1. Home
  2. ગુજરાતી
  3. મણિપુરઃ મ્યાનમાર સરહદ પાસેથી 5 ઉગ્રવાદીઓ ઝડપાયાં, હથિયારોનો જથ્થો જપ્ત કરાયો
મણિપુરઃ મ્યાનમાર સરહદ પાસેથી 5 ઉગ્રવાદીઓ ઝડપાયાં, હથિયારોનો જથ્થો જપ્ત કરાયો

મણિપુરઃ મ્યાનમાર સરહદ પાસેથી 5 ઉગ્રવાદીઓ ઝડપાયાં, હથિયારોનો જથ્થો જપ્ત કરાયો

0
Social Share

ઇમ્ફાલ, 25 ફેબ્રુઆરી 2026: મણિપુરમાં સુરક્ષાદળોએ અલગ-અલગ સઘન અભિયાનો ચલાવીને વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા પાંચ ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે. મણિપુર પોલીસે આ અંગે સત્તાવાર માહિતી આપી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, તેંગનૌપાલ જિલ્લામાં મ્યાનમાર સરહદ પાસે આવેલા યાંગૌબુંગ ગામ નજીક સુરક્ષાદળોએ મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન ‘પીપલ્સ લિબરેશન આર્મી’ના ત્રણ સભ્યો અને ‘પ્રેપાક-પ્રો’ સંગઠનના એક સભ્યની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉગ્રવાદીઓ સરહદી વિસ્તારમાં કોઈ મોટી ગતિવિધિને અંજામ આપવાની ફિરાકમાં હોવાની શંકા છે. એક અન્ય ઓપરેશનમાં, સુરક્ષાદળોએ થૌબલ જિલ્લાના થૌબલ હાઓખા મામાંગ વિસ્તારમાંથી ‘પ્રેપાક’ સંગઠનના વધુ એક સભ્યને દબોચી લીધો હતો. આ ધરપકડ સાથે જ સુરક્ષાદળોએ ઉગ્રવાદીઓના નેટવર્કને મોટો ફટકો માર્યો છે. માત્ર ધરપકડ જ નહીં, પરંતુ સુરક્ષાદળોએ ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના નુંગાઈ હિલ વિસ્તારમાં ચલાવેલા સર્ચ ઓપરેશનમાં હથિયારોનો જથ્થો પણ શોધી કાઢ્યો છે.

સુરક્ષાદળોને ઉગ્રવાદીઓ પાસેથી એક દેશી બનાવટની રાઇફલ, એક 9 mm ની પિસ્તોલ, એક હેન્ડ ગ્રેનેડ અને 303 બોરના પાંચ જીવતા કારતૂસ મળી આવ્યાં હતા. મણિપુર પોલીસે જણાવ્યું છે કે પકડાયેલા તમામ ઉગ્રવાદીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ ઉગ્રવાદીઓ કોના સંપર્કમાં હતા અને તેમનો આગામી પ્લાન શું હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી મણિપુરમાં અશાંતિ ફેલાવનારા તત્વો સામે સુરક્ષાદળોએ લાલ આંખ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code