ભૂજ, 3 ફેબ્રુઆરી 2026: શહેરના મિરઝાપર વિસ્તારમાં નવનિર્મિત શાળાના કમિશનિંગ સર્ટિફિકેટ મુદ્દે એક મહિલા શિક્ષિકાને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દબાણ કરીને ઉદ્ધત વર્તન કરીને શિક્ષિકાનું અપમાન કર્યું હતું. ક્ષત્રિય સમાજના શિક્ષિકાના અપમાનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી જિલ્લા વિકાસ અધિકારીની બદલી અથવા માફી માંગે એવી માંગ કરી છે.
આ બનાવની વીગત એવી છે કે, ભૂજના મિરઝાપરની નવ નિર્મિત શાળાના મકાનનું કામ તકલાદી કરાયુ છે. નવા બિલ્ડિંગમાં પોપડા અને પાણી પણ પડે છે. આ અંગે અગાઉ ગ્રામજનોએ પણ રજુઆતો કરી હતી. શાળાના મુખ્ય શિક્ષિકા દ્વારા કમ્પ્લિશન સર્ટિફિકેટ પર સહી કરવામાં આવે તો જ બિલ્ડરને બાકીની રકમ મળી શકે તેમ છે. આથી મહિલા શિક્ષિકાને ડીડીઓએ ઓફિસમાં બોલાવી કમ્પ્લિશન સર્ટિફિકેટ પર સહી કરવા માટે દબાણ કર્યુ હતું. શિક્ષિકાએ એવો આક્ષેપ કર્યો હતો કે, તેમને ઓફિસમાં બોલાવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો અને માનહાનિકારક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. વધુમાં, તેમને ચેમ્બરમાં પ્રવેશતા પહેલાં મોબાઇલ ફોન અને પર્સ બહાર રાખવા કહેવામાં આવ્યું હતું, તેમજ ખુરશી પર બેસવા દેવામાં પણ અનિચ્છા દર્શાવવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીના આવા વર્તનથી મહિલા સન્માનને ઠેસ પહોંચી હોવાની લાગણી વ્યક્ત કરતાં વિવિધ મહિલા સંગઠનોમાં પણ અસંતોષ ફેલાયો છે. ક્ષત્રિય સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર, આ ઘટના માત્ર એક વ્યક્તિનું અપમાન નહીં પરંતુ સમગ્ર સમાજની મહિલાઓની અસન્માન સાથે જોડાયેલી છે.
કચ્છ જિલ્લા શિક્ષક સંઘે પણ મહિલા શિક્ષિકાના સમર્થનમાં આગળ આવી સત્તાવાર આવેદનપત્ર આપ્યું છે. સંઘના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, શૈક્ષણિક તંત્રમાં કાર્યરત મહિલા શિક્ષિકા સાથે આવી ભાષા અને વર્તન સ્વીકાર્ય નથી. વિરોધ પ્રદર્શન દરમિયાન અંદાજે 200થી 300 લોકો જોડાયા હતા. ‘ડીડીઓ સામે સૂત્રોચ્ચાર કરીને કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજપૂત સમાજે માંગણી કરી છે કે સંબંધિત અધિકારી જાહેરમાં માફી માગે અથવા રાજ્ય સરકાર દ્વારા શિસ્તભંગની કાર્યવાહી કપવી જોઈએ.

