બાળકો અને પરિવાર માટે ઝટપટ બનાવો ન્યુટ્રિશનથી ભરપૂર દલિયા વેજ ઉપમા, નોંધી લો રેસીપી
જો તમે પણ દરરોજ સવારે એ મૂંઝવણમાં રહો છો કે નાસ્તામાં એવું શું બનાવવું જે ટેસ્ટી હોવાની સાથે-સાથે હેલ્ધી પણ હોય, તો ‘દલિયા વેજ ઉપમા’ તમારા માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. ફાઈબર, વિટામિન્સ અને અન્ય જરૂરી પોષક તત્વોથી ભરપૂર આ નાસ્તો પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને શરીરને દિવસભર એનર્જી પૂરી પાડે છે. આ વાનગીની ખાસ વાત એ છે કે તે ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં રહેલી સાદી સામગ્રીમાંથી જ સહેલાઈથી બની જાય છે. તો ચાલો જાણીએ ટેસ્ટી અને હેલ્ધી દલિયા વેજ ઉપમા બનાવવાની આસાન રીત:
-
જરૂરી સામગ્રી
દલિયા (ઘઉંના ફાડા): 1 કપ (બરાબર શેકેલા)
ડુંગળી: 1 નાની (ઝીણી સમારેલી)
ગાજર: 1 નાનું (ઝીણું સમારેલું)
લીલા વટાણા: 1/4 કપ
ટમેટું: 1 નાનું (ઝીણું સમારેલું)
લીલા મરચાં: 1 (ઝીણું સમારેલું)
રાઈ: 1 નાની ચમચી
મીઠો લીમડો: 6 થી 8 પાન
તેલ અથવા ઘી: 1 મોટો ચમચો
પાણી: 2 થી 2.5 કપ
હળદર પાવડર: 1/2 નાની ચમચી
મીઠું: સ્વાદ અનુસાર
લીલા ધાણા: 1 મોટો ચમચો (ઝીણા સમારેલા)
લીંબુનો રસ: 1 નાની ચમચી (ઈચ્છા અનુસાર)
-
બનાવવાની સરળ રીત:
સૌથી પહેલા એક કડાઈમાં દલિયા (ઘઉંના ફાડા) ને 2 થી 3 મિનિટ સુધી હળવા ગુલાબી કે ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી શેકી લો. (જો તમારી પાસે પહેલાથી જ શેકેલા દલિયા હોય, તો આ સ્ટેપ કરવાની જરૂર નથી). હવે એ જ કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. રાઈ તતડે એટલે તેમાં મીઠો લીમડો અને ઝીણા સમારેલા લીલા મરચાં નાખી થોડી સેકન્ડ સાંતળો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી હળવી ગુલાબી થાય ત્યાં સુધી ચડવા દો. હવે તેમાં ગાજર, વટાણા અને ટમેટા ઉમેરીને 2 થી 3 મિનિટ સુધી બરાબર પાકવા દો. શાકભાજી અધકચરા પાકી જાય એટલે તેમાં હળદર અને સ્વાદ મુજબ મીઠું મિક્સ કરો. હવે તેમાં શેકેલા દલિયા ઉમેરીને બધી સામગ્રીને સરસ રીતે ભેગી કરી લો. આ મિશ્રણમાં 2 થી 2.5 કપ પાણી ઉમેરો… અને તેને બરાબર ઉકળવા દો. પાણી ઉકળે એટલે કડાઈ પર ઢાંકણ ઢાંકીને ધીમી આંચ પર 10 થી 12 મિનિટ સુધી પાકવા દો, જેથી દલિયા એકદમ સોફ્ટ (નરમ) થઈ જાય. દલિયાનું પાણી સુકાઈ જાય અને ઉપમા તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. છેલ્લે ઉપરથી લીંબુનો રસ અને ઝીણા સમારેલા લીલા ધાણા ભભરાવીને ગરમાગરમ સર્વ કરો.


