 
                                    ગુજરાતની જેમ સમગ્ર દેશમાં ભાજપ પેજ કમિટીની સિસ્ટમ લાગુ કરશે
અમદાવાદઃ ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ બન્યાં બાદ સી.આર.પાટીલે સંગઠનને વધારે મજબુત કરવા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. દરમિયાન પેજ કમિટી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના આગેવાનો પણ પેજ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યાં છે. દરમિયાન સમગ્ર દેશમાં ભાજપ દ્વારા પેજ કમિટી લાગુ કરવાનું જે.પી.નડ્ડા વિચારી રહ્યાં છે.
સુરતમાં ચૂંટણી સભાને ગજવતા સી.આર.પાટિલે જણાવ્યું હતું કે, ભાજપમાં ઉમેદવારોની પસંદગી લોકશાહીની રીતે કરવામાં આવે છે. નેતાઓના પુત્ર કે સંબંધીઓને નહીં પરંતુ લાયકાયવાળા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે લાખથી વધારે લોકોએ ભાજપમાંથી ટિકીટ ઉપર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેમાંથી લાયકાતવાળા ઉમેદવારોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પસંદ કરવામાં આવ્યાં છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના સંગઠનને મજબુત કરવા માટે પેજ કમિટી શરૂ કરવામાં આવી છે. જે.પી.નડ્ડા સાથે વાતચીત થઈ હતી. તેઓ સમગ્ર દેશમાં પેજ કમિટી શરૂ કરવાનું વિચારી રહ્યાં છે. આમ સુરત ભાજપથી શરૂ થયેલા સિસ્ટમ સમગ્ર રાજ્યમાં પ્રસરી છે અને હવે ભાજપ સમગ્ર દેશમાં આ સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. પેજ કમિટીના 50 લાખથી વધુ અત્યાર સુધીમાં બન્યાં છે. તેમજ બીજા 76 લાખ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર વેગવંતો બન્યો છે. ભાજપ દ્વારા 20 જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ સ્ટાર પ્રચારકો રાજ્યસભમાં ચૂંટણીસભાઓને ગજવશે.
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

