
મમતા બેનર્જી કોંગ્રેસ સામે ઝુકવા નથી તૈયાર, “વિપક્ષી ઈન્ડિયા” ગઠબંધનમાં ડખ્ખાના એંધાણ
કોલકત્તા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ કોંગ્રેસને મોટો રાજકીય આંચકો આપવાની તૈયારી કરી લધી છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસી તમામ 42 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. આને લઈને સત્તાવાર રીતે ટીએમસીએ કંઈ કહ્યું નથી. પરંતુ ટીએમસી બેઠક વહેંચણીમાં થઈ રહેલા વિલંબથી નારાજ અને આક્રોશિત છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, ટીએમસીના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ છે કે અમારી પાર્ટીના સુપ્રીમોએ સ્પષ્ટ કર્યું છે કે અમારે કોંગ્રેસ સાથે સીટ શેયરિંગ પર વાતચીત કરવાની જરૂરત નથી. તેમણે કહ્યુ છે કે પાર્ટીએ કોંગ્રેસને બે બેઠકોની પેશકશ કરી હતી. પરંતુ કોંગ્રેસ 10થી12 બેઠકો માંગી રહી છે.
પહેલા મમતા બેનર્જીએ કોંગ્રેસને 2 બેઠકો રાજ્યમાં ફાળવાની પેશકશ કરી હતી. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અધીર રંજન ચૌધરી પણ ટીએમસી સામે આકરેપાણીએ છે અને તેઓ પણ કહી રહ્યા છે કે મમતા બેનર્જી તકવાદી છે. 2011માં કોંગ્રેસની દયા પર ટીએમસી સત્તામાં આવી. હવે મમતા બેનર્જીની દયા પર ચૂંટણી નહીં લડાય. કોંગ્રેસ જાણે છે કે ચૂંટણી કેવી રીતે લડવાની છે.
માત્ર ટીએમસી જ નહીં, વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાં ઘણાં ઘટકદળો બેઠક વહેંચણીમાં થઈ રહેલા વિલંબને કારણે નારાજ છે. આ સિવાય લોકસભાની ચૂંટણીઓના કાઉન્ટડાઉન વચ્ચે તેના થોડાક દિવસો વહેલા યોજાવાની અટકળો પણ વહેતી થઈ છે. તેની સાથે વિપક્ષી ગઠબંધનમાં આગામી સમયમાં ઉઠાપઠક વધવાની સંભાવના છે.