1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં મે મહિનો આકરો રહેશે, કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 50 ડિગ્રી નજીક પહોંચશે
ભારતમાં મે મહિનો આકરો રહેશે, કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 50 ડિગ્રી નજીક પહોંચશે

ભારતમાં મે મહિનો આકરો રહેશે, કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 50 ડિગ્રી નજીક પહોંચશે

0
Social Share

નવી દિલ્હી, 18 એપ્રિલ 2026: હવામાન વિભાગે દેશભરમાં અસહ્ય ગરમી અને હીટવેવ (લૂ) ની ગંભીર ચેતવણી જાહેર કરી છે. આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ ગરમીએ જૂના તમામ રેકોર્ડ તોડવાનું શરૂ કર્યું છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં તાપમાનમાં અચાનક ઉછાળો આવતા હાઈ-એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને વિદર્ભનું અકોલા શહેર 44 ડિગ્રી તાપમાન સાથે વિશ્વના સૌથી ગરમ સ્થળોની યાદીમાં સ્થાન પામ્યું છે.

હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં દેશના ઘણા ભાગોમાં તાપમાનનો પારો 50 ડિગ્રીની નજીક પહોંચી શકે છે. હાલમાં જ દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં તાપમાન 40 થી 44 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. મે મહિનાના અંત સુધીમાં સરેરાશ તાપમાનમાં હજુ પણ 4 થી 8 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. આ ગંભીર સ્થિતિને જોતા મહારાષ્ટ્ર, યુપી, ઓડિશા, તેલંગણા, કર્ણાટક અને ગુજરાત સહિતના રાજ્યોમાં હીટવેવ એલર્ટ જાહેર કરાયું છે.

ઉત્તર અને મધ્યભારતમાં પડી રહેલી કાળઝાળ ગરમીને કારણે જનજીવન ઉપર પણ વ્યાપક અસર પડી રહી છે. છત્તીસગઢમાં આકરી ગરમીને પગલે શાળાઓમાં 11 દિવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં શાળાઓનો સમય સવારનો કરી દેવાયો છે અને અભ્યાસના કલાકો ઘટાડવામાં આવ્યા છે. જ્યારે પાટનગર દિલ્હીમાં પાટનગરમાં પારો 40 ડિગ્રીએ પહોંચતા સામાન્ય જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે.

ચોંકાવનારી વિગત એ છે કે વિશ્વના સૌથી ગરમ 50 સ્થળોની યાદીમાં ભારતના 20 શહેરોનો સમાવેશ થાય છે. ઓડિશાનું બ્લાંગિર વિશ્વમાં બીજા ક્રમે છે, જ્યારે મહારાષ્ટ્રનું ચંદ્રપુર અને છત્તીસગઢનું રાયપુર અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે છે. આ યાદીમાં બિહારનું સાસારામ અને તેલંગણાના કોથાપેટ જેવા શહેરો પણ સામેલ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે પ્રશાંત મહાસાગરમાં ‘અલ નીનો’ સિસ્ટમ સક્રિય થઈ છે. સ્પેનિશમાં ‘લિટલ બોય’ તરીકે ઓળખાતી આ સિસ્ટમ સમુદ્રી પ્રવાહોને ગરમ કરે છે. પ્રશાંત મહાસાગરનો આ ગરમ પ્રવાહ હિંદ મહાસાગરને પ્રભાવિત કરી રહ્યો છે, જેના કારણે ભારતમાં ઉનાળો વધુ આકરો અને લાંબો રહેવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ નીતિઓને કારણે અમેરિકા પ્રતિભા અને નવીનતા ગુમાવી રહ્યું છે, ઈમિગ્રેશન નિષ્ણાંતોનો મત

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code