત અને રમતવીરોના વિકાસને મજબૂત બનાવવાના એક મહત્ત્વપૂર્ણ પગલામાં ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયએ ખેલો ઇન્ડિયા પહેલ હેઠળ એક વ્યાપક વાર્ષિક કેલેન્ડર શરૂ કર્યું છે. જે અંતર્ગત દીવમાં તારીખ 19થી 25 મે સુધી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી રમતવીરોને પ્રોત્સાહન પ્રાપ્ત થશે અને પોતાની કલા રજૂ કરવા માટે મંચ પણ મળશે.