Site icon Revoi.in

મહારાષ્ટ્રઃ ગોધરાકાંડ કેસનો આરોપી ચોરીના ગુનામાં ઝડપાયો

Social Share

મુંબઈઃ ગોધરા ટ્રેન હત્યાકાંડના દોષિત સલીમ ઉર્ફે સલમાન યુસુફ જર્દા (ઉ.વ. 44)ની મહારાષ્ટ્રના પુણેમાં ચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ગોધરા ઘટનામાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ સલીમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જામીન પર બહાર આવ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે 7 જાન્યુઆરીએ ગ્રામીણ પુણેના જુન્નારથી એક ટ્રકમાંથી લગભગ 2.49 લાખ રૂપિયાના ટાયર અને ટ્યુબની ચોરી થઈ હતી. આ કેસમાં ટ્રક ડ્રાઈવર સોમનાથ ગાયકવાડે FIR નોંધાવી હતી. આ કેસની તપાસ કરતી વખતે, પોલીસને ખબર પડી કે નાસિકમાં પણ આવો જ એક કેસ બન્યો હતો. જેમાં પુણેના સિન્નાર પોલીસ સ્ટેશન અને મંચર પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં ટ્રકમાંથી માલની ચોરી થઈ હતી. તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે આ ઘટનાઓમાં એક આંતરરાજ્ય ગેંગ સામેલ હતી અને પોલીસને એ પણ જાણવા મળ્યું કે આમાં સંડોવાયેલા ચોરો ગુજરાતના ગોધરાથી હતા.

તપાસ દરમિયાન, પોલીસે 22 જાન્યુઆરીના રોજ નાસિકથી ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં સલીમ જર્દ અને તેના સાથીઓ સાહિલ પઠાણ, સુફિયાન ચાણકી, અયુબ સુંથિયા, ઇરફાન દરવેશનો સમાવેશ થાય છે. તે બધા ગોધરાના રહેવાસી છે. પોલીસે આરોપીઓ પાસેથી એક ટેમ્પો ટ્રક અને ચોરાયેલો સામાન પણ જપ્ત કર્યો છે. ચોરો પાસેથી જપ્ત કરાયેલા માલની કુલ કિંમત આશરે ૧૪.૪ લાખ રૂપિયા છે. પોલીસે જણાવ્યું હતું કે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન ગોધરામાં ટ્રેન સળગાવવાના દોષિત 31 દોષિતોમાં સલીમ જર્દાનો પણ સમાવેશ થાય છે. જામીન ઉપર મુક્ય થયા બાદ આરોપી સલીમ ફરાર થઈ ગયો હતો અને એક ગેંગ બનાવી હતી. આ ગેંગ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ચોરીઓ કરતી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.