રેસીપી, 17 જૂન 2026: Bengal’s special Basanti Pulao રસોડામાં કંઈક નવું અને ટેસ્ટી બનાવવાનું વિચારી રહ્યા છો? પશ્ચિમ બંગાળની પરંપરાગત અને સુગંધિત વાનગી ‘બાસંતી પુલાવ’ (Basanti Pulao) તમારા વીકેન્ડ અથવા તહેવારના મેનૂ માટે બેસ્ટ ઓપ્શન છે. ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીના આ અહેવાલમાં શીખો કે કેવી રીતે ખૂબ જ આસાનીથી અને ઓછી સામગ્રીમાં કેસરી રંગનો આ શાહી પુલાવ ઘરે બનાવી શકાય છે.
બાસંતી પુલાવ માટે સામગ્રી
ચોખા: 2 કપ
દેશી ઘી: 3 થી 4 મોટી ચમચી
હળદર: 1 ચમચી
કેસરના તાંતણા: 10-12
આદુની પેસ્ટ: 1 ચમચી
આખા ગરમ મસાલા: 2 તમાલપત્ર, 1 તજની લાકડી, 4 લવિંગ, 3 લીલી ઈલાયચી
સુકો મેવો: કાજુ અને કિસમિસ (જરૂરિયાત મુજબ)
ખાંડ: 2 થી 3 મોટી ચમચી
મીઠું: અડધી ચમચી
ગરમ પાણી: 4 કપ
બાસંતી પુલાવ બનાવવાની રીત રીત
સૌ પ્રથમ ચોખાને બરાબર ધોઈ લો અને તેને અડધા કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ પાણી નિતારીને ચોખાને એક કલાક માટે સુતરાઉ કપડા કે ચાળણીમાં ફેલાવીને બરાબર સૂકવી લો. હવે સુકાયેલા ચોખામાં હળદર, આદુની પેસ્ટ, અડધી ચમચી મીઠું અને 2 ચમચી દેશી ઘી નાખીને હાથથી બરાબર મિક્સ (મેરિનેટ) કરી લો અને 30 મિનિટ માટે સાઈડ પર રાખી દો.
હવે કઢાઈમાં બાકીનું ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ અને કિસમિસ નાખીને હળવા ગુલાબી થાય ત્યાં સુધી સાંતળીને પ્લેટમાં કાઢી લો. હવે તે જ ઘીમાં તમાલપત્ર, તજ, લવિંગ અને ઈલાયચી ઉમેરીને થોડી સેકન્ડ માટે સાંતળો જેથી તેની સુગંધ ઘીમાં બેસી જાય.
હવે કઢાઈમાં મેરિનેટ કરેલા ચોખા ઉમેરો અને ધીમા તાપે 3-4 મિનિટ સુધી હળવા હાથે શેકો. ત્યારબાદ તેમાં 4 કપ ગરમ પાણી, પલાળેલું કેસર અને સ્વાદ મુજબ ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરો.
પાણી ઉકળવા લાગે એટલે ગેસની આંચ એકદમ ધીમી કરી નાખો, વાસણને ઢાંકણથી ઢાંકી દો અને 10 થી 12 મિનિટ સુધી પાકવા દો. જ્યારે ચોખા 90% રંધાઈ જાય અને પાણી સુકાઈ જાય ત્યારે ઉપરથી શેકેલા કાજુ-કિસમિસ ઉમેરીને મિક્સ કરો અને ગેસ બંધ કરીને વધુ 5 મિનિટ ઢાંકેલું રાખો. તમારો ગરમાગરમ, ખીલેલો બાસંતી પુલાવ તૈયાર છે! બાસંતી પુલાવનો સ્વાદ બંગાળી સ્ટાઇલ આલુ દમ અથવા તીખા કાજુ-પનીરના શાક સાથે અદ્ભુત લાગે છે.


