
- રાજપુત સમાજની સંકલન સમિતિએ મુખ્યમંત્રીનો લખ્યો પત્ર
- પદ્માવતી ફિલ્મ અને અસ્મિતા આંદોલન સમયના કેસ પરત ખેચવા માગણી,
અમદાવાદઃ ગુજરાતમાં તત્કાલિન આનંદીબેન પટેલની સરકારના સમયમાં પાટિદાર અનામત આંદોલન થયું હતું. તે સમયમાં પાટિદાર આંદોલનકર્તા હાર્દિક પટેલ સહિતના નેતાઓ હાલ ભાજપમાં છે. તત્કાલિન સમયે પાટિદાર યુવાનો સામે રાજદ્રોહ સહિત ગંભીર કલમો લગાવીને પોલીસ કેસ કરવામાં આવ્યો હતો. વર્ષો બાદ સરકારે પાટિદાર અનામત આંદોલન સમયના પાટિદારો સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. ત્યારે ક્ષત્રિય સમાજે પણ પદ્માવતી ફિલ્મ અને અસ્મિતા આંદોલન સમયના કેસ પરત ખેચવા માગણી કરી છે. આં સંદર્ભે રાજપુત સમાજની સંકલન સમિતિએ મુખ્યમંત્રીને પત્ર લખીને ક્ષત્રિય સમાજ સામેના કેસ પરત ખંચવાની માગણી કરી છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાજેતરમાં પાટીદાર અનામત આંદોલન સમયના પાટીદાર યુવાનો સામે થયેલા કેસો પરત ખેંચવામાં આવ્યા છે. પાટીદાર આગેવાનો દ્વારા પાછા ખેંચવામાં આવેલા કેસોને લઇ મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓનો આભાર માન્યો હતો. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા પણ સામાજિક આંદોલનો જેવા કે પદ્માવત પિક્ચર, અસ્મિતા આંદોલન દરમિયાન ક્ષત્રિય સમાજ સામે કેસોને પરત ખેંચે તેવી માગ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની રાજપૂત સમાજની સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી સહિતના નેતાઓને ક્ષત્રિય સમાજ સામે થયેલા કેસો સાથેની માહિતી આપીને કેસો પાછા ખેંચવા માટે પત્ર લખ્યો છે.
ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રીને લખાયેલા પત્રમાં એવી રજુઆત કરવામાં આવી છે કે, ભૂતકાળમાં ક્ષત્રિય અસ્મિતા આંદોલન (2024), અને પદ્માવત ફિલ્મ (2018)ના વિરોધમાં ગુજરાતભરના ગામેગામ અને શહેરોમાંથી સ્વયંભૂ સામાજીક આંદોલન માટે ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો અને બહેનોએ વિરોધ નોંધવ્યો હતો. સમાજના દરેક વ્યક્તિની લાગણી દુભાયેલી હોવાથી, વિરોધ પ્રદર્શિત કરતી વખતે કાયદાની રાહે વિરોધ કરતા હતા તત્કાલિન સમયે સાથે રાજપૂત સમાજના યુવાનો ઉપર પોલીસ કેસો કરાયા હતા. તે પરત ખેચવા જાઈએ.
રાજપૂત સંકલન સમિતીના આગેવાનોનું પ્રતિનિધી મંડળ ગઈ તા. 10 જાન્યુઆરી 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યું હતું. મુલાકાત દરમિયાન આ મુદ્દાની વિષેશ ચર્ચા કરવામાં આવી હતી અને મુખ્યમંત્રીએ રાજપૂત સમાજ અને અન્ય સમાજોના આંદોલનો દરમિયાન થયેલા પોલીસ કેસ પરત ખેચવામાં આવશે એવી ખાતરી આપી હતી. પદ્માવત ફિલ્મ વિરોધ પ્રદર્શનમાં થયેલા પોલીસ કેસ પરત ખેંચવા માટે ગુજરાત સરકાર દ્વારા 2019માં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હોવા છતાં આજદિન સુધી આ બાબતે કોઈપણ પ્રકારે અમલ થયો નથી.
રાજપુત સમાજ સંકલન સમિતિના સૂત્રોના કહેવા મુજબ પાટીદાર સમાજના આંદોલન સમયના ગંભીર કેસો સરકારે વિશાળ મન રાખી પાછા ખેંચ્યા છે. જેથી રાજપૂત સમાજના આંદોલનોમાં થયેલા પોલીસ કેસો પાછા ખેંચવા સમગ્ર સમાજની લાગણી છે. જેથી રાજપૂત સમાજની લાગણીને ધ્યાનમાં રાખી ક્ષત્રિય અસ્મિતા આંદોલન અને પદ્માવત ફિલ્મના વિરોધમાં થયેલા સામાજીક આંદોલનના પોલીસ કેસો પરત ખેચવાની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે તેવી માગ કરાઈ છે. ક્ષત્રિય સમાજ પર થયેલા અલગ અલગ કેસોની પ્રાપ્ત માહિતિ સાથે વિગત વાર કેસ નંબર, પોલીસ સ્ટેશન, કઈ કલમ વગેરે સાથે મુખ્યમંત્રીના અંગત મદદનીશને પત્ર રૂબરુમાં આપવામાં આવ્યો છે. તેમજ અન્ય મંત્રીઓની કચેરીમાં પણ રુબરુ આપવા આવ્યા છે. 2019માં સામાજીક આગેવાનોના પ્રયાસોથી તત્કાલિન ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પદ્માવતના કેસો પરત લેવા સરકાર દ્વારા પણ અંગત રસ લઈ પરિપત્ર જાહેર કર્યો હતો. 2 કેસ અમદાવાદના પૂરા પણ થઈ ગયા છે. બાકીના કેસ માટે કોઈ કારણોસર કાર્યવાહી થઈ નથી.