અમરેલી,12 જુન, 2026 : Child dies after being attacked by lion જિલ્લાના બગસરાના ઘંટીયાણ ગામની સીમમાં ખેતમજૂરી કરતા પરપ્રાંતીય શ્રમિક પરિવારના 7 વર્ષના માસૂમ બાળક પર એક સિંહણે અચાનક જીવલેણ હુમલો કર્યો હતો. સિંહણ આ માસૂમ બાળકને મોઢામાં દબાવીને અંદાજે 1 કિલોમીટર દૂર સુધી ઢસડી ગઈ હતી. સિંહણના હુમલા અને ઈજાઓના કારણે માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની સીમ વિસ્તારમાં કામ કરતા શ્રમિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સિંહણને પકડવા માટે વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, બગસરાના ઘંટીયાણ ગામની સીમમાં ખેડૂત પારસ સોજીત્રાની વાડીમાં પરપ્રાંતનો શ્રમિક પરિવાર રહેતો હતો. ગત મોડી રાત્રે શ્રમિક પરિવારના 7 વર્ષના માસૂમ બાળક પર એક સિંહણે અચાનક જીવલેણ હુમલો કર્યો હતો. સિંહણ આ માસૂમ બાળકને મોઢામાં દબાવીને અંદાજે 1 કિલોમીટર દૂર સુધી ઢસડી ગઈ હતી. સિંહણના હુમલા અને ઈજાઓના કારણે માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સ્થાનિક ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.
આ બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો, ખેડૂતો અને આગેવાનો મોટી સંખ્યામાં વાડીમાં પહોંચી ગયા હતા. અમરેલી સામાજિક વનીકરણ વન વિભાગના ACF રાજન જાદવ સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. હુમલો કરનાર સિંહણને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વન વિભાગને પ્રાથમિક તપાસમાં માહિતી મળી છે કે, હુમલો કરનાર સિંહણની સાથે તેનું સિંહબાળ પણ છે. સામાન્ય રીતે બચ્ચા સાથેની સિંહણ વધુ આક્રમક અને હિંસક બનતી હોય છે, જેને કારણે વન વિભાગ અને સ્થાનિક લોકોની ચિંતામાં વધારો થયો છે. હાલ વન વિભાગ દ્વારા આસપાસના વિસ્તારોમાં સિંહણનું લોકેશન ટ્રેક કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.


