મહારાષ્ટ્રમાં આકાશી આફત વચ્ચે તંત્રની બેદરકારી: અલગ-અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત
મુંબઈ, 3 જુલાઈ 2026: મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદે સામાન્ય જનજીવનને બાનમાં લીધું છે. જોકે, આ આફત વચ્ચે ચોમાસા પૂર્વેની તૈયારીઓનો દાવો કરતા સરકારી વિભાગોની પોલ સંપૂર્ણપણે ખુલી ગઈ છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ સિસ્ટમ ફેઈલ થતા સર્જાયેલું જલભરાવ, ખુલ્લા મેનહોલ, રસ્તા પર લટકતા વીજળીના તાર, જર્જરિત ઇમારતો અને સુરક્ષા વિના ચાલતા બાંધકામો નિર્દોષ નાગરિકો માટે કાળ સાબિત થયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં તંત્રની આ ગુનાહિત બેદરકારીના કારણે અલગ-અલગ અકસ્માતોમાં કુલ નવ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેને પગલે જવાબદાર વિભાગો સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
-
વીજ કરંટ લાગતા 3ના મોત
વીજ તંત્રની લાપરવાહીને કારણે કરંટ લાગવાથી ત્રણ આશાસ્પદ યુવાનોના મોત નીપજ્યા છે. કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારમાં 26 વર્ષીય શશિ રાહુલ ચક્ર રસ્તા પર ભરાયેલા પાણીમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ભારે વરસાદને કારણે વીજળીનો જીવંત તાર પાણીમાં તૂટી પડ્યો હોવાથી સમગ્ર વિસ્તારમાં કરંટ ફેલાયો હતો અને શશિનુ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સ્થાનિકોના મતે તાર તૂટવાની જાણ અગાઉ કરાઈ હોવા છતાં વીજ કંપનીએ કોઈ પગલાં લીધા નહોતા. આવી જ રીતે થાણેના મુમ્બ્રા વિસ્તારમાં 17 વર્ષની આલિયા રસ્તો ઓળંગી રહી હતી ત્યારે પાણીમાં ફેલાયેલા વીજ કરંટની ઝપેટમાં આવી ગઈ હતી. વીજ થાંભલા અથવા ખુલ્લા વાયરો અંગે અગાઉ ફરિયાદો થઈ હોવા છતાં તંત્ર ઘોરતું રહ્યું હતું. આ તરફ ભિવંડીમાં પણ 28 વર્ષીય મુસ્તફા શેખ રસ્તા પર પડેલા ખુલ્લા વીજ તારના કારણે કરંટનો ભોગ બનતા સ્થળ પર જ દમ તોડી દીધો હતો.

બીજી તરફ, મુંબઈમાં રસ્તા પર પાણી ભરાવાને કારણે પાલિકાએ ખુલ્લું રાખેલું ગટરનું મેનહોલ ન દેખાતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. 55 વર્ષીય અસલમ શેખ રસ્તો ક્રોસ કરતી વખતે સીધા ગટરમાં ખાબક્યા હતા અને પાણીના જોરદાર પ્રવાહમાં વહી ગયા હતા, જેમનો બાદમાં મૃતદેહ મળ્યો હતો. મુંબઈની અન્ય એક ઘટનામાં ભારે પવન સાથેના વરસાદમાં રસ્તા કિનારે આવેલું એક તોતિંગ વૃક્ષ ચાલુ સ્કૂલ બસ પર ધરાશાયી થયું હતું. આ ભયાનક અકસ્માતમાં 11 વર્ષના માસૂમ વિહાન શ્રીવાસ્તવનું મોત થયું હતું, જ્યારે અન્ય બાળકો ઘાયલ થયા હતા. મોન્સૂન લિસ્ટિંગ અને પ્રી-મોન્સૂન ટ્રીમર એટલે કે ઝાડ છાંટવાની પ્રક્રિયાના પાલિકાના દાવાઓ અહીં ખોટા સાબિત થયા છે.
-
જર્જરિત ઇમારતો પણ કાળમુખી સાબિત થઈ
આ આકાશી આફતમાં જર્જરિત ઇમારતો પણ કાળમુખી સાબિત થઈ છે. વાળકેશ્વર વિસ્તારમાં એક અત્યંત જૂની ઇમારતોનો સ્લેબ તૂટી પડતાં 51 વર્ષીય સંતોષ રામચંદ્ર ભરશકર મલબા નીચે દબાઈ ગયા હતા અને તેમનું કરુણ મોત થયું હતું. જ્યારે પનવેલના કામોઠે વિસ્તારમાં 45 વર્ષીય સુરેશ લોખંડે પોતાના ઘરની અંદર હાજર હતા, ત્યારે જ સતત વરસાદના કારણે મકાનનો સ્લેબ ધસી પડતા તેઓ કાળનો કોળિયો બન્યા હતા. આ ઘટનાઓએ જર્જરિત ઇમારતોના સ્ટ્રક્ચરલ ઓડિટ પર મોટા સવાલો ખડા કર્યા છે. આ સિવાય પાલઘર જિલ્લાના ચહાડે ગામમાં 28 વર્ષીય કિશન વરઠા નામનો યુવક નદીમાં માછલી પકડવા ઉતર્યો હતો અને નદીના તેજ પ્રવાહમાં વહી જતાં તેનો મૃતદેહ બીજા દિવસે મળી આવ્યો હતો.
સૌથી હૃદયદ્રાવક ઘટના પુણેના લોણી કાળભોર વિસ્તારમાં બની છે. સીવેજ લાઇનના કામ માટે ખોદાયેલા ઊંડા ખાડાને કોન્ટ્રાક્ટરે બેરિકેડિંગ કર્યા વિના જ ખુલ્લો છોડી દીધો હતો. વરસાદી પાણી ભરાવાને કારણે ખાડો દેખાતો નહોતો અને ઘરની બહાર રમતો બે વર્ષનો માસૂમ સોહમ લખન કસબે તેમાં ડૂબી ગયો હતો. પોલીસે આ મામલે અજ્ઞાત કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ તમામ નવ ઘટનાઓમાં ભલે દુર્ઘટનાનું સ્વરૂપ અલગ હોય, પરંતુ તેની પાછળનું મુખ્ય કારણ એક જ છે—તંત્રની ઘોર બેદરકારી. જો ચોમાસા પહેલા વીજ વાયરોનું સમારકામ થયું હોત, મેનહોલ ઢાંકવામાં આવ્યા હોત, જોખમી વૃક્ષો કપાત થયા હોત અને ખાડાઓ પૂરાયા હોત, તો આ નવ લોકોના જીવ બચાવી શકાયા હોત.


