1. Home
  2. ગુજરાતી
  3. મહર્ષિ વાલ્મિકી જ્યંતિઃ ‘એકાત્મતા’ને સમાનતાનું ગાન~રામાયણ
મહર્ષિ વાલ્મિકી જ્યંતિઃ ‘એકાત્મતા’ને સમાનતાનું ગાન~રામાયણ

મહર્ષિ વાલ્મિકી જ્યંતિઃ ‘એકાત્મતા’ને સમાનતાનું ગાન~રામાયણ

0
Social Share

(ડો. મહેશ ચૌહાણ)

આદિકવિ મહર્ષિ વાલ્મિકીના શ્રીમુખેથી પ્રગટ થયેલ સાક્ષાત્ વેદ એટલે રામાયણ. શ્રીરામના જીવનચરિત્રને મહર્ષિ વાલ્મિકીજીએ જનજન સુધી પહોંચાડયું. રામાયણ ભારતની બધી ભાષાઓમાં ઉપલબ્ધ છે અને તે ભારતીય સમાજના તમામ વર્ગના લોકોના હૃદય પટલ પર અંકિત છે, તેમજ લોકોના જીવન વ્યવહારમાં દિવ્ય સ્મરણ સાથે તેનું સતત સદૈવ પ્રકટીકરણ થતું રહે છે.

તત્કાલીન સામાજિક વ્યવસ્થાની મર્યાદામાં રહી, ધર્મના માર્ગે ચાલી રહેલ, સામાજિક સૌહાર્દ અને સામાજિક સમાનતાનું પ્રકટીકરણ કરતા સમાજજીવનને રામાયણ ઉજાગર કરે છે. સૌ સદ્ ગુણકર્મના આધારે પોતાનાં કર્તવ્યને નિભાવતાં-નિભાવતાં સમાજધર્મને ધારણ કરી, લૌકિક અને આધ્યાત્મિક મૌલિક સમાનતાના અધિકારોનો આનંદ પ્રાપ્ત કરતાં જોવા મળે છે.

રામાયણમાં પ્રતિષ્ઠાપિત વિચાર તેમજ પ્રસંગોને જાણીશું તો લાગે છે કે, વર્તમાનમાં આપણા સૌ માટે સ્વસ્થ સમાજની ધારણા હેતુ, આવશ્યક અને અનિવાર્ય એવા વિવેક અને સમજદારીને કેળવવાનો કર્તવ્ય માર્ગ રામાયણ બતાવે છે.

●દ્વાપર યુગમાં થયેલ ચંદ્રવંશી રાજા સુમતિ રામાયણની આરાધના વિશે કહે છે કે, હું પૂર્વ જન્મમાં હંમેશાં કુમાર્ગે ચાલનારો અને સૌનું અહિત કરવામાં જોડાયેલ માલતી નામનો શૂદ્ર હતો. સૌથી ત્યજાયેલ હું વનમાં એકલો વ્યાધ-વૃત્તિ કરી જીવન જીવતો હતો. પૂર્વજન્મની મારી પત્ની કે જે કાળી નામની નિશાદકુળની કન્યા, આ જન્મમાં મને વનમાં મળે છે. અમે વસિષ્ઠના આશ્રમમાં ગયાં, ત્યાં સતત નવ દિવસ સુધી ભક્તિપૂર્વક રામાયણની કથા સાંભળી. ત્યાર પછી અમારું મૃત્યુ થતાં ભગવાનના દૂત અમને વિમાનમાં બેસાડીને તેમના પરમપદ (ઉત્તમધામ)માં લઈ ગયેલા.

●પરમેશ્વર શિવની આરાધના કરી રહેલ બ્રાહ્મણ સુદાસ પોતાના ગુરુ ગૌતમના આગમનની અવહેલના કરે છે, તો પણ ગુરુ ગૌતમને શિષ્ય સુદાસ પ્રત્યે કંઈ લાગી ન આવ્યું. પરંતુ ભગવાન શિવ, શિષ્યની ગુરુ પ્રત્યેની આવી અવહેલનારૂપી પાપને સહી ન શક્યા અને સુદાસને રાક્ષસી યોની પ્રાપ્ત થાઓ એવો શાપ આપેલ. કાલાંતરે રામાયણના પ્રભાવથી શિષ્ય સુદાસને શાપથી મુક્તિ મળેલી. આમ, રામાયણનું શ્રવણ અને અધ્યયન કરવાથી સદગુણોની પ્રાપ્તિ થતાં જીવન સુધરે છે.

●રામાયણમાં અયોધ્યાના લોકો અને સમાજ વિશે લખાયેલું છે…
वर्णेष्वग्र्यचतुर्थेषु देवतातिथिपूजका:।
कृतज्ञाश्च वदान्याश्च शूरा विक्रमसंयुता:।।
સમાજના બધા જ લોકો દેવતા અને અતિથિ-પૂજક, કૃતજ્ઞ, ઉદાર શૂરવીર અને પરાક્રમી હતા.

●હનુમાનજી સીતા માતાજીને કહે છે કે, શ્રીરામચંદ્રજી જગતમાં સૌની રક્ષા કરે છે. સંસારમાં ધર્મની મર્યાદાઓને જાળવીને એમનું પાલન કરનાર-કરાવનાર પણ તેઓ જ છે. આમ, અહીં આપણને તે સમયનો સમતાયુક્ત, સ્વસ્થ અને ઉન્નત સમાજ દ્રષ્ટિગોચર થાય છે. તેમજ શાસકો પણ ધર્માધિષ્ઠિત માર્ગે સૌનું રક્ષણ કરતા જોવા મળે છે.

●જ્યારે દશરથ રાજા અશ્વમેધ-યજ્ઞ કરે છે તે પ્રસંગના વર્ણનમાં આવે છે કે, ઋષિ વસિષ્ઠ સુમંત્રને બોલાવીને કહે છે, આ પૃથ્વી પર જે જે ધાર્મિક રાજા, સમાજના બધા જ વર્ણના છે -એ સૌને યજ્ઞમાં આવવા માટે નિમંત્રિત કરો. સૌ માટે જે રહેઠાણો બનાવવામાં આવે એમાં ભોજન-પાણીની પૂરતી સામગ્રી રાખવામાં આવે. એમાં સઘળાં મનોવાંછિત પદાર્થો સુલભ હોય. એવી વ્યવસ્થા હોવી જોઈએ, જેથી બધા વર્ણના લોકો સારી પેઠે સત્કાર પામીને સન્માનપૂર્વક ભાગ લઈ શકે. કામ-ક્રોધને વશ થઈને કોઈનો અનાદર ન થવો જોઈએ.

●ગંગાવતરણના મંગલમય ઉપાખ્યાન વિશે કહેવાય છે કે, તે સૌને માટે કલ્યાકારી છે. માટે રામાયણમાં કહેવાયું છે કે, જે (વ્યક્તિ) સમાજના બધા જ લોકોને ગંગાવતરણનું ઉપાખ્યાન સંભળાવે છે, એના પર દેવતાઓ અને પિતૃઓ પ્રસન્ન થાય છે.  આ પરથી સમજી શકાય છે કે જે વ્યકિત સૌની ચિંતા કરી અને સૌનો આદર સત્કાર કરે છે તે જ સુફળ અને યશ પ્રાપ્તિ માટે લાયક બને છે. વ્યક્તિ જ્યારે સર્વના સુખની કામના કરી, સૌના કલ્યાણાર્થે કાર્ય કરે છે તો જ તે કલ્યાણનો અધિકારી બની શકે છે.

●શ્રીરામે ક્યારેય રાજ્ય તથા વનવાસ વચ્ચે ભેદ નથી કર્યો. શ્રીરામ કહે છે, राज्यं वा वनवासो वा वनवासो महोदय:। અર્થાત્ મારા માટે રાજ્ય અથવા વનવાસ બંને સમાન છે. બલ્કે વિશેષ વિચાર કરતાં વનવાસ જ મારા માટે સર્વ પ્રકારની વૃદ્ધિ  કરનારો બન્યો છે.

●શૃંગવેરપુરમાં નિષાદકુળમાં જન્મેલ ગુહ નામના રાજા હતા. જે શ્રીરામના પ્રાણથી પણ પ્રિય મિત્ર હતા. જ્યારે રાજા ગુહ શ્રીરામને મળવા જંગલમાં આવે છે, ત્યારે શ્રીરામ લક્ષ્મણની સાથે સામા જઈને તેમને મળે છે. શ્રીરામ પોતાની બંને ભુજાઓથી ગુહને સારી પેઠે આલિંગન કરી ભેટી પડે છે. નિષાદરાજ લક્ષ્મણને સત્યના સોગંદ ખાઈને કહે છે, न हि रामात् प्रियतरो ममास्ति भुवि कश्चन। અર્થાત્ ‘આ પૃથ્વી પર મને શ્રીરામથી વધીને પ્રિય બીજું કોઈ નથી.’

●ગંગાના દક્ષિણ તટે જતાં પહેલાં નિષાદરાજ પાસે શ્રીરામ કેશને જટાનું સ્વરૂપ આપવા વડનું દૂધ મંગાવે છે. ભાગીરથીના તટ પર શ્રીરામ અને લક્ષ્મણના કેશની જટા સ્વયં નિષાદરાજ બનાવી આપે છે. શ્રીરામ,સીતાજી અને લક્ષ્મણને ગંગાપાર કરવા નિષાદરાજે નાવની વ્યવસ્થા કરાવી અને સુખરૂપે કેવટ દ્વારા ગંગા પાર ઉતારે છે. ગંગાપાર કરાવ્યા બાદ રાજા ગુહ દુઃખથી વ્યાકુળ થઈને ઘણીવાર સુધી સુમંત્રની સાથે વાતચીત કરતા રહે છે. ત્યાર પછી સુમંત્રને સાથે લઈને પોતાના ઘરે ચાલ્યા જાય છે. સંભવ છે કે, શ્રીરામ પાછા મને બોલાવી લે એ આશાએ સુમંત્ર ગુહની સાથે કેટલાક દિવસ રોકાય છે.

●ભરતજી સુગ્રીવને કહે છે, શ્રીરામના અભિષેકનું જળ લાવવા માટે તમે તમારા દૂતોને મોકલો. સુગ્રીવના કહેવાથી ચાર શ્રેષ્ઠ દૂતો ચારે સમુદ્રોનાં જળ ભરેલા ઘડાઓ લઈને આવે છે અને તે જળ થકી શ્રીરામનો રાજાભિષેક થાય છે.

આજે દેશમાં દેશ વિઘાતક અને અરાષ્ટ્રીય પરિબળો સમાજને તોડી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા, ભેદ અને વિષમતાનો સહારો લઈ વિવિધ પ્રયાસ કરી રહ્યાં છે. ઉપરોક્ત પ્રસંગોમાંથી બોધ મળે છે કે, શ્રીરામ,નિષાદરાજ ગુહ અને સુગ્રીવ વચ્ચેની ગાઢ મિત્રતા અને પવિત્ર સંબંધનું સ્મરણ કરી સૌ હળીમળીને રહીએ. ગામ-નગર-વનવાસી તેમજ જાતિ,ભાષા’ને પ્રાંતવાદ રૂપી વિષમતાઓને પેદા કરનાર દુષ્ટ દાનવીય પરિબળોને, આપણે વિવિધ છતાં સૌ એક છીએના ઐક્યમંત્રને હ્રદયમાં ધારણ કરી સંગઠિત શક્તિથી પરાસ્ત કરીએ.

●રામાયણમાં ઉલ્લેખ છે કે વિશ્વામિત્ર એક ધર્માત્મા રાજા હતા, પરંતુ તપસ્યા દ્વારા તેમને બ્રહ્મર્ષિની પદવી પ્રાપ્ત કરી હતી. ઋષિકુમાર શ્રવણના પિતા વૈશ્ય હતા અને માતા શૂદ્ર હતાં. આમ સૌ કોઈ ઈચ્છિત વર્ણ પ્રાપ્ત કરી શકતાં હતાં અને જણાય છે કે આંતરવર્ણીય લગ્ન પણ થતાં હતાં.

●ભરતજી શ્રીરામને પ્રસન્ન કરી પરત લાવવા ઈચ્છે છે. પ્રજાની સઘળી મુખ્ય મુખ્ય વ્યક્તિઓ અને સેનાપતિઓ તથા સુહ્રદોને ભરતજીનો આ આદેશ સુમંત્ર જણાવે છે. આ આદેશને માથે ચઢાવીને દરેક ઘરના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ઊભા થઈને પોતાના ઉત્તમ જાતિના ઘોડા, હાથી, ઊંટ, ગધેડા તથા રથો તૈયાર કરવા લાગે છે. સમાજના બધા જ વર્ણ અને વ્યવસાયના લોકો બળદગાડાંમાં સાથે બેસીને વનમાં જઈ રહેલા ભરતની પાછળ-પાછળ જાય છે. બધાંના પહેરવેશ સુંદર છે. બધાંએ શુદ્ધ વસ્ત્રો ધારણ કરેલાં છે.  ઉલ્લેખનીય છે કે અહીં એક સુંદર એકરસ સમરસ સમાજનું અદ્વિતીય સ્વરૂપ જોવા મળે છે.

●પંચવટીના રસ્તે શ્રીરામને જટાયુ મળે છે અને પોતાનો પરિચય આપતાં તે શ્રીરામને બેટા કહી સંબોધે છે અને પોતાને તેમના પિતા(દશરથ)ના મિત્ર કહે છે. સઘળાં પ્રાણીઓની ઉત્પત્તિનો ક્રમ સમજાવતાં જટાયુ શ્રીરામને જણાવે છે કે, મહાત્મા કશ્યપની પત્ની મનુએ બધા જ વર્ણના મનુષ્યોને જન્મ આપ્યો હતો.  આમ, આપણે સૌ એક છીએ, એક માતાનાં સંતાનો છીએ. हिन्दव: सोदरा: सर्वे।

●સીતાજીની શોધ કરતી વેળાએ શ્રીરામને લોહીથી લથપથ પક્ષીરાજ જટાયુ મળે છે. તેમણે સીતાજીને રાવણ પાસેથી છોડાવવા પોતે કરેલ સહાયતા વિશે જાણકારી આપી. શ્રીરામ લક્ષ્મણને જણાવે છે મહાબળી ગૃધ્રરાજ પિતાના મિત્ર હતા. શ્રીરામ જટાયુના શરીર પર હાથ ફેરવે છે અને તેમનો પિતા પ્રત્યે જેવો સ્નેહ હોય એવો સ્નેહ જટાયુ માટે પ્રગટે છે. જટાયુ પ્રાણનો ત્યાગ કરે છે. પિતા સમાન અતિ પૂજ્ય જટાયુનો શ્રીરામ અગ્નિસંસ્કાર કરી, પિંડદાન કરી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય તે માટે મંત્રોના જપ કરે છે.

●પાંખો વિહિન સંપાતિ, જે જટાયુના મોટાભાઈ છે. સીતાજીને શોધવા નીકળેલ અંગદ વગેરે વાનરોને સીતાજી ક્યાં છે તે સંપાતિ જણાવે છે અને કહે છે, यद्धि दाशरथे: कार्यं मम तन्नात्र संशय। અર્થાત: દશરથનંદન શ્રીરામનું સીતાજીને શોધવાનું જે કાર્ય છે, એ મારું જ છે – એમાં શંકા નથી.

●પૂર્વજન્મમાં સૂર્ય, ચંદ્રમા અને ઈન્દ્રના શરીર જેવું શરીર ધરાવનાર દિવ્યપુરુષ કે જે લોકોને ભયભીત કરતો હતો. ઋષિ સ્થૂલશિરાના શાપથી તે દિવ્યપુરુષ રાક્ષસ બને છે. આ રાક્ષસ કે જેની જાંઘો,માથું અને મોઢું ઈન્દ્રએ તોડી નાખ્યાં હતાં માટે તે કબંધ રાક્ષસ તરીકે ઓળખાતો. કબંધ રાક્ષસ શ્રીરામ અને લક્ષ્મણના હસ્તે હણાય છે. મૃત્યુ પહેલાં કબંધ શ્રીરામને સીતાજીની શોધ માટે સુગ્રીવને મળવાનું જણાવી શ્રીરામને સહાયક બને છે. દાનવ શિરોમણિ કબંધનો શ્રીરામ અગ્નિસંસ્કાર કરે છે.

●હનુમાનજી સીતાજીને કહે છે દેવી! વાનરો અને રીંછોની સેનાના સ્વામી કપિશ્રેષ્ઠ સુગ્રીવ સત્યવાદી છે. તેઓ તમારા ઉદ્ધારનો દ્રઢ નિશ્ચય કરી ચૂક્યા છે.

ઉપરોક્ત પ્રસંગો પરથી સંદેશ પ્રાપ્ત થાય છે કે સૌએ ધર્મ-નીતિના કાર્યમાં સદૈવ તત્પર રહેવું જોઈએ અને તે માટે સમર્પિત થવામાં જ જીવનની સાર્થકતા છે.અને તેના રક્ષણ, પોષણ અને સંવર્ધન હેતુ સમર્પિત સૌ સન્માનના અધિકારી છે.

●મતંગવનમાં કઠોર વ્રતનું પાલન કરનાર સિદ્ધ તપસ્વિની શબરી માતા કે જેમનો પંપા સરોવરને કિનારે રમણીય-સુરમ્ય આશ્રમ હતો. તે આશ્રમમાં શ્રીરામ અને લક્ષ્મણ જાય છે. શબરી માતા પાદ્ય,અર્ધ્ય અને આચમનીય વગેરે બધી સામગ્રી તેમને સમર્પિત કરે છે. શ્રીરામ અને લક્ષ્મણ શબરી માતાનો આતિથ્ય સત્કાર ગ્રહણ કરે છે. ધર્મજ્ઞાની મહાભાગ મહર્ષિઓએ શબરીને કહેલ કે, તમારા આ પરમ પવિત્ર આશ્રમે રામ પધારશે અને લક્ષ્મણની સાથે તમારા અતિથિ થશે. તમે એમનો વિધિવત સત્કાર કરજો. એમનાં દર્શન કરીને તમે શ્રેષ્ઠ અક્ષયલોકમાં જશો.

●પોતાના રાજ્યાભિષેક પહેલાં શ્રીરામ નગરયાત્રા પર નીકળે છે. સુગ્રીવની પત્નીઓ અને સીતાજી સમસ્ત આભૂષણોથી વિભૂષિત અને સુંદર કુંડળોથી અલંકૃત થઈને નગર જોવાની ઉત્સુકતા સાથે વાહનોમાં નીકળે છે.

અહીં ધ્યાનમાં આવે છે કે પુરુષોની જેમ નારી પણ આશ્રમ સ્થાપી આધ્યાત્મિક પ્રગતિ કરવા સ્વતંત્ર હતી. જ્યાં શુદ્ધ સાત્ત્વિક પ્રેમ અને પવિત્રતા હોય, ત્યાં સ્વયં ઈશ્વર પધારે છે. આપણા સમાજમાં નારીનું સદૈવ સન્માનીય સ્થાન રહ્યું છે.

●સીતાજીની શોધ કરવા જતી વખતે શ્રીરામ, હનુમાનજીને પોતાના નામના અક્ષરોથી સુશોભિત વીંટી હાથમાં આપી હનુમાનજીને કહે છે, अतिबलं बलमाश्रितस्तवाहं हरिवर। અર્થાત: અત્યંત બળશાળી કપિશ્રેષ્ઠ! મેં તમારા બળનો આશ્રય લીધો છે.

●સીતાજીએ લંકામાં હનુમાનજીને ચૂડામણિ આપીને કહે છે કે, हनूमन् यत्नमास्थाय दु:खक्षयकरो भव। અર્થાત: તમે વિશેષ પ્રયત્ન કરીને મારું દુઃખ દૂર કરવામાં સહાયક બનો.

●શ્રીરામે બળ-વિક્રમ સંપન્ન રાવણને યુદ્ધમાં મારી નાખ્યો. જ્યારે શ્રીરામનો સંદેશ લઈ હનુમાનજી અશોકવાટિકામાં જાય છે અને સીતાજીને શુભ સંદેશ જણાવે છે, ત્યારે સીતાજી હનુમાનજીના મુખેથી પ્રિય સમાચાર જાણી પ્રસન્ન થઈ કહે છે કે, ‘હનુમાનજી આપતો પરમ ધર્માત્મા છો.’

ઉપરોક્ત પ્રસંગોનો સાર છે કે સૌનું સન્માન કરો અને ગુણગ્રાહી બનો, ઉપકારને ન ભૂલો તેમજ સૌ સાથે આત્મીયતા પૂર્ણ વ્યવહાર મંગલકારી હોય છે.

●શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણને અયોધ્યા જવા માટે વિભીષણ પુષ્પક વિમાનની વ્યવસ્થા કરે છે. વાનરસેનાપતિ સુગ્રીવ તથા રાક્ષસરાજ વિભિષણ શ્રીરામને વિનંતી કરે છે કે, અમે આપ સૌ સાથે અયોધ્યા આવવા ઈચ્છીએ છીએ. ત્યારે શ્રીરામ કહે છે,

प्रियात् प्रियतरं लब्धं यदहं ससुह्रज्जन:।
सर्वैर्भवद्भि: सहित: प्रीतिं लप्स्ये पुरीं गत:।।

મિત્રો! આ તો મારા માટે બહુ પ્રસન્નતાની વાત થશે – પરમપ્રિય વસ્તુનો લાભ થશે, જો હું તમારા બધા સુહ્રદોની સાથે અયોધ્યાપુરી જઈ શકું. આનાથી મને બહુ પ્રસન્નતા થશે. અને શ્રીરામની સાથે બધા વાનરો, રીંછો અને મહાબળી રાક્ષસો દિવ્ય વિમાનમાં સુખપૂર્વક અયોધ્યા જાય છે.  આ પ્રસંગ આપણને અનુભૂતિ કરાવે છે કે સૌની સાથે આત્મીયતાથી હળીમળીને રહેવામાં જ પ્રસન્નતા અને સુખ-શાંતિ મળતાં હોય છે.

●શ્રીરામ અને સુગ્રીવને પરસ્પર સહયોગ હેતુ મિત્રતાના બંધને જોડવા હનુમાનજી મધ્યસ્થી કરે છે. મિત્રતા વખતે સુગ્રીવ કહે છે, “ભગવાન! હું વાનર છું અને તમે નર. મારી સાથે તમે જે મિત્રતા કરવા ઈચ્છો છો, એમાં મારો જ સત્કાર છે અને મને જ શ્રેષ્ઠ લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. જો તમને મારી મિત્રતા ગમતી હોય તો મારો આ હાથ લંબાવેલો છે. તમે એને પોતાના હાથમાં લઈ લો અને પરસ્પર મિત્રતાનો અતૂટ સંબંધ જળવાઈ રહે એના માટે સ્થિર મર્યાદા સ્થાપિત કરી દો.” બંને પ્રસન્ન મને એકબીજાને છાતીએ લગાડી, અગ્નિની પ્રદક્ષિણા કરી મિત્ર બની જાય છે. સુગ્રીવ શ્રીરામને કહે છે, त्वं वयस्योसिऽसि ह्रद्यो मे ह्येकं दु:खं सुखं च नौ। અર્થાત: “તમે મારા મિત્ર છો. આજથી આપણા બંનેનું દુઃખ અને સુખ એક છે.” શ્રીરામ કહે છે, दुर्लभो हीद्रशो बन्धुरस्मिन् काले विशेषत:। એટલે કે…. “સખા! તમારા જેવા બંધુ ખાસ કરીને સંકટના સમયે મળે એ દુર્લભ છે.” આમ,મિત્રતાને બંધુતામાં પરિવર્તિત કરીને, સંકલ્પબદ્ધ થઈ સુખ-દુઃખમાં સાથે રહેવાની પ્રતિજ્ઞાને પૂર્ણ કરવામાં જ શ્રેષ્ઠતા છે.

●રાવણ વધ પછી દેવતાઓ શ્રીરામને મળવા આવે છે. ઈન્દ્ર પ્રસન્ન થઈ શ્રીરામને કહે છે કે આપના મનમાં જે ઈચ્છા હોય એ મને જણાવો. ત્યારે શ્રીરામ કહે છે મારા માટે યુદ્ધમાં પરાક્રમ કરીને યમલોક ચાલ્યા જનાર તેમજ યુદ્ધમાં ઘાયલ થયેલ, નિરોગી એવા બળપૌરુષથી ક્ષીણ થયેલ વાનરો-લંગુરો-રીંછો તમારી કૃપાથી મને પાછા મળે અને તે સૌને બળપૌરુષથી સ્વસ્થ્ય સંપન્ન જોવાનું વરદાન હું માગું છું. શ્રીરામની આ મનોકામના ઈન્દ્ર પૂર્ણ કરે છે.

●અયોધ્યા જતી વેળાએ શ્રીરામ ભરદ્વાજ-આશ્રમે ઉતરીને મહર્ષિને મળવા જાય છે અને મહર્ષિ સેનાસહિત શ્રીરામચંદ્રજીનો આતિથ્ય સત્કાર કરે છે. મહર્ષિ ભરદ્વાજ રામને કહે છે કે, ‘તમે શત્રુ પર વિજય પ્રાપ્ત કરીને સફળ મનોરથી થઈને મિત્રો અને બાંધવોની સાથે પાછા જઈ રહ્યા છો. આ રૂપમાં તમને જોઈને મને બહુ સુખ પ્રાપ્ત થયું – મને બહુ પ્રસન્નતા થઈ.’ મહર્ષિ ભરદ્વાજના આગ્રહથી શ્રીરામ સૌ સાથે ભરદ્વાજ ઋષિના આશ્રમમાં એક દિવસ રોકાય છે.
●આશ્રમમાં રોકાવાનું નિશ્ચિત થતાં શ્રીરામ હનુમાનજીને અયોધ્યા પોતાના આગમનની સૂચના આપવા મોકલતાં હનુમાનજીને કહે છે કે, શૃંગવેરપુરમાં પહોંચીને વનવાસી નિષાદરાજ ગુહને પણ મળજો અને મારા કુશળ કહેજો. મને સકુશળ, નીરોગી અને ચિંતારહિત સાંભળીને નિષાદરાજ ગુહને બહુ પ્રસન્નતા થશે; કેમ કે મારો મિત્ર છે. મારા માટે મારા જેવો છે. હનુમાનજી નિષાદરાજ ગુહને જાણકારી આપી અયોધ્યા તરફ જાય છે. હનુમાનજી નંદીગ્રામને જોઈને અનુભવે છે કે ભરત સમગ્ર પ્રજાને બધા પ્રકારના ભયથી સુરક્ષિત રાખતા હતા. હનુમાનજી ભરતને મળી સમાચાર આપે છે.અદ્ભુત સમાચાર જાણીને ભરત હનુમાનજીને બંને બાથમાં ભરી લે છે. હનુમાનજી દર્ભાસન પર બેસી ભરતને શ્રીરામનું વનવાસ-વિષયક બધું ચરિત જણાવે છે.

●શ્રીરામના આગમન સમયે ભરતજી શ્રીરામને સાષ્ટાંગ પ્રણામ કરે છે. ભરતજી સૌ વાનરવીરોને આલિંગન કરે છે અને સુગ્રીવને કહે છે, ‘त्वमस्माकं चतुर्णां वै भ्राता सुग्रीव पञ्चम:। હે સુગ્રીવ! તમે અમારા ચારેયના પાંચમા ભાઈ છો.’

ઉપરોક્ત પ્રસંગોમાંથી શીખ મળે છે કે ભારતના પુત્રવત હિન્દુ સમાજના આપણે સૌ ઘટક એક છીએ, બાંધવ છીએ અને આપણે સૌએ એકમેકની ચિંતા કરી, સૌને ચિંતાથી મુક્ત અને સુખી કરવાનો અથક અવિરત પ્રયાસ કરવો તે આપણું કર્તવ્ય છે.

શ્રીરામના રાજ્યશાસનકાળમાં બધા વર્ણના લોકો લોભરહિત હતા. બધાંને પોતાના વર્ણાશ્રમોચીત કર્મોથી સંતોષ હતો અને બધાં એના પાલનમાં પરોવાયેલાં રહેતાં હતાં. બધી પ્રજા ધર્મપરાયણ હતી. અસત્ય બોલતી ન હતી. સૌ ઉત્તમ લક્ષણોથી સંપન્ન હતાં અને બધાંએ ધર્મનો આશ્રય લીધો હતો.

રામાયણમાં વર્ણિત પરિસ્થિતિ, ઘટનાઓ, પ્રસંગો અને સંવાદને સમજીશું તો ધ્યાનમાં આવે છે કે સમાજમાં જન્મ,વર્ણ,લીંગ,પદ,પ્રતિષ્ઠા કે ભૌગોલિક વિસ્તાર આધારિત કોઈ ભેદભાવ નહોતો. સદગુણ અને સત્કર્મનો જ મહિમા હતો. સૌ ધર્મ-ન્યાય-નીતિ પૂર્ણ સમાનતાના સથવારે પરસ્પર સન્માન અને સહયોગ કરતાં જીવનનો આનંદ માણતાં હતાં.

[સંદર્ભ:મહર્ષિવાલ્મીકિપ્રણીત શ્રીમદ્ વાલ્મીકીય રામાયણ (ગીતાપ્રેસ,ગોરખપુર)]

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code